pm prachand meets pm modi : નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ ભારતના પ્રવાસે છે. ગુરૂવારે તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ વિદેશ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે રાષ્ટ્રપતિએ કહ્યું કે નેપાળ ભારતની પ્રાથમિકતા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નેપાળનાં પીએમની મુલાકાતથી બંને દેશો વચ્ચેનાં સંબંધો વધુ મજબૂત થશે.
આ પહેલા નેપાળના વડાપ્રધાને પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને દિગ્ગજો વચ્ચે વાતચીત બાદ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે અમારા સંબંધોને હિમાલયની ઉંચાઈઓ સુધી લઈ જવા માટે સતત પ્રયત્નશીલ રહીશું અને આ ભાવનાથી અમે તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવીશું, પછી ભલે તે સરહદ સાથે સંબંધિત હોય કે અન્ય કોઈ મુદ્દા સાથે સંબંધિત હોય.
આ સમજુતીઓ પર હસ્તાક્ષર
ભારત અને નેપાળે વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે સાત સમજુતીઓ પર પણ હસ્તાક્ષર કર્યા હતા. જેમાં સરહદ પારની પેટ્રોલિયમ પાઇપલાઇનનું વિસ્તરણ, સંકલિત ચેક પોસ્ટનો વિકાસ અને હાઇડ્રોપાવરમાં સહકાર વધારવાનો સમાવેશ થાય છે. બંને નેતાઓએ ભારતમાં રૂપેધા અને નેપાળમાં નેપાળગંજમાં ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ્સનું ડિજિટલ ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે બિહારના બથનાહાથી નેપાળ કસ્ટમ્સ યાર્ડ સુધીની માલવાહક ટ્રેનને પણ લીલી ઝંડી આપી હતી.
આ પણ વાંચો – વ્યક્તિગત અને રાજકીય: નેપાળના પ્રધાનમંત્રી પ્રચંડની ભારત યાત્રાનો શું છે અર્થ
પીએમ નરેન્દ્ર મોદીએ શું કહ્યું
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે મને યાદ છે કે નવ વર્ષ પહેલા 2014માં કાર્યભાર સંભાળ્યાના ત્રણ મહિનાની અંદર મેં નેપાળની પ્રથમ મુલાકાત કરી હતી. તે સમયે મેં ભારત-નેપાળના સંબંધો માટે એક હિટ ફોર્મ્યુલા આપી હતી. હાઇવેસ, આઈ-વે અને ટ્રાન્સ-વે.
તેમણે કહ્યું કે આજે પ્રધાનમંત્રી પ્રચંડ અને મેં ભવિષ્યમાં આપણી ભાગીદારીને સુપરહિટ બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આજે ટ્રાન્ઝિટ એગ્રીમેન્ટ સંપન્ન થઈ ગયું છે. પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ભારત અને નેપાળ વચ્ચે લોંગ ટર્મ પાવર ટ્રેડ એગ્રીમેન્ટ સંપ્પન થયો છે. તેમાં અમે આવનાર 10 વર્ષોમાં નેપાળથી 10 હજાર મેગાવોટ વીજળી આયાત કરવાનો લક્ષ્ય રાખ્યો છે.
પ્રચંડે પીએમ મોદીને નેપાળ આવવાનું આમંત્રણ પાઠવ્યું
નેપાળના પ્રધાનમંત્રી પ્રચંડે પીએમ નરેન્દ્ર મોદીને નેપાળ આવવાનું આમંત્રણ પાઠવ્યું છે. તેમણે કહ્યું કે મેં પ્રધાનમંત્રી મોદીને નેપાળ આવવાનું નિમંત્રણ આપ્યું છે. મને વિશ્વાસ છે કે પીએમ મોદી જલ્દી નેપાળનો પ્રવાસ કરશે.