ભારતને વર્ષ 2025-26 સુધીમાં તેની પહેલી ટિલ્ટિંગ ટ્રેન મળી જશે. ભારત સ્વિટ્ઝર્લૅન્ડ સાથે મળીને એવી ટ્રેનો વિકસાવવા જઈ રહ્યું છે જે વળાંક પર એક તરફ નમી જશે, જેમ મોટરબાઈક વળાંકવાળા રસ્તાઓ પર એક તરફ નમી જાય છે. ઉપરાંત 100 વંદે ભારત ટ્રેનો પર આવી ટેકનોલોજી પર તૈયાર કરવામાં આવી રહી છે, જે ફરતી ટ્રેકો પર પર શાનદાર રીતે દોડશે…
હાલ 11 દેશોમાં દોડી રહી ટિલ્ટિંગ ટ્રેન
ભારતમાં આવી ટિલ્ટિંગ ટ્રેન આવતા હજી લગભગ ત્રણ વર્ષ જેટલો સમય લાગશે. ભારતમાં પણ ટિલ્ટિંગ ટ્રેનને દોડતી કરવા માટે સ્વિટ્ઝર્લૅન્ડ સાથે વર્ષ 2017માં કરાર કરવામાં આવ્યો હતો, અત્યાર સુધી માત્ર 11 દેશોમાં જ આવી ટિલ્ટિંગ ટ્રેન દોડી રહી છે.
ભારતીય રેલવે વિભાગનું કહેવું છે કે, ટિલ્ટિંગ ટ્રેનની યોજના પર ઝડપથી કામગીરી ચાલી રહી છે. આગામી બે-ત્રણ વર્ષમાં ભારતને આ પ્રથમ મોટરબાઈક જેવી ટ્રેન મળશે. ઉપરાંત તે વખતે આવા પ્રકારની 100 જેટલી વંદે ભારત ટ્રેન પણ તૈયાર થશે જે વળાંક પરથી પસાર થતી વખતે એક તરફ નમી જશે. હાલ રશિયા, ફિનલેન્ડ, ઇટાલી, સ્લોવેનિયા, ચેક રિપબ્લિક, ચીન, જર્મની, પોર્ટુગલ, રોમાનિયા, યુનાઇટેડ કિંગડમ અને સ્વિટ્ઝર્લેન્ડમાં ટિલ્ટિંગ ટ્રેનો દોડી રહી છે.
100થી વધુ વંદે ભારત ટ્રેનોમાં આવશે આ ટેકનિક
ભારતીય રેલવેના એક અધિકારીએ કહ્યું, ‘અમે ટૂંક સમયમાં ભારતમાં ટિલ્ટિંગ ટ્રેનો દોડાવીશું. આ માટે અમે ટેક્નોલોજી પાર્ટનર સાથે ભાગીદારી કરીશું. આગામી 2 થી 3 વર્ષમાં અમારી પાસે આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 100 વંદે ભારત ટ્રેનો હશે. આ દરમિયાન તેમણે એવું પણ જણાવ્યું કે આવી રીતે વળાંકવાળા ટ્રેક પર ટિલ્ટિંગ ટ્રેનો વધુ ઝડપથી દોડશે. જ્યારે આવી ટ્રેન વળાંકવાળા ટ્રેક પર અચાનક વળાંક લે છે ત્યારે મુસાફરોએ ટેકો લેવો પડે છે, પરંતુ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવતા હવે ટ્રેનમાં મુસાફરી કરવી પહેલા કરતા વધારે આરામદાયક બની જશે.
ટિલ્ટિંગ ટ્રેન કેવી રીતે કામ કરે છે?
જ્યારે ટ્રેન સ્પીડમાં વળાંક પર ટર્ન લે છે, ત્યારે અંદરની ચીજવસ્તુઓ અને તેમાં બેઠેલા લોકો કેન્દ્રત્યાગી બળ (centrifugal force)નો અનુભવ કરે છે, જે તેમને બહારની તરફ ધકેલે છે.
આ અસરને કારણે અંદરનો સામાન ખસી શકે છે, બેઠેલા મુસાફરોનો જીવ મચલી જાય છે અને ઊભા રહેલા મુસાફરો સંતુલન ગુમાવી શકે છે. આ ટિલ્ટિંગ ટ્રેનોને વળાંક આવે ત્યારે અંદરની તરફ ગાડીને નમાવીને આવી અસરનો સામનો કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે જી-ફોર્સ (G-force) ઉત્પન્ન કરે છે. સ્વીડન સ્થિત કેટીએચ એન્જીનિયરીંગ સાયન્સિસ અનુસાર, ઝુકેલા બળ (tilt force)ને નિષ્ક્રિય કરવા અને સંતુલન હાંસલ કરવા માટે વિવિધ પદ્ધતિઓ હોઈ શકે છે.
વંદે ભારત એક્સપ્રેસની વિશેષતા
વંદે ભારત ટ્રેન ભારતની ત્રીજી સેમી- હાઇ સ્પીડ ટ્રેન છે. આ ટ્રેન વડાપ્રધાન મોદીની ‘મેક ઇન ઇન્ડિયા’ યોજના હેઠળ બનાવવામાં આવી છે. આ ટ્રેનના તમામ પાર્ટ્સ સ્વદેશી છે જે ફક્ત ભારતમાં જ બનાવવામાં આવ્યા છે. વંદે ભારત પાસે 16 કોચ છે. આ ટ્રેન સેમી હાઈ સ્પીડ ટ્રેન છે. આ ટ્રેનનું એન્જિન સેલ્ફ પ્રોપેલ્ડ છે. તેના દરવાજા ઓટોમેટિક છે. તેમાં એરકન્ડિશન્ડ ચેરકાર છે, જે ફરી શકે હોય છે. આ ખુરશી 180 ડિગ્રી સુધી ફેરવી શકે છે. આ ટ્રેનની મહત્તમ સ્પીડ 180 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે. તે માત્ર 52 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ હાંસલ કરી શકે છે.