Covid 19 Case In India: ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આથી કેટલાક રાજ્યોએ કોવિડ 19 સંક્રમણનો સામનો કરવા હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, દવાઓ અને રસીની ઉપલબ્ધતા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેસ નોંધાયા છે તેમાં કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને દિલ્હીનો સમાવેશ થાય છે
ભારતમાં કયો વેરિઅન્ટ જોવા મળ્યો?
આ દરમિયાન INSACOGના આંકડા અનુસાર, ભારતમાં નવા ઉભરતા કોવિડ 19 વેરિએન્ટ NB.1.8.1 નો એક કેસ અને L.F.7 ના ચાર કેસ નોંધાયા છે. મે 2025 સુધી, વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ) એ એલએફ.7 અને એનબી.1.8 સબ વેરિયન્ટને સર્વેલન્સ (VUAM) હેઠળના વેરિએન્ટ્સ તરીકે વર્ગીકૃત કર્યા હતા. પરંતુ આ એવા વેરિયન્ટ છે જે ચીન અને એશિયામાં કોવિડ 19 કેસોમાં વધારા માટે જવાબદાર છે.
આરોગ્ય મંત્રાલયે સમીક્ષા કરી
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ન્યૂઝ એજન્સી એએનઆઈએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય આરોગ્ય સચિવ દ્વારા શનિવારે કોવિડના કેસોને લઈને સમીક્ષા કરવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, “એવું જોવા મળ્યું છે કે આમાંના મોટાભાગના કેસો હળવા અને હોમ આઇસોલેશન હેઠળ છે.” કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય એલર્ટ પર છે અને તેની વિવિધ એજન્સીઓ દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે, કેટલાક કેસ મુખ્યત્વે કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક વગેરે જેવા રાજ્યોમાંથી નોંધાયા છે.
કર્ણાટકના બેંગલુરુમાં કોવિડ 19 વાયરસથી મોત
કર્ણાટકના આરોગ્ય પ્રધાન દિનેશ ગુંડુ રાવે શનિવારે ખાતરી આપી હતી કે કોવિડના કેસોમાં તાજેતરનો ઉછાળો ચિંતાજનક નથી. રાજ્યના આરોગ્ય પ્રધાનના જણાવ્યા અનુસાર, કર્ણાટકમાં આ વર્ષે 35 કોવિડ કેસ નોંધાયા છે, જે છેલ્લા 15 દિવસમાં થોડો વધારો છે. જેને ધ્યાનમાં રાખીને ટેકનિકલ એડવાઇઝરી કમિટીની એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી. પીટીઆઈએ શનિવારે અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે, બેંગલુરુમાં કોવિડ -19 થી ચેપગ્રસ્ત 84 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે.
આ દરમિયાન, આરોગ્ય વિભાગના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, બેંગલુરુમાં નવ મહિનાના બાળકનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે કહ્યું કે છેલ્લા 20 દિવસમાં કેસોમાં ધીરે ધીરે વધારો થયો છે. પીટીઆઈના જણાવ્યા અનુસાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મુખ્ય સચિવ હર્ષ ગુપ્તાએ જણાવ્યું હતું કે 22 મેના રોજ રેપિડ એન્ટિજન ટેસ્ટ (આરએટી) દ્વારા બાળકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. “દર્દીની હાલત સ્થિર છે અને તે હાલમાં વાણી વિલાસ હોસ્પિટલમાં, કલાસિપાલ્યા, બેંગલુરુ ખાતે દાખલ છે. ”
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી) એ જણાવ્યું હતું કે શનિવારે થાણેમાં વાયરલ ચેપના આઠ નવા કેસ નોંધાયા છે, જ્યારે એક કોવિડ દર્દીનું મોત નીપજ્યું છે. કોર્પોરેશને જણાવ્યું હતું કે થાણેમાં કુલ 18 એક્ટિવ કોરોના કેસ છે, જેમાંથી ફક્ત એક જ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે, જ્યારે અન્ય લોકો હોમ આઇસોલેશનમાં છે.
દેશભરમાં હાલ કોરોના વાયરસ સંક્રમિત 321 કેસ છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે 56, દિલ્હીમાં 23, હરિયાણામાં 5 અને ગુજરાતમાં 33 કેસ નોંધાયા છે. ગુજરાતના કુલ 33 કોરોના કેસમાં 20 કેસ અમદાવાદમાં છે.