Income Tax Raid on BBC: મંગળવારે (14 ફેબ્રુઆરી, 2023), આવકવેરા વિભાગની ટીમે દિલ્હી અને મુંબઈમાં BBCની BKC ઑફિસ પર દરોડા પાડ્યા. આવકવેરા વિભાગની ટીમ ઓફિસની અંદર કોમ્પ્યુટરનો ડેટા ચેક કરી રહી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, BBC કર્મચારીઓને ઘરે જવા માટે કહેવામાં આવ્યું છે, BBC ઑફિસને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવી છે. કર્મચારીઓના ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલાની માહિતી લંડન હેડક્વાર્ટરને આપવામાં આવી છે. એવી શંકા છે કે, આ દરોડા બીબીસીના નાણાકીય વ્યવહારો અને ટેક્સના નિયમનને લઈને કરવામાં આવ્યા છે.
આ દરમિયાન વિપક્ષે આ મામલે સરકારને ઘેરવાની શરૂઆત કરી છે. કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે વર્તમાન સરકાર પર પ્રહાર કરતા કહ્યું, ‘અહીં, અમે અદાણી કેસમાં જેપીસીની માંગ કરી રહ્યા છીએ અને ત્યાં સરકાર બીબીસી પાછળ પડી છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધી.
કોંગ્રેસ પાર્ટીએ BBC પરિસરમાં IT દરોડા માટે કેન્દ્ર પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસે ટ્વીટમાં લખ્યું, ‘પહેલા બીબીસી ડોક્યુમેન્ટ્રી આવી, તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. હવે ITએ BBC પર દરોડા પાડ્યા છે. અઘોષિત કટોકટી.
બીબીસી તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની તેની વિવાદાસ્પદ સિરીઝ – ‘ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ માટે ચર્ચામાં આવી હતી. બીબીસી ડોક્યુમેન્ટ્રીમાં 2002માં ગુજરાત રમખાણો દરમિયાન વડાપ્રધાન મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળને દર્શાવવામાં આવ્યો છે. જેમાં રમખાણો દરમિયાન મોદીના નેતૃત્વ પર પ્રશ્નાર્થ ચિન્હ ઉભા થયા છે.
આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંબંધિત બીબીસીની ડોક્યુમેન્ટરી સીરિઝનો વીડિયો યુટ્યુબ પર બ્લોક કરી દેવામાં આવ્યો હતો. આ સાથે બીબીસી ડોક્યુમેન્ટરીની યુટ્યુબ લિંક શેર કરતી ટ્વીટને પણ બ્લોક કરી દેવામાં આવી હતી. સૂચના અને પ્રસારણ મંત્રાલયે યુટ્યુબના કેટલાક વીડિયોને બ્લોક કરવા માટે સૂચનાઓ જાહેર કરી હતી.
આ પણ વાંચો – ગવર્નરોની નિમણૂક કેવી રીતે થાય છે, તેમની પાસે કેટલી સત્તા છે અને શા માટે ભૂમિકા વિવાદાસ્પદ હોય છે?
અગાઉ, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ બીબીસી સિરીઝને ખોટા વર્ણન અને પ્રચારનો એક ભાગ ગણાવ્યો હતો. તમને જણાવી દઈએ કે, બીબીસીએ ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ નામના બે ભાગમાં એક નવી ડોક્યુમેન્ટરી સીરિઝ બનાવી છે. આ શ્રેણી ગુજરાતમાં 2002ના રમખાણો પર આધારિત છે, જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ગોધરામાં હિન્દુ યાત્રાળુઓને લઈ જતી ટ્રેનને આગ ચાંપવામાં આવ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. હિંસામાં એક હજારથી વધુ લોકોના મોત થયા હતા.