India Defence Budget News: ભારત તેનું સંરક્ષણ બજેટ સતત વધારી રહ્યું છે. દેશના વાર્ષિક બજેટની સૌથી વધારે રકમ ડિફેન્સ માટે ફાળવવામાં આવે છે. એક અદાજ મુજબ વર્ષ 2047 સુધીમાં ભારતનું રક્ષા બજેટ 31.7 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. આ રકમ 2024-25માં ફાળવવામાં આવેલા 6.8 લાખ કરોડ રૂપિયાથી નોંધપાત્ર રીતે વધારે છે, જે આગામી બે દાયકામાં લગભગ 5 ગણો વધારો દર્શાવે છે. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) અને કેપીએમજીના સંયુક્ત અભ્યાસ અહેવાલમાં આ અંદાજ લગાવવામાં આવ્યો છે. આ સાંભળીને પાકિસ્તાનની ઉંઘ હરામ થવાની છે.
રક્ષા સાધનનું ઉત્પાદન વધવાની અપેક્ષા
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, આ રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે દેશના સંરક્ષણ ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થવાની આશા છે. તે 2047 સુધીમાં 8.8 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે, જે 2024-25 માં 1.6 લાખ કરોડ રૂપિયા હતો. દેશ તેની સંરક્ષણ નિકાસને વિસ્તૃત કરવાનું લક્ષ્ય પણ ધરાવે છે, જે 2047 સુધીમાં હાલના 30,000 કરોડ રૂપિયાથી વધીને 2.8 લાખ કરોડ રૂપિયા થવાની સંભાવના છે.
સંરક્ષણ વ્યૂહરચનાનું કેન્દ્રબિંદુ ક્યાં છે?
રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આગામી સંરક્ષણ વ્યૂહરચનાનું ધ્યાન કુલ બજેટમાં મૂડી ખર્ચનો હિસ્સો વધારવાનું છે. આ હિસ્સો 2024-25માં 27 ટકાથી વધીને 2047 સુધીમાં 40 ટકા થવાની ધારણા છે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજીમાં વધુ રોકાણ સૂચવે છે. સંરક્ષણ ક્ષેત્રે સંશોધન અને વિકાસ (આર એન્ડ ડી) પર ભારતનો ખર્ચ પણ 4 ટકાથી વધીને 8-10 ટકા વચ્ચે થશે.
વર્ષ 2047 સુધીમાં સંરક્ષણ પાછળ ખર્ચાતી રકમ દેશની કુલ જીડીપીના 2 ટકાથી વધીને 4 થી 5 ટકા થવાની ધારણા છે. આ ઘટનાક્રમથી સંરક્ષણ ખર્ચમાં ભારતની વૈશ્વિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. હાલમાં ચોથા ક્રમે રહેલું ભારત વર્ષ 2047 સુધીમાં ત્રીજા ક્રમે પહોંચી જશે તેવી ધારણા છે.
જો કે, અહેવાલમાં એ હકીકત પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કે મહત્વપૂર્ણ તકનીક માટે સંરક્ષણ આયાત પર નિર્ભરતા એક મહત્વપૂર્ણ પડકાર છે, જે સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્ર અને નવીનતાને અવરોધે છે.
ખાનગી ઉદ્યોગની ભૂમિકા પર પ્રકાશ પાડતા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મજબૂત જાહેર-ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપવું જરૂરી છે પરંતુ જટિલ છે કારણ કે સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં પ્રવેશવા અને ટકી રહેવા માટે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન અને સમર્થનની જરૂર છે.