scorecardresearch

Cyber Crime : સાયબર અપરાધીઓ પર ગાળિયો કસાશે, સરકારે સંસદમાં જણાવ્યો ‘માસ્ટર પ્લાન’

Cyber Crime: સાયબર ક્રાઇમને (Cyber Crime) ડામવા અને સાયબર અપરાધીઓ (cyber criminals) પર ગાળિયો કસવા કેન્દ્ર સરકાર એક માસ્ટર પ્લાન બનાવી રહી છે અને તેની માટે 99.88 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જોગવાઇ પણ કરી છે.

Cyber Crime
અત્યાર સુધીમાં 33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાયબર ફોરેન્સિક્સ-કમ-ટ્રેનિંગ લેબોરેટરીઝ શરૂ કરવામાં આવી છે. (પ્રતિકાત્મક ઇમેજ – ઈન્ડિયન એક્સપ્રેસ)

દેશ અને દુનિયામાં ટેકનોલોજીના વધતા વ્યાપ અને ડિજિટલાઇઝેશનથી સાયબર ક્રાઇમનું દૂષણ રોકેટ ગતિએ વધી રહ્યુ છે. સાયબર ક્રાઇમથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. જો કે હવે ભારત સરકાર સાયબર ક્રાઇમને ડામવા અને સાયબર અપરાધીઓ પર ગાળિયો કસવા માસ્ટર પ્લાન બનાવી રહી છે. તેની માટે સરકાર દ્વારા નાણાંકીય સહાય પણ આપવામાં આવશે. ગૃહ મંત્રાલયે સંસદને જણાવ્યું કે, “મહિલા અને બાળકો વિરુદ્ધ સાયબર ક્રાઈમ નિવારણ (CCPWC)” હેઠળ ઘણા પગલાં લેવામાં આવ્યા છે.

રાજ્યોમાં ફોરેન્સિક ટ્રેનિંગ લેબની સ્થાપના થશે

સરકારના માસ્ટર પ્લાન મુજબ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફોરેન્સિક કમ ટ્રેનિંગ લેબની સ્થાપના, જુનિયર સાયબર કાઉન્સેલરની નિમણૂક અને લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ, સરકારી વકીલો અને ન્યાયિક અધિકારીઓની ક્ષમતા નિર્માણ માટે કુલ 99.88 કરોડ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રીએ સંસદમાં પ્રશ્નનો જવાબ આપ્યો

વિજય પાલ સિંહ તોમરે પૂછ્યું હતું કે, શું દેશની સાયબર પોલીસ પાસે સરકારી વેબસાઇટ્સ અથવા ડેટા પરના દેશ કે વિદેશમાંથી કરવામાં આવતા કોઈપણ સાયબર હુમલાનો સામનો કરવા માટે જરૂરી ટેકનિકલ સુવિધાઓ છે. સરકાર વતી ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રાએ ઉત્તર આપતા જણાવ્યું કે, પોલીસ અને જાહેર વ્યવસ્થા એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો વિષય છે. સાયબર ક્રાઇમનો સામનો કરવા માટે પોલીસ દળ પુરતી રીતે સજ્જ હોવા જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અત્યાધુનિક ટેકનિકલ સાધનો અને માનવબળને સજ્જ અને તાલીમ આપવાની પ્રાથમિક જવાબદારી રાજ્ય સરકાર, કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્રની હોય છે.

મંત્રીએ એવું પણ કહ્યું કે ‘ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર’ હેઠળ પોલીસ અધિકારીઓ, ન્યાયિક અધિકારીઓની ક્ષમતા નિર્માણ માટે ઓનલાઈન અભ્યાસક્રમો અને સાયબર ગુનાઓની તપાસ, ફોરેન્સિક, કાર્યવાહી વગેરેના નિર્ણાયક પાસાઓ પર સર્ટિફિકેટ આપવા માટે. “સાઇટ્રેન” પોર્ટલ નામનું ઓનલાઈન કોર્સ (Massive Open Online Course) પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું છે.

આ પોર્ટલ મારફતે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 28,700 થી વધુ પોલીસ અધિકારીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને 7,800 થી વધુ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. સરકારે કહ્યું કે અત્યાર સુધીમાં 20,300 થી વધુ લો એન્ફોર્સમેન્ટ એજન્સીના (LEA) કર્મચારીઓ, ન્યાયિક અધિકારીઓ અને સરકારી વકીલોને તાલીમ આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાયબર ફોરેન્સિક્સ-કમ-ટ્રેનિંગ લેબોરેટરીઝ શરૂ કરવામાં આવી છે.

Web Title: India government make plan against cyber crime

Best of Express