India China Conflicts: અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત ચીનના સૈનિકોમાં અથડામણ થવાના સમાચાર છે. માનવામાં આવી રહ્યું છે કે બંને તરફ અનેક સૈનિકો ઇજાગ્રસ્ત થયા છે. ભારતીય સેનાએ એક નિવેદન આપ્યું હતું કે, આ અથડામણ 9 ડિસેમ્બર 2022ના રોજ થઈ હતી. રિપોર્ટ પ્રમાણે આ અથડામણ બાદ શાંતિ સ્થાપવા માટે બંને સેનાના કમાન્ડર સ્તરની મીટિંગ થઈ હતી. અને બંને દેશોના સૈનિકો પાછા હટ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ આ અથડામણ તવાંગ જિલ્લાના યંગસ્તેમાં થઈ હતી. સમાચાર પ્રમાણે ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મી એલએસી સુધી પહોંચી હતી. જેનો ભારતીય સેનાએ મજબૂત વિરોધ કર્યો હતો. બંને દેશોની સેના વચ્ચે ઘર્ષનનો પહેલો કિસ્સો નથી. આ પહેલા ગલવાનમાં બંને દેશોના સૈનિકો વચ્ચે ખૂની સંઘર્ષ થઈ ચૂક્યો છે.
ભારત-ચીન અથડામણ પર ભારતીય સેનાએ શું કહ્યું?
ભારતીય સેનાએ એક નિવેદન આપતા કહ્યું કે 9 ડિસેમ્બરે બંને દેશો વચ્ચે અથડામણ થયું હતું. ચીની સૈનિકો ભારતીય ચોકીને હટાવવા માંગતા હતા. અમે તેમનો પીછો કર્યો હતો. આ દરમિયાન બંને દેશોના સૈનિકોને સામાન્ય ઈજા થઈ છે. સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે ભારતીય સૈનિકોએ બહાદુરીથી ચીની સૈનિકોનો સામનો કર્યો અને તેમની યોજનાને નિષ્ફળ બનાવી.
સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી કહ્યું કે લગભગ 300 ચીની સૈનિકો તૈયારીઓ સાથે આવ્યા હતા. પરંતુ ભારતીય સૈનિકોએ તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો. જોકે, ચીનના સૈનિકોને ભારત તરફથી આ જોરદાર જવાબની અપેક્ષા નહોતી.
LAC પર અથડામણ પર કોણે શું કહ્યું?
ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની અથડામણ પર કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું, “અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણના સમાચાર છે. હવે સમય આવી ગયો છે કે સરકાર પોતાનું ડગમગતું વલણ છોડીને ચીનને કડક સૂરમાં સમજાવે કે તેનું કૃત્ય સહન કરવામાં આવશે નહીં.
આ સિવાય કોંગ્રેસે પીએમ નરેન્દ્ર મોદીનો એક વીડિયો શેર કર્યો અને લખ્યું, “જો આ ભૂલ ના થઈ હોત. જો ચીનનું નામ લેતા જ ચીન ડરતું ન હોત તો આજે તે આપણા દેશ તરફ આંખ ઊંચું કરીને જોવાની તાકાત ન હોત. આપણી જમીન પર કબજો કરવો, આપણી જમીન પર આવવું અને આપણા સૈનિકો સાથે લડવું એ તો દૂરની વાત છે. હજુ પણ સમય છે… ગભરાશો નહિ!”
કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટમાં લખ્યું, “અમને ભારતીય સેનાની બહાદુરી પર ગર્વ છે. સરહદ પર ચીનની કાર્યવાહી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. છેલ્લા બે વર્ષથી અમે વારંવાર સરકારને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ મોદી સરકાર માત્ર પોતાની રાજકીય છબી બચાવવા મામલો દબાવવાનો પ્રયાસ કરી રહી છે. આના કારણે ચીનની હિંમત વધી રહી છે.
અથડામણના સમાચાર પછી AIMIM વડા અસદુદ્દીન ઓવૈસીએ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભારત સરકારે આ અથડામણની વાત દેશથી છુપાવી છે. ઉલ્લેખનીય છે કે, બંને દેશોની સેનાઓ વચ્ચે અથડામણનો આ પહેલો મામલો નથી.
હકીકતમાં અરુણાચલ પ્રદેશમાં તવાંગ સેક્ટરમાં LACની આસપાસ ઘણા વિસ્તારો છે, જેના પર ચીન દાવો કરતું રહ્યું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ ભારતીય સૈનિકોએ આ જ વિસ્તારમાં ચીની સૈનિકોને રોક્યા હતા. હકીકતમાં તે સમયે ચીની સેનાના લગભગ 200 સૈનિકો અરુણાચલ પ્રદેશમાં LAC નજીક આવવા માંગતા હતા. જેમને ભારતીય સેનાના જવાનોએ ભગાડ્યા હતા.