India Alliance : છેલ્લા કેટલાક દિવસોથી એનસીપી નેતા શરદ પવારનું નિવેદન ઘણા લોકોને ગળે ઉતરતું નથી. તે અનેક વખત એવી વાતો કહી ચુક્યા છે જેનાથી એ અંદાજો થાય છે કે તે ભાજપ સાથે જઈ શકે છે. તેમના ભત્રીજા અજિત પવાર ભાજપ-શિવસેના (શિંદે કેમ્પ) ગઠબંધનમાં સામેલ થઈ ગયા છે અને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી બની ચૂક્યા છે.
આ દરમિયાન અજિત પવારે શરદ પવાર સાથે પણ અનેક વખત વાતચીત કરી છે. આવી સ્થિતિમાં વિપક્ષની અંદર બેચેની જોવા મળી રહી છે. બે દિવસ બાદ 31 ઓગસ્ટે મુંબઈમાં વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા ની બેઠક થવાની છે. જેમાં 2024માં મોદી સરકારને હટાવવા માટે સંપૂર્ણ એકતા સાથે ચૂંટણી રણનીતિ બનાવવા પર ચર્ચા થશે, પરંતુ શરદ પવારના વલણથી વિપક્ષ સમજી નથી શકતો કે તે ક્યાં છે. ચર્ચા છે કે આ બેઠકમાં તેમને સ્પષ્ટ કરવા માટે કહેવામાં આવશે કે તેઓ સંપૂર્ણપણે વિપક્ષી ગઠબંધનમાં છે કે નહીં.
બીજી તરફ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના સંયોજક નક્કી કરવાની કવાયત પણ શરૂ થઈ ગઈ છે. આ માટે બિહારના સીએમ અને જેડીયૂ નેતા નીતિશ કુમારને આ જવાબદારી ઉઠાવવા માટે કહેવામાં આવ્યું, પરંતુ તેમણે ના પાડી દીધી. તેમણે કહ્યું કે આ જવાબદારી કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ લેવી જોઈએ. ગઠબંધનના સંયોજક કોણ હશે તે હજુ નક્કી નથી. નેતાઓને આશા છે કે મુંબઈની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો – લાલુ પ્રસાદે રાહુલને ગણાવ્યા વરરાજા, જેડીયુને નીતિશમાં દેખાઇ ક્ષમતા, એક ઇન્ડિયા ગઠબંધનમાં ઘણા પીએમ ઉમેદવાર
શરદ પવારને લઈને મહાવિકાસ આઘાડી ગઠબંધનનો ભાગ રહેલી કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે કેમ્પ) ભલે કહે છે કે તેમને તેમનામાં વિશ્વાસ છે, પરંતુ તેમની તાજેતરની પ્રવૃત્તિઓએ લોકોમાં મૂંઝવણ ઊભી કરી છે. આવી સ્થિતિમાં શરદ પવાર ફરી એકવાર સ્પષ્ટ કરે કે તેઓ ક્યાં છે તે જરૂરી બની ગયું છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ સોમવારે કહ્યું કે એનસીપી નેતા શરદ પવારે સ્પષ્ટ કરી દીધું છે કે તેમના ભત્રીજા અને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવાર અને કેટલાક અન્ય નેતાઓએ રાજ્યના વિકાસ માટે નહીં પરંતુ ઈડીની કાર્યવાહીના ડરથી ભાજપ સાથે હાથ મિલાવ્યા છે.





