કેન્દ્રીય મકાન અને શહેરી બાબતોના મંત્રાલયને દેશમાં નવા શહેરોના વિકાસ- વિસ્તરણ માટે 21 રાજ્યો તરફથી 26 દરખાસ્તો મળી છે. હાલમાં દરખાસ્તોની ચકાસણી અને મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. મકાન અને શહેરી બાબતોના રાજ્યમંત્રી કૌશલ કિશોરે એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે 15મા નાણાપંચે આઠ નવા શહેરોના વિકાસ-વિસ્તરણ માટે પ્રદર્શન આધારિત ફંડમાંથી 8,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે અને દરેક પસંદ કરાયેલા નવા શહેર માટે 1,000 કરોડ રૂપિયાનું ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, “કોઈ રાજ્ય આ ભંડોળના માધ્યમથી માત્ર એક જ નવું શહેર બનાવી શકે છે. આવી રીતે નવ રાજ્યોમાં વધુમાં વધુ નવ નવા શહેરો પસંદ કરી શકાય છે. તેમણે કહ્યું કે પૂર્વોત્તર અને પહાડી રાજ્યોમાં નાની શહેરી વસ્તીને ધ્યાનમાં રાખીને, બે અલગ-અલગ રાજ્યોમાં બે નવા શહેરો માટે રૂ. 1,000 કરોડ (દરેક રૂ. 500 કરોડ)ની દરખાસ્ત કરવામાં આવી છે.
મંત્રીએ ઉમેર્યું કે, “મંત્રાલયે રાજ્યોને સ્પર્ધા કરવા માટે લઘુત્તમ પાત્રતાની શરતો અને બિડિંગના માપદંડો નિર્દિષ્ટ કર્યા છે. રાજ્યો પાસેથી બિડ મેળવવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી, 2023 હતી. તેમણે કહ્યું કે, “ઉત્તર પ્રદેશ સહિત 21 રાજ્યોમાંથી છેલ્લી તારીખ સુધી કુલ 26 દરખાસ્તો મળી છે. આ દરખાસ્તો ચકાસણી અને મૂલ્યાંકનના તબક્કામાં છે.
રાજ્યો પાસે જે શહેરોના વિકાસ-વિસ્તરણ માટે દરખાસ્તો મળી છે તેમાં – ઉત્તર પ્રદેશના અયોધ્યા, અસમના જાગીરોડ, ગોવાના ન્યુ એમઓપીએ આયુષ સિટી – પેરનેમ, ગુજરાતના ગીફ્ટ સિટી, સિક્કિમના પાક્યોંગ, તમિલનાડુના થિરુમઝિસાઇ, પશ્ચિમ બંગાળના કર્માદિગંટાના બંટાલા ગ્રીનફિલ્ડ સિટી, મધ્યપ્રદેશના જબલપુર એક્સટેંશન, મહારાષ્ટ્રના વિરુલ, કેરળના એરોસિટી, ઝારખંડના ન્યુ રાંચી સિટી, હિમાચલ પ્રદેશના માઉન્ટેન ટાઉનશિપ, હરિયાણાના ગુરુગ્રામ, આંધ્રપ્રદેશના કોપ્પાર્થે અને ગુમિન નગરનો સમાવેશ થાય છે. ઉપરાંત અરુણાચલ પ્રદેશના પાસીઘાટ, ઓડિશાના ભુવનેશ્વર, પંજાબના એરોટ્ર્રોપોલિસ, રાજસ્થાનના જીએફસી-રાનપુર, નાગાલેન્ડ નાગાકી ગ્લોબલ સિટી, મણિપુરના યથિબિલોકુલ અન ઉત્તરાખંડના ડોઇવાલા શહેરના વિકાસ માટે દરખાસ્તો પ્રાપ્ત થઇ છે.