ભારત-કેનેડા વિવાદ : કેનેડામાં અભ્યાસ માટે દર વર્ષે 68 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે પંજાબના વિદ્યાર્થીઓ, જાણો હવે શું થશે

India Canada Row : પંજાબના ઘણા વિદ્યાર્થીઓ દર વર્ષે કેનેડા ભણવા જાય છે. આ ઉપરાંત પંજાબના લોકો પાસે તેમના બાળકો પાછળ કરોડો રૂપિયાનું રોકાણ છે. બંને દેશો વચ્ચે વધી રહેલી તિરાડને કારણે હવે ભારતીય માતા-પિતાનું ટેન્શન વધી ગયું છે

Written by Ashish Goyal
September 24, 2023 15:09 IST
ભારત-કેનેડા વિવાદ : કેનેડામાં અભ્યાસ માટે દર વર્ષે 68 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે પંજાબના વિદ્યાર્થીઓ, જાણો હવે શું થશે
પંજાબના વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરવા માટે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરે છે. (ગજેન્દ્ર યાદવ એકસપ્રેસ ફાઇલ ફોટો)

India Canada Row : ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે. કેનેડાએ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે, પરંતુ ભારતે કેનેડાના તમામ આરોપોને ફગાવી દીધા છે. આ ઘટનાક્રમ બાદ બંને દેશોએ એકબીજાના ડિપ્લોમેટ્સને હટાવી દીધા છે. ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા વિવાદ વચ્ચે દુનિયાના અન્ય દેશોના નેતાઓના નિવેદન પણ સામે આવ્યા છે.

ભારત-કેનેડા તણાવની અસર વેપાર અને લોકો ઉપર પણ પડી રહી છે. ભારતે કેનેડાથી આવતા લોકોના વિઝા અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધા છે. આથી ત્યાંથી ભારત આવતા લોકોની ચિંતા વધી છે. સાથે જ પંજાબના ઘણા વિદ્યાર્થીઓ દર વર્ષે કેનેડા ભણવા જાય છે. આ ઉપરાંત પંજાબના લોકો પાસે તેમના બાળકો પાછળ કરોડો રૂપિયાનું રોકાણ છે. બંને દેશો વચ્ચે વધી રહેલી તિરાડને કારણે હવે ભારતીય માતા-પિતાનું ટેન્શન વધી ગયું છે.

કેનેડામાં 3.4 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે

ખાલસા બોક્સ દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા એક અહેવાલ અનુસાર પંજાબ દર વર્ષે શિક્ષણ પાછળ 68 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગત વર્ષ એટલે કે 2022માં કુલ 2,26,450 વિઝાને કેનેડાએ રેફ્યુજીઝ એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC) હેઠળ મંજૂરી આપી હતી. જેમાં પંજાબથી અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યા 1.36 લાખ હતી. આ તમામ વિદ્યાર્થીઓ બેથી ત્રણ વર્ષનો કોર્સ કરવા માટે કેનેડા ગયા છે. વિદ્યાર્થીઓને વિઝા આપતી એજન્સી તરફથી એવો પણ ખુલાસો થયો છે કે હાલમાં કેનેડામાં 3.4 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

આ પણ વાંચો – હરદીપ સિંહ નિજ્જર ભારત પર મોટો આતંકી હુમલો કરવા માંગતો હતો, પાકિસ્તાન જઈને લીધી હતી ખતરનાક હથિયારોની ટ્રેનિંગ

ખાલસા બોક્સના મતે એસોસિયેશન ઓફ કન્સલ્ટન્ટ્સ ફોર ઓવરસીઝ સ્ટડીઝના પ્રમુખ કમલ ભુમાલાને જણાવ્યું હતું કે, અમારી પાસે ઉપલબ્ધ ડેટાના આધારે કેનેડામાં પ્રવાસ કરનારા લગભગ 60 ટકા ભારતીયો પંજાબી છે, જેમાં અંદાજે 1.36 લાખ વિદ્યાર્થીઓ છે. ગયા વર્ષના આંકડા મુજબ સરેરાશ દરેક વિદ્યાર્થી ગેરેન્ટેડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ (જીઆઇસી) ફંડના રૂપમાં 10,200 કેનેડિયન ડોલર જમા કરાવવા સિવાય વાર્ષિક ફીમાં લગભગ 17,000 કેનેડિયન ડોલર ચૂકવે છે.

કમલ ભૂમલાએ કહ્યું કે 2008 સુધી 38000 પંજાબીઓ કેનેડા જવા માટે અરજી કરતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ આંકડો ઝડપથી વધ્યો છે. કેનેડા જતા કુલ ભારતીય વિદ્યાર્થીઓમાંથી લગભગ 60 ટકા પંજાબ મૂળના છે.

2022માં કેનેડાએ વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા હતા, જે મુજબ અન્ય દેશોમાંથી આવેલા ઇમિગ્રન્ટ્સની કુલ સંખ્યામાં ભારતીયોનો હિસ્સો 18.6 ટકા હતો. ટાઇમ મેગેઝિનના એક અહેવાલ અનુસાર ભારત પછી કેનેડામાં શીખોની સૌથી વધુ વસ્તી છે. જે ત્યાંની કુલ વસ્તીના 2.1 ટકા છે.

રોયટર્સના એક રિપોર્ટ અનુસાર 2022માં કેનેડામાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીયોનો હિસ્સો 40 ટકા છે. આ જ રિપોર્ટ અનુસાર ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો જેવી 30 ભારતીય કંપનીઓએ કેનેડામાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે, જે લાખો લોકોને રોજગારી આપે છે. ફોર્બ્સના રિપોર્ટ મુજબ 2013ની સરખામણીએ કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ