India And Pakistan Exchange To Nuclear Site List: ભારત અને પાકિસ્તાને સોમવારે નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં તેમના રાજદ્વારીઓ દ્વારા પોત-પોતાના પરમાણુ થમકોની યાદીની આપ-લે કરી હતી. આ યાદીની આપ-લે દ્વિપક્ષીય કરાર હેઠળ કરવામાં આવી હતી જે બંને પક્ષોને એકબીજાના પરમાણુ સ્થળો પર હુમલો કરવા પર પ્રતિબંધ મૂકે છે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે.
ભારત – પાકિસ્તાનના ખરાબ સંબંધો વચ્ચે મહત્વપૂર્ણ પગલું
બંને દેશોનું આ પગલું કાશ્મીર મુદ્દા તેમજ સરહદ પારના આતંકવાદને લઈને બંને દેશો વચ્ચેના તણાવભર્યા સંબંધો વચ્ચે આવ્યું છે. નોંધનીય છે કે, ભારત આતંકવાદના મુદ્દે પાકિસ્તાન સામે રાજદ્વારી આક્રમણ ચાલુ રાખી રહ્યું છે અને જ્યાં સુધી તે સરહદ પારના આતંકવાદને અટકાવે નહીં ત્યાં સુધી તેની સાથે કોઈ વાતચીત નહીં કરવાની પોતાની વાત પર અડગ છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે શું છે સમજૂતી?
31 ડિસેમ્બર 1988ના રોજ પાકિસ્તાનના તત્કાલિન વડા પ્રધાન બેનઝીર ભુટ્ટો અને ભારતીય વડા પ્રધાન રાજીવ ગાંધી દ્વારા પરમાણુ લક્ષ્યો અને સુવિધાઓ પર હુમલાના પ્રતિબંધ પરના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જો કે, આ સંધિ 27 જાન્યુઆરી 1991ના રોજ અમલમાં આવી હતી અને તેની ઉર્દૂ અને હિન્દીમાં બે-બે નકલો છે. 1986માં, ભારતીય સેનાએ મોટા પાયે ‘બ્રાસસ્ટેક્સ’ કવાયત હાથ ધરી, જેનાથી પરમાણુ પ્લાન્ટ પર હુમલાનો ખતરો વધી ગયો. ત્યારથી બંને દેશો પરમાણુ શસ્ત્ર નિયંત્રણ માટે સર્વસંમતિ સાધવા માટે વાતચીત કરી રહ્યા હતા.
વિદેશ મંત્રાલયે માહિતી આપી
ભારતના વિદેશ મંત્રાલયે સોમવારે કહ્યું કે બંને દેશો વચ્ચે આ પ્રકારની યાદીનું આ સતત 33મું આદાનપ્રદાન છે. 1 જાન્યુઆરી, 1992ના રોજ પ્રથમ વખત આવી યાદીની આપ-લે કરવામાં આવી હતી. આ કરારમાં બંને દેશોને કરાર હેઠળ આવરી લેવામાં આવતા કોઈપણ પરમાણુ મથકો અને સુવિધાઓ વિશે દર વર્ષની 1 જાન્યુઆરીએ એકબીજાને જાણ કરવી ફરજિયાત છે.
આ પણ વાંચો | ભારતના 55 હિંદુઓ પાકિસ્તાનના મંદિરમાં દર્શન કરવા લાહોર પહોંચ્યા, આ યાત્રા કેમ મહત્વપૂર્ણ છે? જાણો
ભારત – પાકિસ્તાનની પરમાણુ સંધિમાં કઇ કઇ બાબતો સામેલ છે?
આ કરાર મુજબ, ‘પરમાણુ સ્થાપન અથવા સુવિધા’ શબ્દમાં પરમાણુ ઊર્જા અને સંશોધન રિએક્ટર, ઇંધણ ઉત્પાદન, યુરેનિયમ સંવર્ધન, આઇસોટોપ સેપરેશન અને પરમાણુ બળતણ અને સામગ્રી સાથે અન્ય કોઈપણ ઇન્સ્ટોલેશનનો સમાવેશ થાય છે. જો આવું કંઈ થાય તો બંને દેશોએ માહિતી આપવી પડશે.