INDIA Alliance : આમ આદમી પાર્ટીએ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક રાજ્યોમાં પોતાની પહોંચ વધારી છે. દિલ્હી બાદ પંજાબમાં સરકાર બનાવી છે, ગુજરાતમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી છે અને મધ્યપ્રદેશ, છત્તીસગઢ જેવા રાજ્યોમાં પણ નસીબ અજમાવવા જઈ રહી છે. હવે આ યાદીમાં આમ આદમી પાર્ટી બિહારમાં પણ ચૂંટણી લડવા જઈ રહી હોવાની માહિતી મળી છે. આ જાહેરાત એવા સમયે પણ કરવામાં આવી છે જ્યારે મુંબઈમાં વિપક્ષી એકતાની ત્રીજી મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે.
રવિવારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ પોતાના બિહારના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. તે બેઠક બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સંદીપ પાઠકે જણાવ્યું હતું કે પાર્ટી બિહારમાં પણ ચૂંટણી લડશે. તેમના મતે હાલ બિહારમાં પક્ષનું કોઇ મજબૂત સંગઠન નથી, પરંતુ મોટી સંખ્યામાં નેતાઓ છે. તેમના મતે બિહારમાં કોઈને રાજકારણ શીખવાડવાની જરૂર નથી 10 વર્ષનો બાળક પણ બધું સમજે છે. ચૂંટણી લડવાનો કે ન લડવાનો પ્રશ્ન ઊભો ન થાય, ચૂંટણીમાં ઉતરવું જ પડે.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસના પીએમ ઉમેદવારને લઇ અશોક ગેહલોતનું મોટું નિવદેન
હવે આમ આદમી પાર્ટીની આ એક જાહેરાતે ઇન્ડિયા ગઠબંધનમાં હલચલ મચાવી દીધી છે. આરજેડી નેતા અને સાંસદ મનોજ ઝાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જે સમયે વિપક્ષી એકતાનો પાયો નાખવામાં આવ્યો હતો, તે સમયે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તમામ પક્ષોએ કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આમ આદમી પાર્ટી પણ તે સિદ્ધાંતોનું પાલન કરશે. આમ જોવા જઈએ તો આમ આદમી પાર્ટી માટે બિહાર એવું પહેલું રાજ્ય નથી કે જ્યાં તે અન્ય પક્ષોના વિરોધ વચ્ચે ઉતરવાની વાત કરી રહ્યું હોય.
થોડાક દિવસો પહેલા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી લડવા જઇ રહ્યા છીએ. બન્ને રાજ્યમાં તેમના તરફથી કોંગ્રેસ પર પ્રહાર કરવામાં આવ્યો હતો. બીજી તરફ દિલ્હીમાં કોંગ્રેસે આકરું વલણ અપનાવતા કહ્યું હતું કે દિલ્હીમાં સાતેય સીટો પર ચૂંટણી લડવામાં આવશે. આવી સ્થિતિમાં ઇન્ડિયા ગઠબંધન માટે પડકારજનક સ્થિતિ બની રહી છે.