ISRO Commercial Satellite Launch : ઇસરોએ અવકાશમાં વધુ એક કિર્તીમાન સ્થાપિત કર્યો છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) આજે 30 જુલાઇના રોજ એક સાથે સાથે સેટેલાઇટનું સફળતા પૂર્વક લોન્ચિંગ કરીને અવકાશ ક્ષેત્રે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ઇસરોએ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી સિંગાપુરના 7 ઉપગ્રહો લોન્ચ કર્યા. PSL-C56 રોકેટ દ્વારા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા હતા. ચંદ્રયાન 3ના બાદ એક મહિનાથી પણ ઓછા સમયમાં ઇસરો દ્વારા આ બીજું સેટેલાઇટ લોન્ચિંગ છે.
ઇસરોએ સિંગાપુર માટે 7 સેટેલાઇટ લોન્ચ કર્યા
ઇસરોએ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી એક સાથે સિંગાપુર માટે 7 સેટેલાઇટ લોન્ચ કર્યા છે. ISRO દ્વારા કહેવામાં આવ્યું છે કે આ મિશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. PSLV-C56 એ તમામ સાત ઉપગ્રહોને તેમની ભ્રમણકક્ષામાં સચોટ રીતે લોન્ચ કર્યા છે. આ મહિને બહુપ્રતિક્ષિત ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ પછી, તે ISROનું બીજું સમર્પિત મિશન છે, જેનું સંચાલન તેના વ્યાવસાયિક વિભાગ ‘ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ’ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
તમામ સેટેલાઇટ ભ્રમણકક્ષામાં સ્થાપિત – ઇસરો
તમામ સાત ઉપગ્રહોને PSLV-C56 રોકેટ દ્વારા રવિવારે સવારે 6.30 વાગ્યે ISROના શ્રીહરિકોટા સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યા હતા. ઈસરોએ જણાવ્યું કે લોન્ચિંગના લગભગ 23 મિનિટ પછી મુખ્ય ઉપગ્રહ રોકેટથી અલગ થઈ ગયો અને તે પછી 6 અન્ય ઉપગ્રહો પણ અલગ થઈ ગયા અને તેમની સંબંધિત ભ્રમણકક્ષામાં સ્થાપિત થઈ ગયા. ઉપગ્રહોને નિયુક્ત ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મૂકવા પર, ISROએ ટ્વિટ કર્યું કે “PSLV-C56/DS-SAR મિશન સફળતાપૂર્વક પૂર્ણ થયું”. PSLV-C56 પ્રક્ષેપણ વાહને તમામ સાત ઉપગ્રહોને તેમની નિયુક્ત ભ્રમણકક્ષામાં મૂક્યા. આ કોન્ટ્રાક્ટ માટે ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ અને સિંગાપોરનો આભાર.
સિંગાપુરની સરકાર આ ઉપગ્રહોનો ઉપયોગ કરશે
જુલાઇ મહિનામાં મહત્વકાંક્ષી ચંદ્રયાન-3 લોન્ચ કર્યા પછી ઇસરોએ એક સાથે સાત સેટેલાઇટ લોન્ચ કર્યા છે. ઇસરોએ માહિતી આપી હતી કે 360 કિલો વજન ધરાવતો DS-SAR ઉપગ્રહ DSTA એ સિંગાપુર સરકારના છે અને ST એન્જિનિયરિંગ, સિંગાપુર વચ્ચેની ભાગીદારી હેઠળ વિકસાવવામાં આવ્યો છે. આ સેટેલાઇટનો ઉપયોગ સિંગાપોર સરકારની વિવિધ એજન્સીઓની સેટેલાઇટ ઇમેજ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરવામાં આવશે.
ઇસરોએ લોન્ચ કરેલા સેટેલાઇટ ગમે તેવા હવામાનમાં કામ કરવા અસક્ષ
DS-SAR ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિકસિત સિન્થેટિક એપરચર રડાર (SAR) સાથે ફીટ કરવામાં આવ્યું છે. આ ઉપગ્રહને તમામ હવામાન પરિસ્થિતિઓમાં દિવસ અને રાત ચિત્રો લેવા માટે સક્ષમ બનાવે છે. અન્ય ઉપગ્રહોમાં VELOX-AM 23 kg સૂક્ષ્મ ઉપગ્રહ, ARCAD (એટમોસ્ફેરિક કપ્લીંગ એન્ડ ડાયનેમિક્સ એક્સપ્લોરર), પ્રાયોગિક ઉપગ્રહ સ્કબ-2, 3U નેનોસેટેલાઇટ, ગેલેસિયા-2, ORB-12 સ્ટ્રાઈડરનો સમાવેશ થાય છે.
ઇસરો પાસે સેટેલાઇટ લોન્ચ કરાવવા દુનિયાભરના દેશોની લાઇન
ઇસરોએ આજે લોન્ચ કરાયેલા સાત સેટેલાઇટ એ સિંગાપોર સરકારના છે. માત્ર સિંગાપોર જ નહીં દુનિયાભરના દેશો અને અંતરિક્ષ સંસ્થાઓ ઇસરો પાસે તેમના સેટેલાઇટ લોન્ચ કરાવવા માટે ઉત્સુક છે.
હકીકતમાં ઇસરોએ વર્ષ 1999થી વ્યાસાયિક ધોરણે અન્ય દેશો અને વિદેશી સંસ્થાઓ માટે સેટેલાઇટ લોન્ચ કરવાની કામગીરી શરૂ કરી છે. ઇસરોએ ઘણા બધા દેશો માટે સેટેલાઇટ લોન્ચિંગ કર્યુ છે. જેમા મોટાભાગના સેટેલાઇટ નાના અને નેનો કેટેગરીના છે. ઇટાલી, ઇઝરાયેલ, ફ્રાન્સ અને સિંગાપોર જેવા દેશો માટે સેટેલાઇટ લોન્ચ કર્યા છે. ઇસરોની સેટેલાઇટ લોન્ચિંગની સેવા લેનાર દેશોમાં અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાન્સ, બ્રિટન, બેલ્જિયમ, ઈટાલી, ઓસ્ટ્રિયા અને ડેનમાર્કથી લઈને સંયુક્ત આરબ અમીરાત, કઝાકિસ્તાન, તુર્કીનો સમાવેશ થાય છે. આ દેશો સાથેની ભારતની ભાગીદારીને માત્ર વ્યાપારી દૃષ્ટિકોણથી જોવી યોગ્ય નથી. જો કે, તેનું ભૌગોલિક-વ્યૂહાત્મક મહત્વ પણ છે. સૌથી મોટો સવાલ એ છે કે આ દેશો ઈસરો પાસે સેટેલાઇટ લોન્ચિંગ કરાવવાનું કેમ પંસદ કરે છે? તેની પાછળ ઘણા કારણો છે…
ઇસરો જેવી સેટેલાઇટ લોન્ચિંગની ક્ષમતા બહુ ઓછા દેશો પાસે
સૌથી મહત્વની વાત એ છે કે દુનિયાના અમુક જ દેશો પાસે સેટેલાઇટ લોન્ચિંગની ક્ષમતા છે. આવી સ્થિતિમાં અન્ય દેશોએ પોતાના સેટેલાઇટ લોન્ચ કરવા માટે ઈસરો પર નિર્ભર રહેવું પડે છે. અલબત્ત, ઉત્તર કોરિયા અને ઈરાન જેવા દેશો પાસે પણ પોતાની ઉપગ્રહો લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે, જો કે તે ઇસરો જેટલી વિકસીત નથી.
ઇસરો પાસે સેટેલાઇટ લોન્ચિંગની વિશ્વસનીય સિસ્ટમ
ધ્રુવીય સેટેલાઇટ લોંચ વ્હીકલ (PSLV) સિસ્ટમ વિશ્વના સૌથી વિશ્વસનીય પ્રક્ષેપણોમાંની એક ગણવામાં આવે છે. ISRO એ તેની પ્રક્ષેપણ સેવાઓને ભાડે આપવા માટે ખાનગી ખેલાડીઓને સામેલ કરવાની પણ દરખાસ્ત કરી છે. ઈસરોએ આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ નામના મેળવી છે. તેણે બતાવ્યું છે કે તે કોઈપણ ભૂલ વિના સેટેલાઇટ લોન્ચ કરી શકે છે. રસપ્રદ વાત એ છે કે જે દેશો પોતાની રીતે સેટેલાઇટ લોન્ચ કરી શકે છે તેઓ પણ ISROના લોન્ચર પસંદ કરી રહ્યા છે. જેમાં અમેરિકા, જાપાન, ફ્રાન્સ અને ઈઝરાયેલનો સમાવેશ થાય છે.
ઇસરો પાસે બેસ્ટ ટેક્નોલોજી અને ઓછો ખર્ચ
ઇસરોએ ચંદ્રયાન અને મંગળ પર સફળ મિશન સાથે એક જ વારમાં 104 ઉપગ્રહો લોન્ચ કરવા જેવા અન્ય રેકોર્ડ બનાવીને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ઇસરો પાસે સેટેલાઇટ લોન્ચિંગ કરવાની વાજબી ખર્ચવાળી અત્યાધુનિક એડવાન્સ ટેકનોલોજી છે. તાજેતરમાં, નીતિ આયોગના સભ્ય અને સંરક્ષણ વૈજ્ઞાનિક વીકે સારસ્વતે કહ્યું હતું કે વર્તમાનમાં આપણે લગભગ 30,000 થી 40,000 ડોલર પ્રતિ કિલોગ્રામ (પેલોડ)ના ખર્ચે સેટેલાઇન્ચ લોન્ચ કરી રહ્યા છીએ. પરંતુ ખાનગી ક્ષેત્રની ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય સહયોગથી સેટેલાઇટ લોન્ચ કરવાનો ખર્ચ ઘટશે.
આ પણ વાંચો | ગગનયાન મિશન ભારતની ઉંચી ઉડાન, સ્પેસક્રાફ્ટ કેમ છે ખાસ? જાણો Facts
ઇસરોએ અત્યાર સુધી કેટલા કોમર્શિયલ સેટેલાઇટ લોન્ચ કર્યા
ઇસરોએ વર્ષ 1999થી વ્યાસાયિક ધોરણે અન્ય દેશો અને વિદેશી સંસ્થાઓ માટે સેટેલાઇટ લોન્ચ કરવાની કામગીરી શરૂ કરી છે. ઇસરોની વેબસાઇટ પર ઉપબલ્ધ માહિતી અનુસાર ઇસરોએ વર્ષ 1999થી લઇ જૂન 2019 સુધીમાં 33 દેશોના 319 કોમર્શિયલ સેટેલાઇટ લોન્ટ કર્યા છે. જેમાં સપ્ટેમ્બર 2016માં ઇસરોના PSLV C-37એ 104 સેટેલાઇને ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરીને અવકાશમાં નવો કિર્તીમાન રચ્યો હતો, જે અત્યાર સુધી કોઇ એક મિશનમાં એક સાથે લોન્ચ કરાયેલા સૌથી વધુ ઉપગ્રહ હતા.





