Israel Hamas War : પીએમ નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમુદ અબ્બાસ સાથે વાતચીત કરી છે. પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમુદ અબ્બાસ સાથે વાત કરીને ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં નાગરિકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે પેલેસ્ટિનિયન લોકો માટે માનવીય સહાય મોકલવાનું ચાલુ રાખીશું. PM નરેન્દ્ર મોદી પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ સાથેની વાતચીતમાં મિડલ ઇસ્ટમાં આતંકવાદ, હિંસા અને બગડતી સુરક્ષા સ્થિતિ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેમણે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દા પર ભારતની લાંબા સમયથી ચાલી આવેલી સૈદ્ધાતિક સ્થિતિને દોહરાવી હતી.
બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક ઇઝરાયેલ પહોંચ્યા
બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક ઇઝરાયેલ પહોંચ્યા પછી પીએમ બેન્જામિન નેતન્યાહુ સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે તે પુરી રીતે ઇઝરાયેલ સાથે ઉભા છે. એક દેશ જે હાલના સમયે દુખમાં છે, હું પણ તમારા દુખમાં દુખી છું અને આતંકવાદ સાથેની લડાઇમાં તમારી સાથે છું.
આ પણ વાંચો – માત્ર ધમકી કે થશે ભીષણ જંગ? ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં ઈરાનની ભૂમિકાનું વિશ્લેષણ
ભારતીય વિદેશ મંત્રાલયે શું કહ્યું
આ પહેલા ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું હતું કે ભારત નાગરિક જાનહાનિ અને માનવીય સ્થિતિ અંગે ચિંતિત છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે અમે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું કડક પાલન કરવાની વિનંતી કરીએ છીએ. પેલેસ્ટાઇનના મુદ્દા પર તેમણે કહ્યું કે ભારતે બે રાષ્ટ્રના સમાધાન માટે સીધી વાતચીતની તરફેણમાં પોતાનું વલણ યથાવત્ રાખ્યું છે.
જો બાઈડેન સહિત અમિરાકાના ઘણા નેતાઓ ઈઝરાયેલ પહોંચ્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સહિત તેમના ઘણા નેતાઓ વારાફરતી ઈઝરાયેલ પહોંચ્યા હતા. આ તમામે એક સૂરમાં ઈઝરાયેલને સમર્થન આપવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે 7 ઓક્ટોબરના રોજ ગાઝાથી હમાસના આતંકવાદીઓ દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા અણધાર્યા હુમલાથી મધ્ય પૂર્વમાં યુદ્ધ છેડાઈ ગયું છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર સંઘર્ષ શરૂ થયા પછી ગાઝામાં 3,300 થી વધુ લોકો માર્યા ગયા છે અને 12,000 થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. ઈઝરાયેલમાં લગભગ 1400 લોકોના મોત થયા છે અને 3800 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
ઈઝરાયેલ સામેનો સૌથી મોટો પડકાર
હાલ ગાઝા પાસે લગભગ ત્રણ લાખ ઈઝરાયેલ સૈનિકો ઉભા છે. ગાઝામાં તેમનો પ્રવેશ ગમે ત્યારે શક્ય માનવામાં આવે છે. પરંતુ હમાસની રણનીતિને જોતા ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલનો પ્રવેશ આત્મઘાતી સાબિત થઈ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે હમાસે વિવિધ સ્થળોએ જમીન પર લેન્ડમાઈનોનું નેટવર્ક બિછાવી દીધું છે. તે એટલું ખતરનાક છે કે તેમાં એક પગથિયું પડતાની સાથે જ એક સાથે અનેક જીવનનો નાશ થઈ શકે છે.





