મહામારી, મોંઘવારી અને મંદીના ભણકારા વચ્ચે સમગ્ર વૈશ્વિક અર્થવ્યવસ્થાનો વિકાસદર ઘટવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેનાથી ભારતીય અર્થંતંત્ર પણ બચી શકસે નહીં. ભારત સરકાર દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2022-23માં દેશનો જીડીપી ગ્રોથ ઘટીને 7 ટકા રહેવાની આગાહી કરવામાં આવી છે, જે પાછલા નાણાંકીય વર્ષની સરખામણીએ ઘણો નીચો વિકાસદર છે. આ સાથે જ વિશ્વમાં સૌથી ઝડપી વિકસતા અર્થંતંત્ર એટલે કે ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ઈકોનોમી તરીકેનું સ્થાન પણ ભારત ગુમાવે તેવી આશંકા છે.
ભારતના વિકાસદરનો અંદાજ ઘટાડ્યો
નાણાં મંત્રાલય હસ્તકના નેશનલ સ્ટૅટિક્સલ ઑફિસ (NSO) દ્વારા શુક્રવારે જારી કરાયેલા પ્રથમ સત્તાવાર અંદાજ મુજબ, નબળી માંગને કારણે માર્ચ 2023માં સમાપ્ત થઇ રહેલા ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ગ્રોથ વૃદ્ધિ ઘટીને 7 ટકા રહેવાનો અંદાજ છે.
નોંધનિય છે કે, નાણાંકીય વર્ષ 2021-22માં ભારતીય અર્થતંત્રે 8.7 ટકાની જીડીપી વૃદ્ધિ નોંધાવી હતી. જો નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO)ની આગાહી સાચી ઠરે છે, તો ભારતનો GDP વૃદ્ધિ સાઉદી અરેબિયાના અપેક્ષિત 7.6 ટકાના વિકાસદર કરતા ઓછો હશે. સરકારે આ અગાઉ 8 થી 8.5 ટકાના વિકાસદરનો અનુમાન મૂક્યો હતો, જો કે તે રિઝર્વ બેન્કના 6.8 ટકાના અંદાજ કરતાં ઉંચો હતો.
ક્યાં ક્ષેત્રમાં કેટલો વિકાસદર નોંધાયા
નેશનલ સ્ટૅટિક્સલ ઑફિસ એ ચાલુ નાણાંકીય વર્ષ 2022-23માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન અગાઉના નાણાંકીય વર્ષની 9.9 ટકાની વૃદ્ધિની સામે ઘટીને 1.6 ટકા થવાની આગાહી કરી હતી. એવી જ રીતે માઇનિંગ સેક્ટરનું ઉત્પાદન પણ વર્ષ 2021-22માં 11.5 ટકાની વૃદ્ધિ સામે ચાલુ નાણાકીય વર્ષમાં 2.4 ટકા વધવાની ધારણા છે. તો કૃષિ ક્ષેત્રે નાણાકીય વર્ષ 2022-23માં 3.5 ટકાની વૃદ્ધિ થવાનો અંદાજ છે, જે અગાઉના નાણાકીય વર્ષની 3 ટકાની વૃદ્ધિની તુલનાએ વધારે છે. તો હોટેલ, વેપાર, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન અને સેવા થી બ્રોડકાસ્ટ સંબંધિત ઉદ્યોગોનો વિકાસદર અગાઉના વર્ષના 11.1 ટકાની તુલનાએ ચાલુ વર્ષે 13.7 ટકા રહેવાની ધારણા છે. જોકે બાંધકામ ઉદ્યોગનો વિકાસ નાણાં વર્ષ 2021-22ના 11.5 ટકાની તુલનાએ ઘટીને ચાલુ વર્ષ 2022-23માં 9.1 ટકા રહેવાનો અંદાજ છે.
મૂલ્યની રીતે જીડીપી 19.5 ટકા વધશે
NSOએ જણાવ્યું હતું કે, “નાણાં વર્ષ 2022-23માં નોમિનલ જીડીપી 273.08 લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે, જે 31મી મે, 2022ના રોજ જાહેર કરવામાં આવેલા નાણાં વર્ષ 2021-22 માટેના 236.65 લાખ કરોડ રૂપિયાના કામચલાઉ નોમિનલ જીડીપી અંદાજની સામે વધારે છે. આમ ભારતના નોમિનલ જીડીપીમાં વર્ષ 2021-22ની 19.5 ટકાની વૃદ્ધિની તુલનાએ નાણાંકીય વર્ષ 2022-23માં 15.4 ટકાનો વધારો થવાનો અંદાજ છે.”
ભારત ‘ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ઈકોનોમી’નું બિરુદ ગુમાવશે
વિશ્વમાં સૌથી ઝડપી વિકસતા અર્થતંત્ર એટલે ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ઈકોનોમી (fastest growing economy) તરીકેનું સ્થાન ભારત ગુમાવી શકે છે. ભારત સરકારના નેશનલ સ્ટૅટિક્સલ ઑફિસ નાણાંકીય વર્ષ 2022-23 માટે ભારતના વિકાસદરનો અંદાજ અગાઉના 8 ટકાથી 8.5 ટકાથી ઘટાડીને હાલ 7 ટકા કર્યો છે. જે સાઉદી અરેબિયાના 7.6 ટકાના જીડીપી ગ્રોથની તુલનાએ નીચો છે. નાણાં વર્ષ 2021-22માં ભારતીય અર્થતંત્ર 8.7 ટકાના દરે વિકાસ પામ્યુ હતુ, જે દુનિયાભરના તમામ દેશોમાં સૌથી ઉંચો વિકાસદર છે.