ISRO Aditya L1 mission : ભારતના સોલર મિશન આદિત્ય-એલ1એ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ મંગળવારે જણાવ્યું હતું કે આદિત્ય-એલ1ના પેલોડ એચઇએલઇઓએસએ સૌર જ્વાળાઓની પ્રથમ હાઇ એનર્જી એક્સ-રે ઇમેજ કેપ્ચર કરી છે.
ઇસરોએ X પર માહિતી પોસ્ટ કરી
ઇસરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે 29 ઓક્ટોબર 2023 ના રોજ સવારે લગભગ 12:00 થી 22:00 યુટી સુધીના તેના પ્રથમ ઓબ્ઝર્વેશન પીરિયડ દરમિયાન, આદિત્ય -એલ 1 બોર્ડ પર હાઇ એનર્જી એલ 1 ઓર્બેટિંગ એક્સ-રે સ્પેક્ટ્રોમીટરે સૌર જ્વાળાઓનો ચરણને રેકોર્ડ કર્યા છે. રેકોર્ડ કરવામાં આવેલા ડેટા NOAA (National Oceanic and Atmospheric Administration) ના GOES (Geostationary Operational Environmental Satellites) તરફથી પ્રદાન કરાયેલા X-ray Light Curves ના અનુરુપ છે.
ઇસરોના જણાવ્યા અનુસાર HEL1OS સૂર્યની હાઇ એનર્જી એક્સ-રે પ્રવૃત્તિ પર નજર રાખવા માટે તૈયાર છે. જેમાં ઝડપી સમય અને હાઇ-રિઝોલ્યુશન સ્પેક્ટ્રા છે. HEL1OS ડેટા સંશોધનકારોને સોલર ફ્લેયર્સના આવેગપૂર્ણ તબક્કાઓ દરમિયાન થતી વિસ્ફોટક ઉર્જા અને ઇલેક્ટ્રોનનો અધ્યયન કરવામાં મદદગાર સાબિત થઇ શકે છે.
આ પણ વાંચો – 2025 સુધીમાં શનિના વલયો કેમ અદૃશ્ય થઈ જશે? જાણો તેની પાછળનું કારણ
સૂર્યનો અભ્યાસ કરવા માટે અંતરિક્ષમાં મોકલવામાં આવેલા ઇસરોના પ્રથમ અંતરિક્ષ મિશન આદિત્ય એલ1એ પોતાનો વૈજ્ઞાનિક પ્રયોગ શરૂ કરી દીધો છે. આ અગાઉ સપ્ટેમ્બરમાં રિમોટ સેન્સિંગ પેલોડ્સે પૃથ્વીથી 50,000 કિલોમીટરથી વધુ દૂર સુપરથર્મલ આયન અથવા અત્યંત ઊર્જાવાન કણો અને ઇલેક્ટ્રોનને માપવાનું શરૂ કર્યું હતું.
2 સપ્ટેમ્બરે આદિત્ય એલ-1 મિશન લોન્ચ થયું હતું
2 સપ્ટેમ્બરે શરૂ કરવામાં આવેલા આદિત્ય-એલ1 મિશનનો હેતુ સૂર્યના પ્રકાશમંડળ, ક્રોમોસ્ફિયર અને કિરણોનું અધ્યયન કરવાનું છે. તે અંતરિક્ષ હવામાનની ગતિશીલતા અને કણો અને ક્ષેત્રોના ફેલાવાની પણ તપાસ કરશે. આદિત્ય એલ-1માં આવેલા 7 પેલોડ્સમાં સૂર્યમાંથી નીકળતા વિવિધ કિરણોનો અભ્યાસ કરવામાં આવશે. આદિત્ય એલ-1 સૂર્યના કિરણોથી નીકળતી ગરમી અને ગરમ પવનોનો પણ અભ્યાસ કરશે. ઇસરો આ મિશનની મદદથી સૌર વાતાવરણને સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે.





