Retail Inflation CPI Hits 15 Month High, Breaches RBI upper tolerance limit : મોંઘવારી ફરી બેફામ બની છે. શાકભાજી અને ખાદ્ય ચીજોના ભાવમાં કમરતોડ વધારાની અસર હવે ફુગાવામાં દેખાઈ રહી છે. ભારતનો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ફ્લેશન (CPI) 15 મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યો છે. એપ્રિલ 2022 બાદ પહેલીવાર રિટેલ મોંઘવારી દર 7.5 ટકાની ઉપર આવ્યો છે. જે સરકાર અને રિઝર્વ બેંકના નિર્ધારિત લક્ષ્યાંક કરતા ઘણો ઉંચો છે. મોંઘવારી દર વધતા રિઝર્વ બેંક આગામી ધિરાણનીતિની બેઠકમાં વ્યાજદર વધારે તેવી આશંકા વધી ગઇ છે.
મોંઘવારી દર 15 મહિનાની ટોચે, જુલાઇમાં ઇન્ફ્લેશન રેટ વધીને 7.44 ટકા થયો
સરકારી વિભાગ દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા અનુસાર જુલાઈ મહિનામાં રિટેલ મોંઘવારી દર રોકેડ ગતિ વધીને 7.44 ટકા થયો છે, જે તેના અગાઉ જૂન મહિનામાં આ દર 4.81 ટકા હતો. આ અગાઉ એપ્રિલ 2022માં દેશમાં રિટેલ ઇન્ફ્લેશન વધીને 7.79 ટકા થયો હતો.
મોંઘવારી દર ધારણા કરતા ઉંચો આવ્યો
ન્યૂઝ એજન્સી રોઈટર્સના સર્વે અનુસાર 53 અર્થશાસ્ત્રીઓને જુલાઈમાં રિટેલ ફુગાવાનો દર 6.40 ટકા રહેવાનો અંદાજ હતો, પરંતુ સોમવારે જાહેર કરાયેલા ઇન્ફ્લેશનના આંકડા અંદાજ કરતા ઘણા ઉંચા આવ્યા છે. જુલાઈ મહિનામાં રિટેલ મોંઘવારી દર ગ્રામીણ વિસ્તારોમાં 7.63 ટકા અને શહેરી વિસ્તારોમાં 7.20 ટકા નોંધાયો છે.
ટામેટા અને શાકભાજીના ભાવમાં તોતિંગ વધારાથી મોંઘવારી દર વધ્યો

મોંઘવારી દર વધવા પાછળનું મુખ્ય કારણ ટામેટા સહિતની શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો છે. દેશભરમાં ટામેટાના ભાવ વધીને આસમાને પહોંચ્યા છે. મુખ્ય શહેરોમાં ટામેટાના ભાવ વધીને 150-250 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે. સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર જુલાઈમાં છૂટક ફુગાવામાં આ ઉછાળાનું મુખ્ય કારણ શાકભાજી, ફળો અને કઠોળના ભાવમાં થયેલો જંગી વધારો છે.
જુલાઇમાં ફૂડ ઇન્ફ્લેશન 11.51 ટકા થયો
આંકડા અનુસાર જુલાઇ મહિનામાં ફૂડ ઇન્ફ્લેશન એટલે ખાદ્યચીજોનો ફુગાવાનો દર જુલાઈમાં 11.51 ટકા થયો છે,જે જૂનમાં 4.55 ટકા અને જુલાઈ 2022માં 6.69 ટકા હતો. નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસ (NSO) દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા દર્શાવે છે કે આ સમયગાળા દરમિયાન શાકભાજીના ભાવમાં વાર્ષિક 37.43 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે અનાજ અને તેના ઉત્પાદનોના ભાવમાં 13 ટકાનો વધારો થયો હતો. સોમવારે જારી કરાયેલા આંકડા મુજબ શાકભાજીનો ગ્રાહક ભાવાંક જૂનમાં 181.1થી વધીને જુલાઇમાં 250.1 થયો છે. કુલ રિટેલ મોંઘવારી દરમાં શાકભાજીનું વેઇટેજ 6.04 ટકા છે.
લોન મોંઘી થવાની આશંકા, RBI પર વ્યાજદર વધારવાનું દબાણ વધશે

લાર્સન એન્ડ ટુબ્રો ગ્રૂપના ચીફ સચ્ચિદાનંદ શુક્લાએ જણાવ્યું હતું કે રિટેલ ફુગાવાનો દર 7.44 ટકા સુધી પહોંચવું, તે બાબત દર્શાવે છે કે વ્યાજદરના મામલે રિઝર્વ બેંકનો સાવચેતીભર્યો અભિગમ યોગ્ય વ્યૂહરચના છે. તેમણે કહ્યું કે ભારતમાં મોંઘવારી દર આગામી દિવસોમાં વધુ ઉંચે જવાની શક્યતાને નકારી શકાય નહીં.
આ પણ વાંચો | અદાણીના શેરમાં રોકાણકારોને એક જ દિવસમાં 26000 કરોડનું નુકસાન
સરકારે રિઝર્વ બેન્કને રિટેલ મોંઘવારી દરને 4 થી 6 ટકાની વચ્ચે જાળવી રાખવાનો ટાર્ગેટ આપ્યો છે. સ્વાભાવિક છે કે જુલાઈના આંકડાઓ આવ્યા બાદ વ્યાજદરના સંદર્ભમાં આરબીઆઈ પર દબાણ વધુ વધશે. દેશમાં રિટેલ ફુગાવા દર મે મહિનામાં 4.25 ટકા હતો, જે બે વર્ષની નીચી સપાટી હતી, તો એપ્રિલમાં તે 4.7 ટકા હતો.





