Chandrayaan 3 mission Landing successful : ઈસરોના ચંદ્રયાન 3 મિશનને અદભૂત સફળતા પ્રાપ્ત થઈ છે. ભારતનું મૂન મિશન ચંદ્રયાન 3 સફળ થયું છે. ચંદ્રની ધરતી પર વિક્રમ લેન્ડરે સોફ્ટ લેન્ડિંગ કરતા જ ભારતે ઈતિહાસ રચી દીધો છે. તમને જણાવી દઈએ કે, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક પહોંચવાનો રેકોર્ડ ભારતના નામે થઈ ગયો છે. ઈસરોએ ચંદ્રયાન 3 ને ઓછા ખર્ચે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતારી દીધુ છે. હવે વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવરને બહાર કાઢવામાં આવશે, જે ચંદ્રની સપાટી પરથી નમૂના એકત્ર કરી સંશોધન માટે ડેટા લેન્ડરને મોકલશે.
ચંદ્રયાન 3 મિશન સફળ
ચંદ્રયાન 3 મિશન સફળ થયું છે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઈસરોએ નિયત સમયે વિક્રમ લેન્ડરને સફળતા પૂર્વક ચંદ્રની ધરતી પર ઉતરાણ કરાવ્યું છે. મૂન મિશન ચંદ્રયાન 3 ની સફળતા ભારત માટે ખુબ મહત્તવની છે. કારણ કે, આ મિશનની સફળતાનો શ્રેય પુરા વિશ્વમાં ભારતને મળ્યો છે. ભારત ચંદ્રમાના દક્ષિણ છેડે ઉતરનાર પ્રથમ દેશ બની ગયો છે. આ પહેલા પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચવાનો કેટલાક દેશોએ પ્રયત્ન કર્યો છે, પરંતુ તેમને નિષ્ફળતા મળી છે. પરંતુ, ઈસરોએ આ કારનામું કરી વિશ્વમાં ભારતનો ડંકો વગાડી ભારતવાસીઓને ગર્વ અપાવ્યો છે.
વિક્રમ લેન્ડરનું સફળ લેન્ડિંગ, હવે શું?
ઈસરોએ સપળતાપૂર્વક વિક્રમ લેન્ડર લેન્ડીંગ કરાવી દીધુ છે. વૈજ્ઞાનિકો અને તેમની ટીમની મહેનત રંગ લાવી છે, હવે વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતી પર ચાર-પાંચ કલાક શાંત ઉભુ રહેશે, ધૂળ, કે બરફની ઉડેલી ડમરીઓ શાંત થાય તેની રાહ જોવામાં આવશે, ત્યારબાદ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર આવશે, અને ઈસરો દ્વારા આપવામાં આવતા કમાન્ડ દ્વારા તેની કામગીરી શરૂ કરશે.
પ્રજ્ઞાન રોવર શું કામ કરશે?
પ્રજ્ઞાન રોવર ઈસરો કમાન્ડ આપશે તેમ તેની કામગીરી શરૂ કરશે. તે ચંદ્રની દરતી પર આસપાસ ફરીને ચંદ્ર પરથી વિવિધ નમૂના લેશે, અને તેનો અભ્યાસ કરશે. પ્રજ્ઞાન રોવર ચંદ્રના 1 દિવસ એટલે પૃથ્વીના 14 દિવસ સુધી સંશોધન કરશે. આ રોવર ચંદ્રની હવા, પાણી, કેમિકલ્સ, રસાયણો અને અન્ય ખનીજોનું એનાલિસિસ કરી ડેટા તથા માહિતી ઈસરોને મોકલશે. ચંદ્રની ધરતી પર અને ખડકોમાંથી મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પોટેશિયમ, સિલિકોમ, કેલ્સિયમ, ટાઈટેનિયમ, આયર્ન તથા હિલિયમ જેવા ખનીજોની શોધ કરવામાં આવશે.
આ પણ વાંચો – Chandrayaan-3 Update : ચંદ્રયાન-3 મિશનમાં આ વૈજ્ઞાનિકોનું મહત્ત્વનું યોગદાન, આ ટીમ છે જે ઈતિહાસ રચવા જઈ રહી
ચંદ્રનો દક્ષિણ ભાગ કેમ પસંદ કરાયો
ચંદ્ર પરના અત્યાર સુધીના તમામ મિશન ચંદ્રની ઉત્તર તરફ થયેલા છે. ભારત એવો પ્રથમ દેશ છે જેણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચવામાં સફળતા પ્રાપ્ત કરી છે. તમને જણાવી દઈએ કે, અવકાશમાંથી લેવામાં આવેલી તસવીરો અને એનાલિસિસ બાદ એવી સક્યતા છે કે, ચંદ્રના દક્ષિણ ભાગમાં મોટા પ્રમાણમાં પાણી અને ખનીજનો જથ્થો રહેલો છે. અહીં તાપમાન માઈનસમાં 230 ડીગ્રી સુધી જાય છે, એટલે બરફના પહાડો હોઈ શકે છે, જેથી પાણી મળવાનો વિકલ્પ છે.
જો અહીં સીધી જમીન અને પાણી મળે તો માનવ વસવાટ અથવા માનવ સાથે ચંદ્ર અભિયાન શક્ય બનાવી શકાય છે. નાસાના અભ્યાસ અનુસાર, આ બાજુ મોટી માત્રામાં હિલિયમ ખનીજનો જથ્થો છે, જો આ મળી આવે તો, તેને પૃથ્વી પર લાવી ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોત ઉભા કરી શકાય, અને પૃથ્વીની ઉર્જાની અછત દૂર કરી શકાય.