Chandrayaan 3 Landing : ભારતના ચંદ્રયાન 3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં પહોંચીને ઇતિહાસ રચી દીધો છે. લેન્ડર વિક્રમે ચંદ્ર પર પહોંચતા જ પોતાનું કામ શરુ કરી દીધું છે. વિક્રમે લેન્ડ થતા સમયની તસવીરો મોકલી છે. લેન્ડર અને MOX-ISTRAC, બેંગલુરુ વચ્ચે સંચાર લિંક સ્થાપિત કરી લેવામાં આવી છે. આ તસવીર લેન્ડર હોરિઝોન્ટલ વેલોસિટી કેમેરાથી લેવામાં આવી છે.
ભારત ચંદ્ર પર ઉતરવાની સફળતા મેળવનાર વિશ્વનો ચોથો દેશ બની ગયો. આ સાથે જ ભારત દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર દુનિયાનો પ્રથમ દેશ બની ગયો છે, કારણ કે અત્યાર સુધી ચંદ્ર પર ગયેલા તમામ મિશન ચંદ્રના વિષુવવૃત્તથી ઉત્તર અથવા દક્ષિણમાં અમુક અંશે અક્ષાંશ પર ઉતર્યા છે. ઈસરોની આ સફળતા પર વડાપ્રધાન મોદી સહિત તમામ દેશવાસીઓએ ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે.
ચંદ્રયાનના સફળ લેન્ડિંગ બાદ ઈસરોએ ટ્વિટ કરીને લખ્યું કે ભારત, હું મારી મંજિલ પર પહોંચી ગયો છું અને તમે પણ. ચંદ્રયાન-3એ સફળતાપૂર્વક ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. અભિનંદન ભારત.
આ પણ વાંચો – ચંદ્રયાન 3 સફળ, હવે સૂર્ય મિશન આદિત્ય એલ1 લોન્ચ કરાશે, ઈસરો બનાવશે ‘સૂર્યયાન’
આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદનો છે – પીએમ મોદી
ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મારા પ્યારા પરિવારજનો, આપણે આંખોની સામે આવી ઐતિહાસિક ઘટનાઓ જોઇ છે, આ ક્ષણ અવિસ્મણીય છે, ક્ષણ અભૂતપૂર્વ છે. આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદનો છે. આ ક્ષણ નવા ભારતના જયઘોષનો છે. આ ક્ષણ મુશ્કેલીના મહાસાગરને પાર કરવાનો છે. આ ક્ષણ જીતના ચંદ્ર પથ પર ચાલવાનો છે, આ ક્ષણ 140 કરોડો ધડકનના સામર્થ્યની છે. આ ક્ષણ નવી ઉર્જા,વિશ્વાસ અને નવી ચેતનાની છે. આ ક્ષણ ભારતના ઉદયમાન ભાગ્યના આહ્વાનનો છે.
પીએમ મોદીએ સૂર્ય મિશન આદિત્ય એલ1ની કરી જાહેરાત
પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં ચંદ્રયાન 3ની સફળતા વિશે વાત કરી ઈસરોના આગામી સૂર્ય મિશન માટેની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી બાળકો ગીત ગાતા હતા, ‘ચંદા મામા દુર કે’, હવે ભવિષ્યમાં ગાશે ‘ચંદા મામા ટુર હૈ’. તેમણે કહયું ભારત આટલે અટકશે નહીં, હવે ભારત બ્રહ્માંડને સમજવા વધુ ને વધુ અભ્યાસ ચાલુ રાખશે. આ અંતર્ગત હવે સૂર્યનો અભ્યાસ કરવા સૂર્ય મિશન આદિત્ય એલ1 માટે પુર જોશમાં તૈયારીઓ ચાલી રહી છે.