Independence Day 2023 : 15 ઓગસ્ટે દેશ 77મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવશે અને 10મી વાર લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરશે. આ પ્રસંગ એટલા માટે પણ ખૂબ જ મહત્વનો છે કારણ કે આ વર્ષે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી સ્વાતંત્ર્ય દિને સંપન્ન થશે. 12 માર્ચ 2021 ના રોજ વડા પ્રધાન દ્વારા ગુજરાતના અમદાવાદમાં સાબરમતી આશ્રમથી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વર્ષે આ કાર્યક્રમમાં 1800થી વધુ ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે પીએમ મોદીનું ભાષણ હશે અને તેઓ લાલ કિલ્લાની પ્રાચીર પરથી ધ્વજ ફરકાવશે. જેમાં વિવિધ સરકારી યોજનાઓ રજૂ કરતા સેલ્ફી પોઇન્ટ મુખ્ય આકર્ષણ રહેશે તેવા અનેક કાર્યક્રમો યોજાશે. જાણકારી અનુસાર આ સેલ્ફી પોઇન્ટ નેશનલ વોર મેમોરિયલ, ઇન્ડિયા ગેટ, વિજય ચોક, નવી દિલ્હી રેલવે સ્ટેશન, પ્રગતિ મેદાન, રાજઘાટ, જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન, રાજીવ ચોક મેટ્રો સ્ટેશન, દિલ્હી ગેટ મેટ્રો સ્ટેશન, આઇટીઓ મેટ્રો ગેટ, નૌબત ખાના અને શીશ ગંજ ગુરુદ્વારા સહિત અલગ અલગ જગ્યાઓ પર લગાવવામાં આવ્યા છે.
“મેરી માટી મેરા દેશ” અભિયાન
આ સ્વતંત્રતા દિવસ પર ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન દ્વારા દેશના શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 30 જુલાઈએ 103 મા મન કી બાત રેડિયો સત્રમાં આ અભિયાનની ઘોષણા કરી હતી.
ગૃહ મંત્રાલયે કહ્યું છે કે સ્વતંત્રતા દિવસ માટે ધ્વજવંદન સમારોહ સવારે 9 વાગ્યા પછી તમામ રાજ્યોની રાજધાનીઓ અને જિલ્લા મુખ્યાલયો / પેટા વિભાગોમાં થશે. ભારતના વડા પ્રધાન 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી દેશભરના આવેલા મુલાકાતીઓની સામે ભારતીય ધ્વજ ફરકાવશે.
આ પણ વાંચો – ભારતના 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે કેવી ચાલી રહી છે તૈયારી, જુઓ તસવીરો
સરપંચો, ખાદી કાર્યકરો અને ઘણા લોકો જોડાશે
આ પ્રસંગે રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને રવિવારે દિલ્હીના લાલ કિલ્લા પર વિવિધ સશસ્ત્ર દળોની સંપૂર્ણ ડ્રેસ રિહર્સલ પણ યોજવામાં આવી હતી. 15 ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં સરપંચો, ખાદી કાર્યકરો, પ્રાથમિક શાળાના શિક્ષકો અને નર્સો સહિત લગભગ 1,800 વિશેષ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
સુરક્ષા માટે લોખંડી બંદોબસ્ત
લાલ કિલ્લા પર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ ઉપર મોરચો સંભાળી લીધો છે. સ્વતંત્રતા દિવસ પર 1000 કેમેરા ઉપરાંત એન્ટી ડ્રોન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. સમારોહ દરમિયાન સેનાના હેલિકોપ્ટર પર અત્યાધુનિક હથિયારો સાથે કમાન્ડો ટીમ આકાશમાંથી બાજ નજર રાખશે. શાર્પશૂટર તૈનાત કરવામાં આવશે. લાલકિલ્લાના વિસ્તારમાં ખૂણા ખૂણા પર સુરક્ષા કર્મચારીઓની નજર રહેશે. વડાપ્રધાન અને અન્ય વીવીઆઈપી મહેમાનોની સુરક્ષા માટે સ્નિફર્સ, વિશિષ્ટ સ્વાટ કમાન્ડો અને શાર્પશૂટર તૈનાત કરવામાં આવશે. લાલ કિલ્લા માટે ખૂણે ખૂણે કર્મચારીઓની નજર રહશે. સ્વાટ કમાંડો અને એનએસજી કમાન્ડની સાથે દિલ્હી પોલીસ અને પેરા મિલિટ્રી ફોર્સના જવાનો તૈનાત રહેશે.





