જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારતીય સેનાના ટ્રક પર આગ લાગવાનું કારણ આતંકી હુમલો બતાવવામાં આવી રહ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ ભારતીય સેનાના હવાલાથી જણાવ્યું કે ગુરુવારે ભારતીય સેનાનું એક વાહન રાજૌરી સેક્ટરમાં ભીમબેર ગલી અને પૂંછ વચ્ચે જઇ રહ્યું હતું. આ વાહન પર અજાણ્યા આતંકવાદીઓએ ગોળીબારી કરી હતી. ફાયરિંગના કારણે વાહનમાં આગ લાગી ગઇ હતી. મળેલી જાણકારી પ્રમાણે હુમલા દરમિયાન આતંકીવાદીઓ દ્વારા વાહન પર ગ્રેનેડ ફેંકવાની પણ આશંકા છે.
એએનઆઈએ ભારતીય સેનાના હવાલાથી જાણકારી આપી કે આ ઘટનામાં રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટના પાંચ જવાનો શહીદ થયા છે. આગ લાગવાના કારણે ઇજાગ્રસ્ત એક સૈનિકને રાજૌરી સ્થિત ભારતીય સેનાના હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. ભારતીય સેના સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
સૂત્રો દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે આતંકી સંગઠન પીએએફએએ પૂંછ આતંકી હુમલાની જવાબદારી લીધી છે. આ હુમલામાં લશ્કરનું કનેક્શન પણ સામે આવ્યું છે. ડિફેન્સ સૂત્રોએ જણાવ્યું કે આર્મી ચીફ મનોજ પાંડેએ આ હુમલા વિશે ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહને બ્રીફ કર્યા છે.
આ પણ વાંચો – Explained: અતિક-અશરફથી અસદ અહેમદ સુધી…ત્રણ મોત અને ત્રણ પિસ્તોલની કહાની
ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજસ્થાનના ઉદયપુરમાં ભારતીય સેનાની ટ્રકમાં આગ લાગી હતી. ટ્રકમાં કોઈ ટેકનિકલ કારણોસર આગ લાગી હતી. આ ટ્રક ભારતીય સેનાના પાંચ વાહનોના કાફલાનો એક ભાગ હતો, જે ઉદયપુર જઈ રહ્યો હતો. આ અકસ્માતમાં કોઈનું મોત થયું ન હતુ.