(અમૃતા નાયક દત્તા) ભારતીય સેના તેની તાલીમ સંસ્થાઓમાં વિવિધ ક્ષેત્રોમાં નિપુણતા ધરાવતા નિવૃત્ત સૈનિકોને કોન્ટ્રાક્ટ પર રાખવાની યોજના બનાવી રહી છે. તેમાં ક્રોસ- સ્કિલિંગ ટેકનિકલ ટ્રેડ અને સ્ટેટિક યુનિટમાં સેવાઓનું આઉટસોર્સિંગ કરવાની યોજના છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચિત કરતા, એક ડિફેન્સ ઓફિસરે જણાવ્યું હતું કે, “આ યોજના આગામી પાંચ વર્ષમાં તબક્કાવાર લાગુ કરવામાં આવશે. તેનો હેતુ સેનાની મૂળભૂત સમસ્યાઓને ઓછી કરવાનો છે.
ડિફેન્સ ઓફિસરના અનુસાર આ રિફોર્મ્સ પર હાલ કામગીરી ચાલી રહી છે. સેનાના તમામ એકમો – વિભાગોને આ યોજનાની વિગતો તૈયાર કરીને સબમિટ કરવા માટે જણાવવામાં આવ્યું છે. હાલમાં ભારતીય સેનામાં 12.8 લાખ સૈનિકો છે, જે અત્યંત ઓછી સંખ્યા છે. કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી સેનામાં કોઇ નવી ભરતી થઇ શકી નથી. હાલમાં ભારતીય સેનામાં 1.25 લાખ જવાનોની અછત છે.
જો કે ગયા વર્ષે સરકારની અગ્નિપથ યોજના હેઠળ 40,000 ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી કરવામાં આવી હતી. પરંતુ તેનાથી દર વર્ષ નિવૃત્ત થનાર લગભગ 60,000 સૈનિકોની જગ્યા ભરવી મુશ્કેલ બનશે.
સૈન્ય તાલિમ સંસ્થાઓમાં નિષ્ણાંતોને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવશે
અન્ય એક સિનિયર ડિફેન્સ ઓફિસરે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે ગ્રેડ-એ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સમાં એવા વ્યક્તિઓને નિમણુંક કરવાની યોજના છે, જેઓ સૈન્ય વિષયમાં નિપૂર્ણતા અને વિશેષતા ધરાવતા હોય.
ગ્રેડ-A ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં દેહરાદૂનમાં આવેલી ભારતીય મિલિટરી એકેડમી ( Indian Military Academy), આર્મી વોર કોલેજ અને મહુની ઇન્ફન્ટ્રી સ્કૂલનો સમાવેશ થાય છે. ગ્રેડ-બી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં વિવિધ રેજિમેન્ટલ સેન્ટરોનો સમાવેશ થાય છે. નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)ની તાલીમબદ્ધ પૂર્વ સૈનિકોને કોન્ટ્રાક્ટ ધોરણે રાખી શકાય કે કેમ તે અંગે હાલ મંત્રણા કરવામાં આવી રહી છે.
કેટરિંગ અને ફેસિલિટી મેનેજમેન્ટ માટે પણ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસનું આઉટસોર્સિંગ કરવાની યોજના છે. હાલમાં આ કામગીરી સેનામાં કાર્યરત ટ્રેડમેન દ્વારા કરવામાં આવે છે. જો સરળ શબ્દોમાં કહીયે તો, સરકાર સેનામાં કાયમી નોકરીઓ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.
ઓટોમેશનથી સેનામાં વ્યક્તિઓની જરૂરીયાત ઘટી જશે
એક સિનિયર ડિફેન્સ ઓફિસરે ધ્યાન દોર્યું છે કે, હથિયારોના ઓટોમેશન ઉપર ભાર આપવામાં આવતા બંદૂકો અને ટેન્કો ચલાવવા માટે સૈનિકોની જરૂરિયાત ઘટી શકે છે. તેનાથી આર્ટિલરી અને આર્મર્ડ કોર્પ્સની રેજિમેન્ટમાં મેનપાવરનો ઘટાડો કરી શકાશે.
અધિકારીએ કહ્યું કે ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સેટેલાઇટની સંખ્યા વધવાથી નિગરાની / સર્વેલન્સનું કામ સરળ બનશે અને મેનપાવર પરની નિર્ભરતા પણ ઘટી જશે.