scorecardresearch

India Republic day 26 January : ભારતમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે 26 જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી?

India republic day 26 january history: ભારતમાં 26 જાન્યુઆરી (26 january)ના રોજ પ્રજાસત્તાક દિવસ (India Republic day)ની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1950માં આજના દિવસે બંધારણ (Indian Constitution) અમલમાં આવ્યું હતુ. પણ શું તમને ક્યારેય એવો પ્રશ્ન થયો કે બંધારણના અમલ માટે 26 જાન્યુઆરીની તારીખ (26 january history) જ કેમ પસંદ કરવામાં આવી હતી? આ તારીખ ભારતને આઝાદી (India independence) મળી તેના પહેલાથી ઘણું મહત્વ ધરાવે છે, ચાલો જાણીયે ભારત માટે ઇતિહાસની તવારીખમાં 26 જાન્યુઆરી કેમ આટલી મહત્વપૂર્ણ છે.

India Republic day 26 January : ભારતમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે 26 જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી?

(અર્જુન સેનગુપ્તા) ભારતમાં દર વર્ષ 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઉપરાંત આ તારીખે ભારતમાં સંવિધાન પણ અમલમાં આવ્યું હતું. જો કે ભારતનું બંધારણ 26 નવેમ્બર, 1949ના રોજ બંધારણ સભા દ્વારા સત્તાવાર રીતે સ્વીકૃતિ માટે પસંદ કરાયેલી તારીખની પહેલા જ તૈયાર કરી લેવામાં આવ્યું હતું. તો પછી આપણે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ કેમ ઉજવીએ છીએ? આનો જવાબ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં સમાયેલો છે અને આ તારીખ વર્ષ 1930થી ઘણું મહત્વ ધરાવે છે.

વર્ષ 1930માં “પૂર્ણ સ્વરાજ”ની ઘોષણા

વર્ષ 1930માં 26 જાન્યુઆરી, 1930ના રોજ ઐતિહાસિક “પૂર્ણ સ્વરાજ”નો સત્તાવાર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો અને આ આ સાથે જ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના અંતિમ તબક્કાની શરૂઆત થઇ હતી, જેનો એક માત્ર લક્ષ્ય હતો – ‘બ્રિટિશ રાજથી ભારતની સંપૂર્ણ સ્વતંત્રતા.’

ચૌરી ચૌરા કાંડ ( Chauri Chaura incident) પછી ફેબ્રુઆરી 1922માં અસહકાર આંદોલનનો અનૌપચારિક અંત આવ્યો. તે સમયે મહાત્મા ગાંધીને (Mahatma Gandhi) લાગ્યું કે દેશ તેમની વિરોધ કરવાની અહિંસક રીત માટે “હજી તૈયાર નથી”. આમ વર્ષ 1920ના દાયકામાં અસહકાર આંદોલન (Non Cooperation Movement) અને રોલેટ એક્ટ વિરોધી સત્યાગ્રહ (Rowlatt act Satyagraha) દરમિયાન જોવા મળેલો સહકાર જોવા મળ્યો ન હતો.

1920ના દાયકામાં સ્વાતંત્ર્ય સંગ્રામની પૃષ્ઠભૂમિ તૈયાર થઇ

જો કે, 1920નો દાયકા ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો હતો.. ભગત સિંહ અને ચંદ્રશેખર આઝાદ જેવા ક્રાંતિકારીઓના ઉદયથી લઈને જવાહરલાલ નહેરુ, સુભાષ ચંદ્ર બોઝ, સરદારવલ્લભાઈ પટેલ અને સી રાજગોપાલાચારી જેવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઈએનસી) નેતાઓની નવી પેઢીના આગમન સુધી, 1920ના દાયકાએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ભાવિ માર્ગ માટે પૃષ્ઠભૂમિ તૈયાર કરી દીધી હતી.

સાયમન કમિશનનો વિરોધ

નોંધનીય રીતે, વર્ષ 1927માં, બ્રિટિશ શાસકે ભારતમાં રાજકીય સુધારાઓ પર વિચારણા કરવા માટે સર જોન સિમોનની આગેવાની હેઠળ સાયમન કમિશનની નિમણૂક કરી – તેમાં સાત સભ્યો હતો અને તે તમામ યુરોપીયન હતા. આનાથી દેશભરમાં આક્રોશ અને અસંતોષની લહેર ઉઠી. વર્ષ 1922 પછી પહેલીવાર સાયમન કમિશન સામે દેશભરમાં વિરોધ ફેલાયો અને “સાયમન ગો બેક” ના નારા દેશભરમાં ગુંજી ઉઠ્યા.

ભારતનું પોતાનું કમિશન અને ‘નહેરુ રિપોર્ટ’

બ્રિટિશ રાજના સાયમન કમિશનના વળતા જવાબમાં, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે એ મોતીલાલ નેહરુ હેઠળ પોતાનું કમિશન નિયુક્ત કર્યું. આ કમિશને તૈયાર કરેલા અહેવાલને ‘નહેરું રિપોર્ટ’ કહેવામાં આવે છે. નહેરુ રિપોર્ટમાં બ્રિટિશ આધિપત્ય (ડોમિનિયન) હેઠળ ભારતીયોને પોતાની સરકાર દ્વારા દેશ ચલાવવાની માંગણી કરાઈ હતી. વર્ષ 1926ના બાલફોર ઘોષણામાં, આધિપત્યને “બ્રિટિશ સામ્રાજ્યની અંદર સ્વાયત્ત સમુદાય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો, જે દરજ્જામાં સમકક્ષ હતા, તેમની આંતરિક અથવા બાહ્ય બાબતોમાં કોઇ પણ રીતે એક બીજા પર આધિન ન હતા, તેમ છતાં ‘તાજ’ પ્રત્યેની એક સામાન્ય નિષ્ઠા દ્વારા સંયુક્ત અને બ્રિટિશ કોમનવેલ્થ ઓફ નેશન્સનાં સભ્યો તરીકે મુક્તપણે જોડાયેલી છે. 1926માં કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશોને પ્રભુત્વનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

કોંગ્રેસમાં આંતરિક મતભેદઃ આધિપત્ય કે પ્રજાસત્તાક?

કોંગ્રેસની અંદર પણ નેહરુ રિપોર્ટને સાર્વત્રિક રીતે સમર્થન મળ્યું ન હતું. સુભાષ ચંદ્ર બોઝ અને જવાહરલાલ નેહરુ જેવા યુવા નેતાઓ ઈચ્છતા હતા કે ભારત બ્રિટિશ સામ્રાજ્ય સાથેના તમામ સંબંધો તોડી નાખે. તેઓએ દલીલ કરી હતી કે આધિપત્યના દરજ્જા હેઠળ ભારત એક નિશ્ચિત સ્તરની સ્વાયત્તતાનો આનંદ માણશે, ઉપરાંત બ્રિટિશ સંસદ અને ક્રાઉન પાસે ભારતીય બાબતોમાં હસ્તક્ષેપ કરવાનો હક રહેશે.

વાઇસરોય ઇરવિન તેમના વચનથી ફરી ગયા

વર્ષ 1929માં, વાઈસરોય ઈરવિને અસ્પષ્ટપણે ઘોષણા કરી હતી કે, ભવિષ્યમાં ભારતને આધિપત્ય (dominion)નો દરજ્જો આપવામાં આવશે. ઇરવિનની આ ઘોષણાને ભારતીયોએ આવકારી પરંતુ બ્રિટનમાં તેમણે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

બ્રિટિશ વસ્તી હજુ પણ આધિપત્ય તરફી હતી અને ભારતને સામ્રાજ્યના તાજ રત્ન (Crown Jewel) તરીકે જોવામાં આવતું હતું. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ હતી કે, જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદી તરફ ધકેલાઇ રહી હતી ત્યારે, હકીકતમાં ભારત તેની વિશાળ જમીન, સંસાધનો અને વસ્તી સાથે બ્રિટનની માટે સૌથી કિંમત વસાહત હતી.

આમ, ઘરઆંગણે થયેલા વિરોધ બાદ વાયસરોય ઇરવિન તેમના વચનથી ફરી ગયા. મહાત્મા ગાંધી, મુસ્લિમ લીગના મોહમ્મદ અલી ઝીણા અને કેટલાક અન્ય નેતાઓ સાથેની બેઠકમાં, તેમણે કહ્યું કે તેઓ ભારતને ટૂંક સમયમાં આધિપત્યનો દરજ્જો આપવાનું વચન આપી શકશે નહીં. આ એક મહત્વપૂર્ણ ઘટના બની રહી અને કોંગ્રેસ આ મુદ્દે એકજૂટ થઇ.

પૂર્ણ સ્વરાજની ઘોષણા

વર્ષ 1929માં લાહોર ખાતે (હાલ પાકિસ્તાનમાં) ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અધિવેશન યો જવામાં આવ્યું હતું. 19 ડિસેમ્બરના રોજ, આ અધિવેશનમાં ઐતિહાસિક “પૂર્ણ સ્વરાજ”નો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તેનો શાબ્દિક અર્થ “સંપૂર્ણ સ્વ-શાસન/સાર્વભૌમત્વ” થાય છે. આ ઠરાવને વાંચવામાં આવ્યો જેમાં લખ્યુ હતું કે – “ભારતમાં બ્રિટિશ સરકારે માત્ર ભારતીય લોકોને તેમની સ્વતંત્રતાથી જ વંચિત નથી રાખ્યા, પણ દેશની જનતાનું શોષણ કર્યું છે, અને ભારતને સાંસ્કૃતિક, આધ્યાત્મિક, આર્થિક, રાજકીય રીતે બરબાદ કરી નાખ્યો છે, તેથી… ભારતે બ્રિટિશ સાથેનો સંબંધ તોડી નાંખવો જોઈએ અને પૂર્ણ સ્વરાજ અથવા સંપૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત કરવી જોઈએ.”

સ્વતંત્રતાની આ ઘોષણા સત્તાવાર રીતે 26 જાન્યુઆરી, 1930ના રોજ જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસે ભારતીયોને તે દિવસે બહાર આવવા અને “સ્વતંત્રતા”ની ઉજવણી કરવા આહ્વાન કર્યું હતું. કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા દેશભરમાં ભારતીય ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને દેશભક્તિના ગીતો ગાવામાં આવ્યા હતા કારણ કે દેશે સ્વતંત્રતા માટેની તેની વ્યૂહરચના ફરીથી તૈયાર કરી દીધી હતી. આ ઠરાવમાં અહિંસક વિરોધની ગાંધીવાદી પદ્ધતિઓનું સમર્થન પણ મળ્યું હતું, જે પૂર્ણ સ્વરાજ દિવસની ઉજવણી પછી તરત જ શરૂ થશે.

ઇતિહાસકાર મીઠી મુખર્જી લખે છે કે, પૂર્ણા સ્વરાજની ઘોષણા એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે નિર્ણાયક ઘડી હતી. આ ઘોષણા સાથે જ ભારતની રાષ્ટ્રીય ચળવળ “દાનની ભાષામાંથી ન્યાયની ભાષામાં બદલાઈ ગઈ છે.”

સ્વતંત્રતા બાદ ભારતમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

વર્ષ 1930 થી લઇને વર્ષ1947માં ભારતે આખરે આઝાદી મેળવી ત્યાં સુધી, 26 જાન્યુઆરીને “સ્વતંત્રતા દિવસ” અથવા “પૂર્ણ સ્વરાજ દિવસ” તરીકે ઉજવવામાં આવ્યો હતો અને તે દિવસે ભારતીયોએ સાર્વભૌમત્વ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતા હતા.

અલબત્ત, બીજા વિશ્વયુદ્ધને સમાપ્ત કરવા માટે જાપાનએ સાથી દેશો સમક્ષ આત્મસમર્પણ કર્યાના બરાબર બે વર્ષ બાદ, 15 ઓગસ્ટના રોજ ભારતે બ્રિટિશ રાજમાંથી આઝાદી મેળવી. ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ લખ્યું છે તેમ, “આઝાદી આખરે એવા દિવસે મળી, જે રાષ્ટ્રવાદી લાગણીને બદલે સામ્રાજ્યવાદની શરણાગતિનો પડઘો પાડે છે.”

આમ, જ્યારે તત્કાલિન નેતાઓએ ભારતના નવા બંધારણને લાગુ કરવા માટે એક દિવસ નક્કી કરવાનો હતો, ત્યારે 26 જાન્યુઆરીને આદર્શ દિવસ માનવામાં આવ્યો હતો. આ તારીખનું પહેલાથી જ રાષ્ટ્રીય મહત્વ હતુ એટલું જ નહીં, બંધારણ ઘણી રીતે બે દાયકા પૂર્વેની “પૂર્ણ સ્વરાજ”ની ઘોષણાને પ્રતિબિંબિત કરે છે.

Web Title: India republic day history why january 26 chosen as republic day know all details here

Best of Express