Droupadi Murmu Nominates 4 Veterans To Rajya Sabha : દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ રાજ્યસબામાં 4 પ્રખ્યાત વ્યક્તિઓની નિમણૂક કરી છે. જેમાં મુંબઇ 26/11 હુમલાના આતંકવાદી અજમલ કસાબને ફાંસી અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર સિનિયર વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમનો સમાવેશ થાય છે. ઉજ્જવલ નિકમ ઉપરાંત કેરળ સ્થિત પ્રસિદ્ધ સામાજિક કાર્યકર્તા સી.સદાનંદન માસ્ટર, ભારતના પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા અને ઈતિહાસકાર અને શિક્ષણવિદ્ ડૉ.મીનાક્ષી જૈનનો સમાવેશ થાય છે. પીએમ નરેન્દ્ર મોદી રાજ્યસભામાં નિમણુંક થનાર ઉપરોકત ચારેય હસ્તીઓને શુભકામના પાઠવી છે.
રાજ્યસભામાં 4 પ્રખ્યાત વ્યક્તિઓની નિમણુંક
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ બંધારણની કલમ 80 (1) (એ) અને 80 (3) દ્વારા પ્રદાન કરવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને રાજ્યસભામાં ચાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓની નિમણૂક કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા 12 જુલાઈ 2025ના રોજ બહાર પાડવામાં આવેલા ગેઝેટ નોટિફિકેશન નં.એસ.ઓ. 3196(ઇ) મુજબ, આ નામાંકન ચાર સાંસદોની નિવૃત્તિને કારણે ખાલી પડેલી જગ્યાને ભરવા માટે કરવામાં આવ્યા છે.
રાજ્યસભા નામાંકિત સભ્યોમાં વરિષ્ઠ અપરાધિક વકીલ ઉજ્જવલ દેવરાવ નિકમ, કેરળ સ્થિત પ્રસિદ્ધ સામાજિક કાર્યકર્તા સી.સદાનંદન માસ્ટર, ભારતના પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા અને ઈતિહાસકાર અને શિક્ષણવિદ્ ડૉ.મીનાક્ષી જૈનનો સમાવેશ થાય છે.
ઉજ્જવલ નિકમ કોણ છે?
ઉજ્જવલ નિકમ સિનિયર વકીલ છે. તેમણે 1993ના મુંબઈ બ્લાસ્ટ અને 26/11ના હુમલા જેવા અનેક હાઈ-પ્રોફાઈલ કેસોમાં કેસ ચલાવવાની આગેવાની લીધી છે. સી. સદાનંદન માસ્ટર સામાજિક સમાનતા અને શિક્ષણના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે જાણીતા છે. હર્ષ વર્ધન શ્રૃંગલાએ વિદેશ સચિવ તરીકે ભારતની રાજદ્વારી વ્યૂહરચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તો ડો.મીનાક્ષી જૈન ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓના વિશ્લેષણ માટે પ્રખ્યાત છે. નામાંકનને સંસદના ઉપલા ગૃહમાં વિવિધ ક્ષેત્રોની કુશળતાને જગ્યા આપવાની દિશામાં એક પગલા તરીકે જોવામાં આવે છે.





