Israel Palestine conflict : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ ચાલુ છે. અત્યાર સુધીમાં બંને પક્ષે મૃત્યુઆંક 1000થી વધુ થઈ ગયો છે. સમગ્ર વિશ્વની નજર આ યુદ્ધ પર છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો તેમના ફોન કોલ માટે આભાર માનતા ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તે ઈઝરાયેલ સાથે સંપૂર્ણ રીતે ઉભા રહેવાની વાત કરી રહ્યા છે.
પીએમ મોદીએ લખ્યું કે હું વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનો આભાર માનું છું, ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઈઝરાયેલની સાથે મજબૂતીથી ઉભા છે. ભારત આતંકવાદના બધા રૂપોની કડક અને સ્પષ્ટપણે નિંદા કરે છે.
ભારતનું સ્ટેન્ડ શું છે?
હમાસના ઈઝરાયેલ પર રોકેટ હુમલા અને ઈઝરાયેલની પ્રતિક્રિયા બાદ દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. આ સંજોગોમાં ભારત રાજદ્વારી રીતે મુશ્કેલ પરિસ્થિતિમાં છે. આ એવા સમયે આવ્યું છે જ્યારે નવી દિલ્હી પ્રાદેશિક જોડાણો અને રાજદ્વારી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપીને મધ્ય પૂર્વમાં મોટી ભૂમિકા માટે જોર આપી રહ્યું છે. આ મુદ્દે પીએમ મોદી પહેલા જ પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. શનિવારના રોજ ઇઝરાયેલના શહેરો પર હમાસના રોકેટ હુમલાના અહેવાલો વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે તેઓ આતંકવાદી હુમલાના સમાચારથી આઘાત અનુભવે છે. તેમણે લખ્યું કે અમારી સંવદનાઓ અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ સમયમાં ઇઝરાયેલ સાથે એકજુટતા સાથે ઊભા છીએ.
વિદેશ મંત્રાલય તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. વિદેશ મંત્રી એસ જયશંકર અને મંત્રાલયના હેન્ડલ પરથી માત્ર વડાપ્રધાનના ટ્વિટને રીટ્વિટ કરવામાં આવ્યું છે. આ બાબતે વિશ્વ બે ભાગમાં વહેંચાઇ ગઇ છે. એક ભાગ હમાસના હુમલાની જોરદાર નિંદા કરી રહ્યો છે જ્યારે બીજો ભાગ પેલેસ્ટાઈન પર ઈઝરાયેલના કબજા અને તેમના અધિકારોના ઉલ્લંઘનની વાત કરી રહ્યો છે.
ભારત સિવાય એશિયામાં આ મુદ્દે ચીને કહ્યું છે કે તે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના તણાવ અને હિંસાથી ખૂબ જ ચિંતિત છે. તેલ અવીવ અને બેઈજિંગ વચ્ચે કોઈ ચોક્કસ દ્વિપક્ષીય સમસ્યાઓ નથી. બેઈજિંગે વેસ્ટ બેંક પૂર્વ જેરુસલેમમાં ઈઝરાયેલની બાંધકામ પ્રવૃત્તિઓનો વિરોધ કર્યો છે. પાકિસ્તાને પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું છે. આવી સ્થિતિમાં ભારતનો સ્પષ્ટ અભિપ્રાય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.





