Israel Hamas War : ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ વચ્ચે ખરાબ રીતે પ્રભાવિત થયેલા પેલેસ્ટાઈનના ગાઝામાં ભારતે માનવીય મદદ મોકલી છે. પેલેસ્ટાઇનના લોકો માટે આશરે 6.5 ટન તબીબી સહાય અને 32 ટન આપદા રાહત સામગ્રી લઈને આઈએએફ સી -17 ફ્લાઇટ રવિવારે ઇજિપ્તના ઇ-અરિશ એરપોર્ટ માટે રવાના થઇ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક્સ (X) પર એક પોસ્ટમાં લખ્યું છે કે ભારતે પેલેસ્ટાઇનના લોકો માટે સહાય મોકલી છે. પેલેસ્ટાઇનના લોકો માટે આશરે 6.5 ટન તબીબી સહાય અને 32 ટન આપત્તિ રાહત સામગ્રી લઇને આઈએએફ સી -17 ફ્લાઇટ રવિવારે ઇજિપ્તના ઇ-અરિશ એરપોર્ટ માટે રવાના થઈ છે.
શું-શું મોકલવામાં આવ્યું છે?
ભારત સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારત તરફથી પેલેસ્ટાઈન મોકલવામાં આવતી સામગ્રીમાં જીવનરક્ષક આવશ્યક દવાઓ, સર્જિકલ વસ્તુઓ, તંબુઓ, સ્લીપિંગ બેગ, તાડપત્રી, સેનિટરી યુટિલિટીઝ, પાણી સાફ કરવાની દવાઓ અને અન્ય આવશ્યક ચીજોનો સમાવેશ થાય છે. રફા બોર્ડર ખુલ્યા બાદ આ મદદ મોકલવાની શરૂઆત થઈ ગઈ છે. પ્રથમ ટ્રક બે દિવસ પહેલા ગાઝા આવ્યા હતા. અહીં અત્યાર સુધીમાં 20 ટ્રક આવી ચૂક્યા છે.
આ પણ વાંચો – ડ્રગ્સનો હેવી ડોઝ લીધા બાદ હમાસે ઈઝરાયેલ પર કર્યો હતો હુમલો, ખિસ્સામાંથી નશીલી દવાઓ મળી
હાલ શું છે સ્થિતિ?
તાજેતરના અહેવાલો અનુસાર હમાસનું કહેવું છે કે રાતોરાત ઇઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 55 લોકો માર્યા ગયા છે. સત્તાવાર વફા ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર ઇઝરાયેલી દળોએ કબજા હેઠળના વેસ્ટ બેન્કમાં ઓછામાં ઓછા 52 પેલેસ્ટાઇનીઓની ધરપકડ કરી છે, જેમાં ગાઝા પટ્ટીના કાર્યકરોનો પણ સમાવેશ થાય છે. પેલેસ્ટાઇન સંચાલિત એજન્સીએ કહ્યું છે કે રવિવારની ધરપકડ મુખ્યત્વે રામલ્લા, હેબ્રોન અને જેનિન સહિત અન્ય વિસ્તારોમાં થઈ હતી. આ પહેલા સવારે એજન્સીએ અટકાયતમાં લેવાયેલા પેલેસ્ટીનીઓની સંખ્યા 40 જણાવી હતી.
કબજા હેઠળના વેસ્ટ બેન્કમાં જેનિનમાં એક મસ્જિદ પર થયેલા હુમલા બાદ તણાવપૂર્ણ સ્થિતિ છે. ઇઝરાયેલનું કહેવું છે કે મસ્જિદનો ઉપયોગ હમાસ અથવા ઇસ્લામિક જેહાદના સભ્યો દ્વારા કરવામાં આવી રહ્યો રહ્યો હતો. પેલેસ્ટાઇનના અધિકારીઓનું કહેવું છે કે આ હુમલામાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા છે અને ત્રણ ઇજાગ્રસ્ત થયા છે.





