Independence Day PM Modi Speech : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લાની પ્રાચીર પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને દેશને સબોધિત કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાને 2024માં પણ 15મી ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવવાની વાત કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે આ અંગે પ્રતિક્રિયા આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું લાલ કિલ્લા પરથી તિરંગાની સામે મારા દસ વર્ષનો હિસાબ આપી રહ્યો છું. 2019માં તમે લોકોએ કામના આધારે મને ફરી આશીર્વાદ આપ્યા હતા. પરિવર્તનનું વચન મને અહીં લાવ્યું છે, પર્ફોમન્સે મને ફરી પાછો લાવ્યો છે અને આગામી પાંચ વર્ષ અભૂતપૂર્વ વિકાસના છે. 2047ના સ્વપ્નને સાકાર કરવા માટે સૌથી મોટી સુવર્ણ ક્ષણએ આગામી પાંચ વર્ષ છે.
આગામી 15મી ઓગસ્ટે ફરી પાછો આવીશ – પીએમ મોદી
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આગામી વખતે 15 ઓગસ્ટનાં રોજ આ જ લાલ કિલ્લા પરથી હું આપની સમક્ષ દેશની ઉપલબ્ધિઓ, તમારી ક્ષમતાઓ, તમારો સંકલ્પ, તેના પર થયેલી પ્રગતિ, તેની સફળતા અને ગૌરવની વાત રજૂ કરીશ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને જ્યારે આ વાત પર પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ આગામી વખતે ચોક્કસ તિરંગો ફરકાવશે પરંતુ પોતાના ઘરે.
આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવે દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું કે વડાપ્રધાન મોદીએ અંતિમ વખત લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવ્યો છે, હવે અમારો વારો છે. લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે આગામી વખતે ઇન્ડિયા ગઠબંધનનો કોઈ નેતા ધ્વજ ફરકાવશે. લાલુ પ્રસાદ યાદવે રાબડી દેવીના નિવાસસ્થાને ધ્વજ ફરકાવ્યા બાદ આ વાત કહી હતી.
આ વખતે પીએમ મોદીના ભાષણમાં એક અલગ જ ભાષણ શૈલી સામે આવી હતી. વડાપ્રધાન પોતાના ભાષણમાં ઘણીવાર ‘દેશવાસીઓ, ભાઈઓ, બહેનો’ શબ્દનો પ્રયોગ કરે છે, પરંતુ 15 ઓગસ્ટ, 2023 ના રોજ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતી વખતે, વડા પ્રધાન વારંવાર “પરિવારજન” તરીકે દેશવાસીઓને સંબોધન કરી રહ્યા હતા.





