India Canada Controversy : ખાલિસ્તાન ટાઈગર ફોર્સના ચીફ હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. સોમવારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હત્યા પાછળ ભારતીય એજન્સીઓનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આ પછી દેશોએ ટોચના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો દોર હજુ પણ ચાલુ છે.
આ વિવાદને કારણે ખાલિસ્તાની આંદોલન ફરી એકવાર ચર્ચામાં છે. જે ભારતનો એક ભાગ માંગીને શીખો માટે અલગ દેશ બનાવવાનો ઇરાદો ધરાવે છે, તેઓ લાંબા સમયથી પોતાનો પ્રચાર ફેલાવવા માટે વિદેશી ધરતીનો ઉપયોગ કરી રહ્યા છે.
ન્યૂયોર્ક ટાઈમ્સ તરફથી ખાલિસ્તાનની જાહેરાત
ભારતમાં ખાલિસ્તાનની માંગણી કરતું આંદોલન તેના છેલ્લા શ્વાસો ગણી રહ્યું છે. કેટલીકવાર કેટલીક સંસ્થાઓ માથું ઊંચું કરે છે. પછી તેઓ થોડા દિવસોમાં શાંત થઈ જાય છે. જો કે, કેનેડા, યુએસએ અને યુકે જેવા દેશોમાં શીખ ડાયસ્પોરાના કેટલાક વર્ગોમાં આ માંગ હજુ પણ જીવંત છે. હકીકતમાં, ખાલિસ્તાન ચળવળ તેની શરૂઆતથી જ વૈશ્વિક ચળવળ રહી છે. વિદેશી ધરતીથી અલગ શીખ રાજ્યની પ્રથમ માંગ યુએસએમાંથી ઉઠી હતી.
12 ઓક્ટોબર, 1971ના રોજ ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક જાહેરાત આપીને ખાલિસ્તાનના જન્મની જાહેરાત કરવામાં આવી હતી. તે લખે છે, “આજે આપણે અંતિમ ધર્મયુદ્ધની શરૂઆત કરીએ છીએ, જ્યાં સુધી વિજય પ્રાપ્ત ન થાય. આપણે આપણી જાત માટે એક રાષ્ટ્ર છીએ.”
એ વાત પણ સાચી છે કે, પંજાબમાં આતંકવાદને ચરમસીમાએ લઈ જવા માટે પાકિસ્તાન અને ચીને ખાલિસ્તાની આતંકવાદીઓને ઘણીવાર તમામ પ્રકારની મદદ કરી છે. ભારતીય સેનાને જાણવા મળ્યું હતું કે, સુવર્ણ મંદિરમાં છુપાયેલા આતંકવાદીઓ પાસે ચીની બનાવટની આરપીજી હતી. આર્મીએ ઓપરેશન બ્લુ સ્ટારમાં ટેન્કના ઉપયોગનું કારણ આ આરપીજીના ઉપયોગને ટાંક્યું હતું.
કેનેડામાં ખાલિસ્તાન આંદોલન કેમ ચાલુ છે?
કેનેડાની કુલ વસ્તીમાં શીખોનો હિસ્સો 2.1 ટકા છે. 2021 ની વસ્તી ગણતરી મુજબ, કેનેડામાં શીખ ધર્મને અનુસરનારા લોકોની સંખ્યા 7,70,000 છે. ભારત પછી સૌથી વધુ શીખો કેનેડામાં રહે છે. શીખ સમુદાય કેનેડામાં સૌથી ઝડપથી વિકસતો ધાર્મિક સમૂહ છે.
જો કે, એ નોંધવું અગત્યનું છે કે, તમામ કેનેડિયન શીખો ખાલિસ્તાન તરફી નથી. ખાલિસ્તાન હવે મોટાભાગના વિદેશી શીખો માટે મુદ્દો નથી. કેનેડિયન પત્રકાર ટેરી મિલેવસ્કી માને છે કે, કેનેડિયન નેતાઓ શીખ મતો ગુમાવવા માંગતા નથી અને વિચારે છે કે, બધા શીખો ખાલિસ્તાન તરફી છે. તેઓનું આ વિચારવું ખોટું છે.
ડાયસ્પોરામાં એવા લોકોનો સમાવેશ થાય છે, જેમણે 1980 ના દાયકા દરમિયાન ભારત છોડી દીધું હતું, જ્યારે ચળવળ ચરમસીમા પર હતી અને ભારત સરકાર ખાલિસ્તાની અલગતાવાદીઓ પર અત્યંત કડક હતી. તે સમય દરમિયાન, ઘણી ન્યાયવિહીન ધરપકડો અને હત્યાના આરોપો હતા. તે સમયની યાદોએ આ લોકોમાં આંદોલનને જીવંત રાખ્યું છે, ભલે આજે પંજાબની જમીની વાસ્તવિકતા બદલાઈ ગઈ છે.
મિલેવસ્કીએ 2021 માં ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “ભારતીય ડાયસ્પોરામાં પણ, સમર્થન વર્ષોથી ઘટ્યું છે. એક નાનું જૂથ છે, જે ભૂતકાળને વળગી રહ્યું છે. આ જૂથ કેનેડામાં પણ બહુ લોકપ્રિય નથી. પરંતુ તેણે સતત પ્રયાસ કર્યા છે. રાજકીય પક્ષોમાં પ્રભાવ જાળવી રાખે છે. આ જૂથો મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરી શકે છે, જેમને નેતાઓ મત તરીકે જુએ છે.”
શીખોની નવી પેઢી વિદેશી ધરતી પર ઉછરી રહી હોવાથી આંદોલન નબળું પડી રહ્યું છે. મિલેવસ્કીએ કહ્યું, “આજે ખાલિસ્તાન ચળવળને લોકપ્રિય સમર્થન નથી. પરંતુ તે ભૌગોલિક રાજકીય મુદ્દો બની ગયો છે. ચીન અને પાકિસ્તાન જેવા દેશો આ આધાર પર ખાલિસ્તાન ચળવળને સમર્થન આપી શકે છે, જેથી ભારત તેની સામે લડવાનું ચાલુ રાખે.”
આ પણ વાંચો – Khalistan Row : કેનેડામાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર, MEA એ કહ્યું – ‘અત્યંત સાવધાની રાખો’
કોણ હતા હરદીપ સિંહ નિજ્જર?
18 જૂન, 2023ના રોજ, બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા સાહિબના પાર્કિંગમાંથી બહાર નીકળતી વખતે ગુરુદ્વારાના વડા હરદીપ સિંહ નિજ્જરની કારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF) નો સંચાલક હતો. ભારત સરકાર KTF ને આતંકવાદી સંગઠન માને છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ નિજ્જર પર 10 લાખ રૂપિયાનું રોકડ ઈનામ જાહેર કર્યું હતું. તમને જણાવી દઈએ કે, ભારત ખાલિસ્તાની આંદોલનને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો માને છે.





