India-Canada diplomatic row live updates: ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ભારત પર ગંભીર આરોપ લગાવ્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વધારે ખરાબ થયા છે. બંને દેશો વચ્ચે બગડતા સંબંધો વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જે દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે કેનેડાની ધરતી પર આતંકવાદી ગતિવિધિઓ વિશે તેમની સાથે ખૂબ જ વિશિષ્ઠ માહિતી શેર કરી છે. પરંતુ કેનેડાએ ભારત સાથે કોઈ વિશેષ જાણકારી શેર કરી નથી. કેનેડા આતંકી ગતિવિધિઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયું છે. તેણે તેની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા વિશે વિચારવાની જરૂર છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આતંકવાદ પર ટિપ્પણી કરતા કહ્યું કે સૌથી મોટો મુદ્દો કેનેડા અને પાકિસ્તાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા અને સમર્થિત આતંકવાદનો છે. અરિંદમ બાગચીએ વધુમાં જણાવ્યું હતું કે કેનેડાની વિઝા સેવા આગામી આદેશ સુધી સ્થગિત રહેશે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે કેનેડાની સરકારના તમામ આરોપો રાજકીય છે. ભારત સાથે કોઈ ખાસ જાણકારી શેર કરવામાં આવી નથી. અમે આ બાબતે ચોક્કસ માહિતીથી વાકેફ રહેવા માંગીએ છીએ.
કેનેડાના નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતે કેનેડાના લોકો માટે તમામ પ્રકારની વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી છે. જેમાં ત્રીજા દેશોના કેનેડિયનો માટે ઇ-વિઝા અને વિઝાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો – કેનેડિયન હિંદુ સંગઠને પન્નુની ધમકી પર ટ્રુડોને લખ્યો પત્ર, તેને નફરતનો ગુનો જાહેર કરવાની માંગ કરી
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિદેશ મંત્રાલયે કહ્યું, આ મુદ્દો ભારતની યાત્રાનો નથી. જેમની પાસે માન્ય અને ઓસીઆઈ વિઝા છે તેઓ ભારતની યાત્રા કરવા માટે સ્વતંત્ર છે. આ મુદ્દો હિંસા ભડકાવવાનો, કેનેડાના અધિકારીઓની નિષ્ક્રિયતા અને આપણા દૂતાવાસના કામકાજના માહોલને ખરાબ કરવાનો છે. આપણા રાજદૂત અને વાણિજ્ય દૂતાવાસોને મળી રહેલી ધમકી અને સુરક્ષાના ખતરાને કારણે તેમના કામ બાધિત થયા છે. જેના કારણે અમારે વિઝા સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરવી પડે છે. અમે નિયમિત ધોરણે તેની સમીક્ષા કરીશું.
ભારત-કેનેડા વિવાદ
ઉલ્લેખનીય છે કે ટ્રૂડોએ હાઉસ ઓફ કોમન્સમાં પોતાના નિવેદનમાં કહ્યું હતું કે કેનેડાની ધરતી પર કેનેડીયન નાગરિકની હત્યામાં કોઈ પણ વિદેશી સરકારની ભાગીદારી અમારી સંપ્રભુતાનું ઉલ્લંઘન છે. જે અસ્વીકાર્ય છે. ભારતે ટ્રૂડોના આરોપોને પાયા વિહોણા અને ખાનગી હિતોથી પ્રેરિત કરાર ગણાવીને નકારી દીધા હતા. આ મામલામાં કેનેડા દ્વારા એક ભારતીય અધિકારીને સસ્પેન્ડ નિષ્કાસિત કરવાના જવાબમાં ભારતને એક વરિષ્ઠ કેનેડિયન રાજદૂતને પણ હાંકી કાઢ્યા હતા.





