India-Maldives Relations : ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં થોડો તણાવ જોવા મળી રહ્યો છે. જોકે માલદીવ હવે બેકફૂટ પર આવી ગયું છે. માલદીવ સરકારના એક મંત્રીએ પીએમ નરેન્દ્ર મોદી વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી, જે બાદ ભારતે સખત વિરોધ કર્યો હતો. હવે અહીં એ સમજવું જરૂરી છે કે હાલ આ રીતે ભારતની મજાક ઉડાવી રહેલ માલદીવ પોતાની અનેક જરૂરિયાતો માટે ભારત દેશ પર સંપૂર્ણપણે નિર્ભર છે. માનવામાં આવી રહ્યું છે કે આ કારણે આ મામલે તેમનું વલણ થોડું નરમ પડ્યું છે.
પીએમ મોદી પર વિવાદિત ટિપ્પણી
માલદીવની સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ મંત્રીનો વ્યક્તિગત અભિપ્રાય છે અને તે સરકારનું સ્ટેન્ડ નથી. બાદમાં વિવાદ વધતો જોઈને માલદીવે પોતાના ત્રણ મંત્રીને પદ પરથી હટાવી દીધા હતા. બે દિવસ પહેલા પીએમ મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને તેમણે પર્યટનને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. આ પછી એવું બન્યું કે ઘણા લોકોએ માલદીવનું બુકિંગ રદ કર્યું અને લક્ષદ્વીપમાં ફરવાનું નક્કી કર્યું હતું.
માલદીવનું અર્થતંત્ર પર્યટન પર આધારિત છે
હવે આ વિવાદ સીધી રીતે માલદીવને ઘણી મુશ્કેલીઓમાં મૂકી શકે છે. માલદીવની અર્થવ્યવસ્થા પર્યટન પર નિર્ભર કરે છે. ત્યાંના જીડીપીનો 28 ટકા હિસ્સો પર્યટન પર નિર્ભર કરે છે. આવી સ્થિતિમાં જો તેના પર્યટન પર થોડી અસર થાય છે, તો તે તેના માટે મોટા આંચકાથી ઓછું નહીં હોય. આમ જોવા જઈએ તો ગત વર્ષે માલદીવ અને ભારત વચ્ચે 50 કરોડ ડોલરથી વધુનો વેપાર થયો હતો. આ વર્ષે પણ તેમાં સતત વધારો થઈ રહ્યો છે. માલદીવ અને ભારત વચ્ચે ત્રણ દાયકા પહેલા એક ટ્રેડ એગ્રીમેન્ટ થયો છે. આ કરાર હેઠળ માલદીવ ભારતમાંથી એવી વસ્તુઓની આયાત કરે છે જેની નિકાસ અન્ય દેશોમાં થતી નથી. આ ઉપરાંત માલદીવના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં પણ ભારતના પૈસા લાગેલા છે.
આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદી પર ટીકા-ટિપ્પણી કરવી પડી ભારે, માલદીવના ત્રણ મંત્રીઓ સસ્પેન્ડ
વર્ષ 2022માં ભારતે માલદીવમાં 495 મિલિયન ડોલરની ચીજવસ્તુઓની નિકાસ કરી હતી. માલદીવ ભારતમાંથી કૃષિ અને મરઘાં, ખાંડ, કાપડ, લોટ, દવા, ચોખા, મસાલા અને દવાઓ જેવી મહત્વપૂર્ણ ચીજવસ્તુઓની આયાત કરે છે. આ ઉપરાંત ભારત માલદીવને પ્લાસ્ટિક અને લાકડાનો સામાન પણ વેચે છે. આવી સ્થિતિમાં જો ભારત અને માલદીવના સંબંધો વધુ વણસે તો માલદીવમાં ખાવા-પીવાની તંગી સર્જાશે.
લાખો લોકો ભારતથી માલદીવ ફરવા જાય છે
દર વર્ષે ભારતમાંથી લાખો લોકો માલદીવ ફરવા જાય છે. વર્ષ 2023માં ભારતથી 2,09,198 લોકો માલદીવ ફરવા માટે પહોંચ્યા હતા. માલદીવના અર્થતંત્રમાં પ્રવાસન ક્ષેત્રનું યોગદાન 28 ટકા છે. આ ઉપરાંત વિદેશી હૂંડિયામણમાં 60 ટકા યોગદાન પર્યટન ક્ષેત્રનું પણ છે. આવી સ્થિતિમાં જો ભારતીયો માલદીવ ન જવાનો નિર્ણય લે તો ત્યાંની અર્થવ્યવસ્થા પડી ભાંગશે.





