મહેન્દ્રસિંહ મનરાલ : ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ કેનેડા અને ભારત વચ્ચે તણાવ ચરમસીમા પર છે. કેનેડાએ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે, પરંતુ ભારતે કેનેડાના તમામ આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. જોકે આ પછી કેનેડા અને ભારતના સંબંધો બગડી રહ્યા છે. બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને પણ હટાવી દીધા છે.
આ દરમિયાન ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જર વિશે વધુ એક મોટી વાત સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકી નિજ્જર ભારત પર આતંકી હુમલાની યોજના બનાવી રહ્યો હતો. આ માટે તેણે પાકિસ્તાનમાં ખતરનાક હથિયારોની ટ્રેનિંગ લીધી હતી. આતંકવાદી જાહેર કરવામાં આવ્યાના છ વર્ષ પહેલાં 2014માં ભારતે ખાલિસ્તાન ટાઇગર ફોર્સ (કેટીએફ) ના વડા હરદીપ સિંહ નિજ્જર સામે ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ જારી કરી હતી.
ભારતીય એજન્સીઓએ કેનેડાની સરકારને જાણ કરી હતી કે નિજ્જર પર એક ડઝનથી વધુ ગુનાહિત કેસોનો સામનો કરવો પડ્યો છે. જેમાં હત્યા સહિત અન્ય આતંકી ગતિવિધિઓ સામેલ હતી. જોકે કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓના સૂત્રોએ જણાવ્યું હતું કે કેનેડાએ તેની સામે “નો-ફ્લાય લિસ્ટ” માં મુકવા સિવાય કોઈ કાર્યવાહી કરી નથી.
આ વર્ષે જૂનમાં હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. તેની હત્યાને કારણે દિલ્હી અને ઓટાવા વચ્ચે મોટો રાજદ્વારી વિવાદ સર્જાયો હતો. તેણે નકલી પાસપોર્ટ દ્વારા કેનેડામાં પ્રવેશ કર્યો હતો.
આ પણ વાંચો – વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું – કેનેડા આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન
નિજ્જર 1980 અને 1990ના દાયકામાં કેસીએફ આતંકવાદીઓ સાથે સંકળાયો હતો
કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ડોઝિયર અનુસાર નિજ્જર 1980 અને 1990ના દાયકામાં કેસીએફના આતંકવાદીઓ સાથે સંકળાયો હતો અને 2012થી તેની કેટીએફના વડા જગતારસિંહ તારા સાથે નિકટતા વધી હતી. 1996માં આતંકવાદી કેસોમાં તેનું નામ સામે આવ્યા બાદ તે નકલી પાસપોર્ટ પર કેનેડા ભાગી ગયો હતો. ત્યાં પહોંચ્યા બાદ તેણે ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું અને બાદમાં તે પાકિસ્તાન સ્થિત તારાના સંપર્કમાં આવ્યો હતો.
નિજ્જરે 2012 પાકિસ્તાનની મુલાકાત લીધી હતી
સૂત્રએ જણાવ્યું હતું કે એપ્રિલ 2012માં પોતાની જાતને બૈશાખી જત્થાના સભ્ય તરીકે રજૂ કરતા નિજ્જરે પાકિસ્તાનની મુલાકાત પણ લીધી હતી જ્યાં તેણે એક પખવાડિયા સુધી ખતરનાક શસ્ત્રો અને વિસ્ફોટક સામગ્રીની ટ્રેનિંગ લીધી હતી. કેનેડા પાછા ફર્યા બાદ તેણે ડ્રગ્સ અને હથિયારોની દાણચોરીમાં રોકાયેલા પોતાના સાથીઓના માધ્યમથી આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભંડોળની વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું હતું.
નિજ્જર આ કારણે પોતાની યોજનાઓમાં સફળ ન થયો
આ માહિતી આપનારા સૂત્રે એમ પણ કહ્યું હતું કે કેનેડા પહોંચ્યા બાદ નિજ્જરે તારા સાથે મળીને ભારતમાં આતંકવાદી હુમલાની યોજના ઘડી હતી અને કેનેડામાં એક ગેંગ બનાવી હતી. તેણે બ્રિટિશ કોલંબિયામાં હથિયારોની તાલીમ આપવામાં આવી હતી. 2014માં નિજ્જરે હરિયાણાના સિરસા સ્થિત ડેરા સચ્ચા સૌદાના મુખ્યાલય પર આતંકી હુમલો કરવાની યોજના બનાવી હતી પરંતુ વિઝા ન મળવાને કારણે તે ભારત પહોંચી શક્યો ન હતો.





