મમતા બેનર્જી પ્રેસ કોન્ફરન્સ છોડી ચાલ્યા ગયા, ઇન્ડિયા ગઠબંધનમાં સીટ વહેંચણી પર મતભેદ

INDIA Alliance : આમ આદમી પાર્ટી (આપ), રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી), સમાજવાદી પાર્ટી (સપા) અને જનતા દળ (યુનાઇટેડ) સહિત કેટલાક અન્ય પક્ષો પણ ઇચ્છે છે કે બેઠકોની વહેંચણીનો નિર્ણય વહેલી તકે લેવામાં આવે

Written by Ashish Goyal
Updated : February 13, 2024 15:05 IST
મમતા બેનર્જી પ્રેસ કોન્ફરન્સ છોડી ચાલ્યા ગયા, ઇન્ડિયા ગઠબંધનમાં સીટ વહેંચણી પર મતભેદ
મુંબઇમાં વિરોધ પક્ષોની ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળી હતી (Express Photo)

Manoj C G , Alok Deshpande : ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ શુક્રવારે મુંબઈમાં તેમની બે દિવસીય બેઠક બાદ એકજુટ વલણ અપનાવ્યું હતું, પરંતુ કહેવાય છે કે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સીટ વહેંચણી સમજુતી માટેની સમયસીના નક્કી ન થતા ખુશ નથી. આમ આદમી પાર્ટી (આપ), રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી), સમાજવાદી પાર્ટી (સપા) અને જનતા દળ (યુનાઇટેડ) સહિત કેટલાક અન્ય પક્ષો પણ ઇચ્છે છે કે બેઠકોની વહેંચણીનો નિર્ણય વહેલી તકે લેવામાં આવે.

ટીએમસી અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બેઠક બાદ ગઠબંધન નેતાઓ દ્વારા સંબોધિત સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થયા ન હતા. બેનર્જી અને તેમના ભત્રીજા, લોકસભાના સાંસદ અભિષેક બેનર્જી બેઠક પૂરી થયા પછી તરત જ એરપોર્ટ માટે સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા. ટીએમસીના વરિષ્ઠ નેતા ડેરેક ઓ બ્રાયન પણ પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થયા ન હતા. આ બેઠકમાં અભિષેક અને ઓબ્રાયન બંનેએ દલીલ કરી હતી કે પાર્ટી સામે સૌથી મોટો મુદ્દો બેઠકોની વહેંચણીનો છે અને તે પહેલા ઉઠાવવો જોઈએ.

સૂત્રોએ જણાવ્યું હતું કે ટીએમસી ઇન્ડિયા ગઠબંધન અંગે પોતાના વલણ પર અડગ છે પરંતુ ઇચ્છે છે કે બેઠકોની વહેંચણીનો નિર્ણય વહેલી તકે લેવામાં આવે અને તેમાં કોઈ વિલંબ ન થવો જોઈએ. સૂત્રોએ જણાવ્યું હતું કે પક્ષનું માનવું છે કે બેઠકમાં એક સમયરેખા નક્કી થવી જોઈતી હતી જેમાં બેઠકોની વહેંચણીની વાટાઘાટો પૂર્ણ થઈ હોત.

સૂત્રોએ જણાવ્યું કે આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ માને છે કે સીટોની વહેંચણી પ્રાથમિકતા છે. બેઠકોની વહેંચણીની ચર્ચા વહેલી તકે થવી જોઈએ તેવી દલીલ તેમણે કરી હોવાનું મનાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પંજાબ, કેરળ અને પશ્ચિમ બંગાળને બાદ કરતા 545માંથી 440 બેઠકો પર ગઠબંધનના ઉમેદવારો ઉતારવાની સંભાવના જોઈ રહી છે.

સૂત્રોએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે કેરળ અને પશ્ચિમ બંગાળમાં ઇન્ડિયાની પાર્ટી – બંગાળમાં ટીએમસી, ડાબેરીઓ અને કોંગ્રેસ, કેરળમાં ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચેની રાજકીય દુશ્મનાવટ એક મોટું કારણ છે, પરંતુ તેમ છતાં, ઇન્ડિયા ગઠબંધન ચૂંટણી લડવા માટે કટિબદ્ધ છે.

આ પણ વાંચો – INDIA ગઠબંધને બનાવી કોઓર્ડિનેશન કમિટી, સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં થશે મોટું એલાન

ઇન્ડિયા બ્લોકની ત્રીજી બેઠક મુંબઇમાં યોજાઇ હતી, જ્યારે પ્રથમ બે બેઠકો પટના અને બેંગલુરુમાં યોજાઇ હતી. જેમાં એક પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે અમે ઇન્ડિયા પાર્ટીઓ આગામી લોકસભાની ચૂંટણીઓ શક્ય હોય ત્યાં સુધી સાથે મળીને લડવાનું વચન આપીએ છીએ.

બેઠકમાં હાજર રહેલા એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપ્રત્યાશિત નિર્ણય લેવાની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પક્ષો સપ્ટેમ્બરના અંત સુધીમાં બેઠકોની વહેંચણીને આખરી ઓપ આપવા અને તેમની તૈયારીઓ શરૂ કરવા સંમત થયા હતા. આ ચર્ચા સપ્ટેમ્બરના મધ્યમાં કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલા વિશેષ સંસદ સત્રના સંદર્ભમાં હતી.

એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે કેરળમાં ડાબેરી મોરચાની સરકાર છે, જ્યારે કોંગ્રેસ રાજ્યમાં મુખ્ય વિપક્ષી પાર્ટી છે. આવી સ્થિતિમાં ડાબેરી મોરચાનું કહેવું અશક્ય છે કે તેઓ હાલમાં કોંગ્રેસ દ્વારા કબજે કરવામાં આવેલી બેઠકો પર ચૂંટણી ન લડે. રાજ્યમાં ભાજપની હાજરી નહિવત્ છે અને કોંગ્રેસ અને ડાબેરી પક્ષો વચ્ચે લડાઈ થવાની સ્થિતિમાં આખરે તેનો ફાયદો ઇન્ડિયા ફ્રન્ટને જ થશે.

નેતાએ પુષ્ટિ કરી હતી કે પશ્ચિમ બંગાળમાં બેઠકોની વહેંચણીને લઈને મમતા બેનર્જી અને સીપીઆઈ (એમ) ના મહાસચિવ સીતારામ યેચુરી વચ્ચે વાતચીત થઈ હતી. તેમણે કહ્યું કે બંને પક્ષોના કાર્યકરો વચ્ચેના સંબંધો અત્યંત ખરાબ થઈ ગયા છે. બેઠકોની વહેંચણી મુશ્કેલ બનશે અને તેથી આ બંને પક્ષો એકબીજા સામે ચૂંટણી લડે તેવી સંભાવના રહે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમની પાર્ટી પ્રાદેશિક પક્ષો સાથે બેઠકોની વહેંચણીની વાતચીત દરમિયાન લચીલું વલણ અપનાવશે અને બધાને સામેલ કરવાનો પ્રયાસ કરશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે જેડી (યુ), સપા અને આરજેડીના નેતાઓનો પણ અભિપ્રાય છે કે બેઠકોની વહેંચણીને પ્રાથમિકતાના ધોરણે હાથ ધરવી જોઈએ. કેટલાકના મતે ટીએમસીનું માનવું છે કે ડાબેરીઓના કહેવાથી કોંગ્રેસ બેઠકોની વહેંચણીમાં ઝડપ નહીં લાવી શકે.

ડાબેરી સૂત્રોએ જણાવ્યું હતું કે ટીએમસીએ વ્યવહારિક અભિગમ અપનાવવો જોઈએ અને પક્ષોને બેઠકોની વહેંચણી કરાર માટે ઉતાવળ કરવા દબાણ કરવું જોઈએ નહીં, કારણ કે દરેક રાજ્યની પોતાની અલગ સ્થિતિ હોય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકમાં સમાજવાદી પાર્ટી, આરજેડી, જેડી (યુ) અને સપાએ આ મહિનાના અંતમાં સંસદના વિશેષ સત્ર દરમિયાન ઉઠાવવામાં આવતા મુદ્દાઓ પર ચર્ચા કરવાની માંગ કરી હતી. પક્ષો ઇચ્છતા હતા કે જાતિગત વસ્તી ગણતરીના મુદ્દે વિપક્ષ સરકારને ઘેરે. જોકે મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેમની પાર્ટીને પોતાનો મત મજબૂત કરવા માટે થોડો સમય જોઈએ છે.

ટીએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે પાર્ટી જાતિની વસ્તી ગણતરીની વિરુદ્ધ નથી, પરંતુ તેમાં ધાર્મિક રંગ લાવવાની વિરુદ્ધ છે. ટીએમસીના એક વરિષ્ઠ નેતાને પૂછવામાં આવ્યું કે શું જાતિની વસ્તી ગણતરી અંગે બેનર્જીનું અલગ વલણ છે.

તેમણે કહ્યું કે અમને જાતિગત વસ્તી ગણતરીથી કોઈ સમસ્યા નથી, પરંતુ તેને ધાર્મિક રંગ ન આપવામાં આવે. અમે આગામી બે અઠવાડિયામાં આ મુદ્દાનો અભ્યાસ કરીશું અને પછી તેની ચર્ચા કરીશું. વિશેષ સત્ર માટે હજી થોડો સમય બાકી છે.

Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ