Canada Visa : ભારત સરકારે કેનેડાના લોકોને રાહત આપી છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા બાદ લગાવવામાં આવેલા પ્રતિબંધને રાહત આપતા ભારત સરકારે કેનેડાના નાગરિકો માટે ઈ-વિઝા સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બરમાં ભારતે કેનેડાની વિઝા સેવા બંધ કરી દીધી હતી.
આ પહેલા ઓક્ટોબરમાં ભારતે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ ચાર કેટેગરીમાં વિઝા સેવા શરૂ કરી હતી. વિદેશ મંત્રાલયે 26 ઓક્ટોબરથી કેનેડાના નાગરિકોને એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝાની કેટેગરીમાં વિઝા આપવાનું શરૂ કર્યું હતું. ભારત તરફથી ચાર કેટેગરીમાં વિઝા સેવા શરૂ કરવા પર કેનેડાએ સ્વાગત કર્યું હતું. કેનેડા તરફથી તેને ગુડ સાઇન ગણાવતાં કહેવામાં આવ્યું હતું કે વિઝા સસ્પેન્શન થવું જોઈતું ન હતું.
ભારત અને કેનેડા વચ્ચે તણાવ કેમ છે?
જૂન મહિનામાં અજાણ્યા હુમલાખોરોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની બ્રિટિશ કોલંબિયા રાજ્યના સરેમાં એક ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરી દીધી હતી. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ હત્યા માટે ભારત સરકારના એજન્ટોને જવાબદાર ઠેરવ્યા હતા. ઇન્ટેલિજેન્સ રિપોર્ટ્સનો હવાલો આપીને તેમણે કેનેડાની સંસદમાં કહ્યું હતું કે નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારના એજન્ટોની સંડોવણી હોવાના મજબૂત પુરાવા છે. ભારતનું કહેવું છે કે કેનેડાએ હજુ સુધી આ મામલે કોઇ પુરાવા આપ્યા નથી. ભારતે કેનેડાને તેની ધરતી પર સક્રિય આતંકવાદીઓ અને ભારત વિરોધી તત્વો સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
આ પણ વાંચો – નિજ્જર વિવાદ પર એસ જયશંકરે કેનેડા પર સાધ્યું નિશાન, કહ્યું- તમે પુરાવા આપો, અમે તપાસ માટે તૈયાર છીએ
કેનેડામાં કેટલા ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે?
31 ડિસેમ્બર 2022ના ડેટા પ્રમાણે કેનેડામાં લગભગ 320,000 ભારતીય વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જેમાંથી 2,09,930 વિદ્યાર્થીઓ કેનેડામાં ગ્રેજ્યુએશન કરી રહ્યા છે. 80,270 વિદ્યાર્થીઓ અનુસ્નાતકની પદવી મેળવી રહ્યા છે જ્યારે 28,930 વિદ્યાર્થીઓ ડિપ્લોમા અને સર્ટિફિકેટ માટે અભ્યાસ કરી રહ્યા છે. 2022માં કેનેડામાં પીઆર, અસ્થાયી વિદેશી કામદારો અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની બાબતમાં ભારત ટોચ પર હતું. કેનેડા દ્વારા ભારતીયોને સ્ટુડન્ટ વિઝા આપવાનો સિલસિલો 2015થી સતત વધી રહ્યો છે.





