(દીપ્તિમાન તિવારી) ચીન-ભારત સરહદ પર તણાવ સતત વધી રહ્યો છે. ચીન દ્વારા લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (Line of Actual Control/ LAC) ની નજીક મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરવાનું ચાલુ રાખતા ભારત સરકારે પણ લગભગ 9,000 સૈનિકોને સરહદે તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. સુત્રોએ જણાવ્યું કે, આજે બુધવારે યોજાયેલી કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના 9000 સૈનિકોને સરહદ પર તૈનાત કરવાની મંજૂરી આપી, જે સાત નવી બટાલિયન અને એક નવું સેક્ટર હેડક્વાર્ટર ઊભું કરવામાં આવશે.
સુત્રોએ જણાવ્યુ કે, ITBP એ ચીન સરહદે ભારતની પ્રથમ સુરક્ષા સીમા હોવાને કારણે તે LAC પર સુરક્ષાને વધારે મજબૂત બનાવશે, તે પણ એવા સમયે જ્યાં પાછલા વર્ષોમાં પૂર્વ લદ્દાખ ગલવાન અને અરુણાચલ પ્રદેશમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે ઘણી વખત અથડામણ થઇ ચૂકી છે. ભારતીય સૈનિકોને લદ્દાખના ડેપસાંગ મેદાનો અને ચાર્ડિંગ નાલા પ્રદેશમાં પરંપરાગત પેટ્રોલિંગ પોઈન્ટમાં પ્રવેશતા ચીની સૈન્ય અટકાવતા બંને વચ્ચે ભયંકર અથડામણ થતી રહે છે. તેનાથી ITBPને પણ મદદ મળશે.
ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, ITBPએ લાંબા સમયથી પડતર પ્રસ્તાવ છે અને તે વર્ષ 2013-14થી પેન્ડિંગ છે. શરૂઆતમાં 12 નવી બટાલિયન ઊભી કરવાની કલ્પના કરવામાં આવી હતી, પરંતુ હવે તે ઘટાડીને સાત બટાલિયન કરવામાં આવી છે.
નવેમ્બર 2020માં કેબિનેટે 47 બોર્ડર પોસ્ટ અને ITBPના 12 કેમ્પ સ્થાપવાની મંજૂરી આપી હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, તેની માટે વધારે સૈનિકોની જરૂર પડશે. આવી સ્થિતિમાં ITBPની સાત નવી બટાલિયનની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બટાલિયનના નિરિક્ષણ માટે એક વધારાનું પ્રાદેશિક હેડક્વાર્ટર સ્થાપવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટે 4,800 કરોડ રૂપિયાના ખર્ચ સાથે દેશના વ્યૂહાત્મક ઉત્તરીય સરહદી વિસ્તારોના વિકાસ માટે કેન્દ્રીય પ્રાયોજિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામને પણ મંજૂરી આપી છે.
અરુણાચલ પ્રદેશમાં બંને દેશોના સૈન્ય વચ્ચે સંઘર્ષ
ગત વર્ષે ડિસેમ્બરમાં અરુણાચલ પ્રદેશના તવાંગના યાંગ્ત્ઝે ક્ષેત્રમાં ભારતીય અને ચીની સૈન્ય વચ્ચે થયેલી અથડામણની ઘટના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અથડામણમાં ઘણા ભારતીય સૈનિકો ઘાયલ થયા હતા. આ ઘટનાની પૂર્વે અને પછી આર્મી ચીફ મનોજ પાંડેએ ઘણી વખત ધ્યાન દોર્યુ છે કે, ચીન-ભારત સરહદ પર સ્થિતિ “સ્થિર પરંતુ અનિશ્ચિત” છે.
આ પણ વાંચોઃ ‘ડ્રેગન’નો લદ્દાખ સુધી રેલ વિસ્તારવાનો પ્લાન, ભારત પણ સતર્ક, જાણો કેવી છે તૈયારી?
વર્ષ 2020માં લદ્દાખની ગલવાન ખીણમાં હિંસક અથડામણ
એપ્રિલ 2020થી લદ્દાખમાં ભારત અને ચીનની સેનાઓ સામસામે છે. આનું કારણ જૂન 2020માં લદ્દાખની ગલવાન ખીણમાં બંને દેશોના સૈનિક વચ્ચે થયેલી હિંસક અથડામણ છે. આ ઘટના બાદ રાજદ્વારી અને સૈન્ય સ્તરની મંત્રણાથી લદ્દાખમાં સાતમાંથી પાંચ સંવેદનશીલ પોઇન્ટ પર શાંતિ સ્થાપીત કરવામાં સફળતા મળી છે. જો કે, બંને દેશો એ તે વિસ્તારમાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરવાનું ચાલુ રાખ્યું છે.