Himachal Pradesh Elections 2022 : હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી-2022નો કાર્યક્રમ ચૂંટણી પંચે જાહેર કરી દીધો છે. 12 નવેમ્બરે વોટિંગ થશે અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. આ દરમિયાન 14 ઓક્ટોબરે એબીપી અને સી વોટરે એક ઓપિનિયન પોલનું પરિણામ જાહેર કર્યું છે. તે પ્રમાણે આ વખતે હિમાચલ પ્રદેશ એસેમ્બલી ઇલેક્શનમાં લગભગ 37 વર્ષનો ટ્રેન્ડ બદલી શકે છે. બીજેપીની સત્તામાં વાપસી થઇ શકે છે. રાજ્યમાં 1985 પછી એક પાર્ટીની સત્તામાં ફરી વાપસી થઇ હોય તેવું ભાગ્જે જ જોવા મળ્યું છે.
ઓપિનિયન પોલ – કોને મળશે કેટલી સીટો
હિમાચલ પ્રદેશમાં કુલ 68 સીટો છે. બહુમત મેળવવા માટે 35 સીટોની જરૂર છે. ઓપિનિયન પોલ પ્રમાણે બીજેપીના ખાતામાં 38થી 46 સીટો આવી શકે છે. કોંગ્રેસના ખાતામાં 20થી 28 સીટો આવવાનો અંદાજ છે. જ્યારે આપના ખાતામાં ફક્ત 1 સીટ આવી રહી છે. જો બહુમત કોઇ પાર્ટીને ના આવે તો અપક્ષો પણ સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમના ખાતામાં 3 સીટો આવી શકે છે.
ગત ચૂંટણીમાં બીજેપીનો ભવ્ય વિજય થયો હતો. તેને 68માંથી 44 સીટો મળી હતી. આ વખતે પણ ગત વખતની આસપાસ સીટો મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસને પણ ગત વખતની જેમ 21 સીટોની આસપાસ નંબર્સ આવવાનો અંદાજ છે.
આ પણ વાંચો – ગુજરાત વિધાનસભા ચૂંટણી : નરેન્દ્ર મોદીના પીએમ બન્યા પછી ત્રણ સીએમ બનાવી ચુકી છે ભાજપા, સીટો 115માંથી થઇ ગઇ 99
ઓપિનિયન પોલ – કોને કેટલા ટકા મત
ઓપિનિયન પોલ પ્રમાણે બીજેપીને આ ચૂંટણીમાં 46 ટકા વોટ મળવાનો અંદાજ છે. તેની પાસે સૌથી વધારે વોટ શેર જઇ રહ્યા છે. કોંગ્રેસ પાસે 35.2 ટકા વોટ શેર જઇ શકે છે. અરવિંદ કેજરીવાલની પાર્ટીએ ભલે પંજાબમાં બમ્બર સીટ મેળવીને સરકાર બનાવી હોય પણ પડોશના રાજ્યમાં તેની અસર જોવા મળી રહી નથી. જોકે કેજરીવાલ માની રહ્યા છે કે પંજાબની અસર પડોશી રાજ્ય હિમાચલ સુધી જરૂર પહોંચશે.
પંજાબના સીએમ ભગવંત માન સાથે કેજરીવાલે હિમાચલના ઘણા પ્રવાસ કર્યા છે. પોલ પ્રમાણે આપને 6.3 ટકા વોટ મળવાનો અંદાજ છે. અન્યના ખાતામાં 12.5 ટકા વોટ જઇ શકે છે.