ગુજરાત ચૂંટણી 2022: મોંઘવારી માથે ચડી, દેશમાં અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં ફુગાવાનો દર ઊંચો

Inflation Impcat on Elections : ભૂતકાળમાં ચૂંટણી (Elections) વખતે મોંઘવારી (Inflation) મુખ્ય મુદ્દો રહ્યો છે. મતદાતાઓની માનસિકતા પર મોંઘવારીની થતી અસર ચૂંટણી પરિણામોમાં પણ સ્પષ્ટપણે દેખાઇ આવે છે.

Written by Ajay Saroya
October 14, 2022 21:54 IST
ગુજરાત ચૂંટણી 2022: મોંઘવારી માથે ચડી, દેશમાં અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં ફુગાવાનો દર ઊંચો

શું મોંઘવારી આગામી મહિને બે રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મોટો મુદ્દો બની રહેશે? મહામારીમાંથી માંડ માંડ બહાર નીકળ્યા બાદ હાલ લોકો મોંઘવારી વચ્ચે પિસાઇ રહ્યા છે. સપ્ટેમ્બર મહિનાનો રિટેલ ઇન્ફ્લેશન 7.41 ટકા નોંધાયો છે, જે છેલ્લા પાંચ મહિનાનો સૌથી ઉંચો મોંઘવારી દર હોવાની સાથે સાતે સતત 9માં મહિને તે રિઝર્વ બેન્કના લક્ષ્યાંક કરતા ઉંચો આવ્યો છે.

ભૂતકાળ તરફ નજર કરીયે તો મોંઘવારી એ ચૂંટણી ટાણે મુખ્ય મુદ્દો બની રહ્યો છે. મોંઘવારીની મતદાતાઓની માનસિકતા પર અસર થતી હોય છે અને તેની અસર ચૂંટણી પરિણામો પર સ્પષ્ટપણે દેખાઇ આવે છે.

આમ ઉંચો મોંઘવારી દર સામાન્ય લોકો અને રિઝર્વ બેન્કની સાથે સાથે સરકાર સામે પણ મોટી સમસ્યા બનીને ઉભો છે કારણ કે તે આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં પણ મોટો મુદ્દો બની શકે છે. હિમાચલ પ્રદેશમાં વિધાનસભાના ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થઇ ગઇ છે અને ઓકટોબર મહિના અંતમાં કે નવેમ્બરમાં ગમે ત્યારે ગુજરાતની વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઇ શકે છે. તો ચાલો જાણીયે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં મોંઘવારી વિશે…

આ પણ વાંચોઃ હિમાચલ સાથે ગુજરાતની ચૂંટણીની તારીખો કેમ જાહેર ન કરવામાં આવી? CECનો જવાબ

દેશના રાષ્ટ્રીય સરેરાશ કરતા ગુજરાતમાં મોંઘવારી દર ઉંચો

સપ્ટેમ્બર મહિનાના મોંઘવારી દરના આંકડા બહુ જ ચિંતાજનક આવ્યા છે. કેન્દ્રીય આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરાયેલ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત રિટેલ ફુગાવાના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં છુટક મોંઘવારીનો દર સપ્ટેમ્બર મહિનામાં 7.95 ટકા હતો, જે ભારતના સરેરાશ 7.41 ટકાના રિટેલ ઇન્ફ્લેશન કરતા ઘણો વધારે છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં મોંઘવારી દર 4.54 ટકા નોંધાયો છે જે દેશના સરેરાશ ઇનફ્લેશન રેટ કરતા નીચો છે.

હકીકતમાં હિમાચલ પ્રદેશનો રિટેલ ફુગાવાનો આંકડો ચાલુ વર્ષે સપ્ટેમ્બર દરમિયાન દેશના તમામ રાજ્યોમાં સૌથી ઓછો છે. માત્ર દિલ્હીમાં જ હિમાચલ પ્રદેશ કરતાં ઓછો 4.03 ટકા ફુગાવો નોંધાયો છે.

મોંઘવારી બેફામ - જાણો શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવાના હાલ

ગ્રામીણ અને શહેરી વિસ્તારની દ્રષ્ટિએ જોઇએ તો ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં સપ્ટેમ્બર મહિનાનો છુટક મોંઘવારીનો દર 8.31 ટકા નોંધાયો છે જ્યારે રાજ્યના શહેરી વિસ્તારોમાં તે 7.68 ટકા આવ્યો છે. એટલે કે ગુજરાતના શહેરી વિસ્તારો કરતા ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારીની સમસ્યા વધારે વિકટ છે.

આ પણ વાંચોઃ એબીપી-સી વોટર ઓપિનિયન પોલ : હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામનો ટ્રેન્ડ બદલાશે

તેવી જ રીત હિમાચલ પ્રદેશની વાત કરીયે તો ત્યાંના ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે સપ્ટેમ્બર મહિનાનો રિટેલાા ઇનફ્લેશન રેટ અનુક્રમે 4.24 ટકા અને 5.76 ટકા નોંધાયો છે, જે ગુજરાત કરતા તદ્દન વિપરીત છે.

સપ્ટેમ્બર મહિનામાં ભારતના ગ્રામીણ વિસ્તારનો મોંઘવારી દર 7.56 ટકા અને શહેરી વિસ્તારમાં ઇનફ્લેશન રેટ 7.27 ટકા નોંધાયો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ