(Santanu Chowdhury) IIT Kharagpur Study India Surface Temperature : આઈઆઈટી ખડગપુરના એક નવા સંશોધન મુજબ વર્ષ 2100 સુધીમાં ભારતમાં તાપમાન 1.1 થી 5.1 ડિગ્રી સેલ્સિયસ વધવાની સંભાવના છે. ગયા મહિને નેચર જર્નલમાં પ્રકાશિત થયેલ “1980-2020 દરમિયાન ભારતનું તાપમાન અને ભાવિ અંદાજો: ટ્રેન્ડ્સ અને વલણોની કારણભૂત જોડાણ” શીર્ષકવાળા રિસર્ચ પેપરમાં જણાવ્યું હતું કે, ઉંચા ઉત્સર્જનના સંજોગોમાં ભારતીય ક્ષેત્રો તાપમાનમાં વધારો થઈ શકે છે. તાપમાન 5.1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી શકે છે, જે વૈશ્વિક તાપમાનમાં સરેરાશ વૃદ્ધિના અત્યંત ઉચ્ચ અનુમાનની બરાબર છે.
ભારતીય વિસ્તારમાં અત્યાર સુધીના તાપમાનમાં વાસ્તવિક વધારો વૈશ્વિક સરેરાશ કરતા નોંધપાત્ર રીતે ઓછો રહ્યો છે. આઇઆઈટી ખડગપુરના સંશોધન કેન્દ્ર CORAL જણાવ્યું કે, “ઉદ્યોગીકરણની શરૂઆતથી પૃથ્વીની સપાટીના તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. ગ્રીનહાઉસ વાયુઓના ઊંચા ઉત્સર્જને ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તનમાં ફાળો આપ્યો છે, જે ચાલુ રહેવાની અપેક્ષા છે. અમે 1980-2020 ના સમયગાળા માટે ધરતીની સપાટી, ઉપગ્રહ અને પુનઃવિશ્લેષણ ડેટાનો ઉપયોગ કરીને ભારતમાં સપાટીના તાપમાનના લાંબા ગાળાના વલણોની તપાસ કરી છે, અને કારણભૂત શોધનો ઉપયોગ કરીને તાપમાનમાં ફેરફાર પર ભૌગોલિક પરિબળોના પ્રભાવનું મૂલ્યાંકન કર્યું છે,”
સંશોધન અનુસાર ભારતના ઉત્તરપશ્ચિમ, ઉત્તરપૂર્વ અને ઉત્તર-પૂર્વમાં ચોમાસા પહેલા અને ચોમાસા પછીની ઋતુઓ દરમિયાન તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો.
“કપ્લ્ડ મોડલ ઇન્ટરકમ્પેરિઝન પ્રોજેક્ટ 6 (CMIP6) પરિણામો સાથેનું વિશ્લેષણ દર્શાવે છે કે શેર્ડ સોશિયો ઇકોનોમિક પાથવેઝ (SSP5)–8.5 દૃશ્ય હેઠળ વર્ષ 2100 સુધીમાં તાપમાન 1.1 થી 5.1 સેલ્શિયસ ડિગ્રી સુધી વધી શકે છે. ભારતમાં તાપમાનમાં વધારો એક મોટી ચિંતા છે, જે તાપમાનમાં ઝડપી વધારાને ઘટાડવા અને પ્રાદેશિક હવામાન પરિવર્તનની પ્રતિકૂળ અસરોને દૂર કરવા માટે સાનુકુલ પગલાંની જરૂરિયાત પર ભાર મૂકે છે.”
આ અભ્યાસ પૂણેમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિરોલોજીના સહયોગથી હાથ ધરવામાં આવ્યો હતો જેણે હવામાન સંબંધી ડેટા પૂરા પાડ્યા હતા જેના આધારે સંશોધન પેપર બનાવવામાં આવ્યું હતું.
આઈઆઈટી ખડગપુર સ્થિત CORALના મુખ્ય સંશોધક અને સહયોગી પ્રોફેસર જયનારાયણ કુટ્ટીપુરાથે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “અમે છેલ્લા ચાલીસ વર્ષોમાં ભારતમાં સપાટીના તાપમાનની તપાસ કરી છે અને 2100 સુધીના તાપમાનનો અંદાજ લગાવ્યા છે. અમે ખાસ કરીને ભારતીય હવામાન વિભાગના ઘણા બધા ડેટાનો ઉપયોગ કર્યો છે જે પુનાની ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાન વિજ્ઞાન સંસ્થા દ્વારા પ્રદાન કરવામાં આવ્યો હતો. અમે વૈશ્વિક ડેટાનો પણ ઉપયોગ કર્યો છે. અમે અલગ-અલગ પરિસ્થિતિઓ માટે અનુમાનો બનાવ્યા છે,”
પ્રોફેસરે વિગતવાર જણાવ્યું કે, “મધ્યમ ઉત્સર્જનના દૃશ્યો હેઠળ, સમગ્ર ભારતમાં સરેરાશ સપાટીનું તાપમાન 2100 સુધીમાં લગભગ 1.2-2°C રહેવાની સંભાવના છે. વર્તમાન સ્તરે આ મધ્યવર્તી ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન છે. ઉચ્ચ ઉત્સર્જન પરિદૃશ્યમાં (2075 સુધીમાં ઉત્સર્જનમાં 3 ગણો વધારો), 2100 સુધીમાં સરેરાશ તાપમાન 3.5-5.1°C વધવાની શક્યતા છે. આ સંખ્યાઓ વૈશ્વિક સરેરાશ અને તાજેતરના આંતર-સરકારી પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC) મૂલ્યાંકન સાથે સુસંગત છે. જો કે, ઉચ્ચ ઉત્સર્જનનું દૃશ્ય અસંભવિત હોઈ શકે છે કારણ કે ઉત્સર્જનને ઘટાડવા માટે ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે. પરંતુ જો ઉત્સર્જન ઓછું ન થાય તો તે કદાચ 3 ડિગ્રી સેલ્સિયસ સુધી આવી શકે છે,”
IIT-ખડગપુરના પ્રોફેસરે તેમના ત્રણ પીએચડી વિદ્યાર્થીઓ અને પૂણેમાં ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાન વિજ્ઞાન સંસ્થાના એક વૈજ્ઞાનિક સાથે અભ્યાસ પર કામ કર્યું હતું. આ અંદાજો પર પહોંચવામાં તેમને બે વર્ષથી વધુ સમય લાગ્યો.
આ અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દેશમાં છેલ્લા ચાર દાયકાઓમાં પ્રિ-મોન્સૂન દરમિયાન તાપમાનમાં વધારો દર દાયકામાં 0.1 થી 0.3 °C અને ચોમાસા પછીના સમયગાળા દરમિયાન 0.2-0.4 °C પ્રતિ દાયકાની રેન્જમાં છે.
અભ્યાસ મુજબ, ચોમાસા પછીની ઋતુએ સમગ્ર દેશમાં તાપમાનના વલણમાં વધારો દર્શાવ્યો હતો, જેમાં પશ્ચિમ હિમાલય પ્રદેશ (0.2-0.5°C પ્રતિ દાયકા) અને ઉત્તરપૂર્વ ભારતમાં (0.1-0.4°C પ્રતિ દાયકા) સૌથી વધુ નોંધપાત્ર મૂલ્યો સાથે.
તેણે વધુમાં જણાવ્યું હતું કે ઑક્ટોબર અને નવેમ્બરના સમયગાળા દરમિયાન છેલ્લાં ચાર દાયકાઓમાં ઉત્તર-પશ્ચિમ ભારત, ભારતના પશ્ચિમ કિનારા અને દ્વીપકલ્પીય ભારતની સપાટીના સરેરાશ તાપમાનમાં દર વર્ષે લગભગ 0.01 થી 0.03 °C નો વધારો થયો છે. છેલ્લા ચાર દાયકાઓમાં ડિસેમ્બર-ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન, આત્યંતિક ઉત્તર ભારતના ભાગો, આત્યંતિક ઉત્તર-પશ્ચિમ ભારત, ભારતના પશ્ચિમ કિનારે અને દક્ષિણ દ્વીપકલ્પના ભારતના તાપમાનમાં દર વર્ષે લગભગ 0.01 થી 0.02 °C નો વધારો થયો છે.