Bashaarat Masood : લદ્દાખમાં એલએસી પર ભારત અને ચીનના સૈનિકો ઘણીવાર એલએસી પર પેટ્રોલિંગ દરમિયાન આમને-સામને આવી જાય છે. હવે લદ્દાખમાં એલએસી પર ચીની સૈનિકોએ ભારતીયોને તેમના પશુઓને ચરાવવાથી રોક્યા હોવાની ઘટના સામે આવી છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર એલએસી પર પોતાના ઘેટાં ચરાવતા લદ્દાખના લોકોને ચીની પીએલએ દ્વારા રોકવામાં આવ્યા છે. આ ઘટના પૂર્વી લદ્દાખના ન્યોમાની છે. ન્યોમા ચુશુલથી 87 કિમી દક્ષિણમાં અને ચુમથાંગથી 40 કિમી દૂર છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ચુશુલના કાઉન્સેલરે ધ ઇન્ડિયન એક્સપ્રેસને આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેઓએ જણાવ્યું હતું કે પીએલએ દ્વારા ભારતીય પશુપાલકોને અટકાવવાની ઘટના 2 જાન્યુઆરીએ બની હતી અને હવે તેનો ઉકેલ આવી ગયો છે.
આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ વીડિયોમાં જોવા મળે છે કે લદ્દાખના લોકો ચીની સૈનિકોનો સામનો કરી રહ્યા છે. વીડિયોમાં ચીની સૈનિકો પાસે એક વાહન પણ જોઇ શકાય છે. આ વિસ્તારમાં કોઈ ભારતીય સૈનિકો જોવા મળ્યા ન હતા.
આ પણ વાંચો – જ્ઞાનવાપી કેસ : હિન્દુ પક્ષને મળ્યો વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર
વીડિયોમાં પશુ ચરાવતા લોકો ચીની સૈનિકોનો સામનો કરી રહ્યા છે, જેમની સાથે એક વાહન પણ છે. પીએલએ સૈનિકો તેમને આ વિસ્તાર છોડી દેવાનું કહેતા જોઇ શકાય છે. વીડિયોમાં કોઈ ભારતીય સૈનિક જોવા મળી રહ્યા નથી.
ચુશુલના કાઉન્સિલર કોંચોક સ્ટેનઝિને શું કહ્યું
આ ઘટના અંગે ચુશુલના કાઉન્સિલર કોંચોક સ્ટેનઝિને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે જુઓ આપણા સ્થાનિક લોકો કેવી રીતે પીએલએની સામે બહાદુરી બતાવી રહ્યા છે. આ વિસ્તાર આપણા લોકોની ચરાવવાની જમીન છે. પીએલએ અમારા લોકોને અમારા વિસ્તારમાં ચરાવતા અટકાવી રહ્યું છે. વિવિધ ધારણાઓને કારણે આ એક ક્યારેય ખતમ ન થનારી પ્રક્રિયા છે. જોકે હું આપણા લોકોને સલામ કરું છું, જેઓ હંમેશાં આપણી ભૂમિની રક્ષા કરવા માટે ઉભા રહે છે અને રાષ્ટ્રની બીજી ગાર્જિયન ફોર્સના રૂપમાં ઉભા રહે છે.
સ્ટેનઝિંગે દાવો કર્યો હતો કે ઘટના સમયે ચીની સૈનિકો ભારતીય સીમાની અંદર લગભગ એક કિલોમીટર અંદર આવ્યા હતા. 2020માં લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનામાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા જ્યારે ચીની પીએલએના 40 સૈનિકો માર્યા ગયા હતા.





