BJP President JP Nadda: દિલ્હીમાં ચાલી રહેલી ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં મંગળવારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાનો કાર્યકાળ એક વર્ષ માટે વધારવાનો નિર્ણય કર્યો છે. હવે તે જૂન 2024 સુધી પાર્ટીના અધ્યક્ષ બન્યા રહેશે. 2024માં લોકસભા ચૂંટણી અને ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીઓને જોતા આ એક મહત્વપૂર્ણ નિર્ણય છે.
રાજનાથ સિંહે જેપી નડ્ડાને લઇને પ્રસ્તાવ રાખ્યો
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે રાજનાથ સિંહે જેપી નડ્ડાને લઇને પ્રસ્તાવ રાખ્યો હતો. બીજેપી રાષ્ટ્રીય કાર્યકારિણીએ તેનો સર્વસંમત્તિથી સ્વીકાર કર્યો અને સમર્થન આપ્યું. હવે નડ્ડાજી જૂન 2024 સુધી અધ્યક્ષ બન્યા રહેશે. અમારી પાર્ટીના સંવિધાનના હિસાબે સંગઠનની ચૂંટણી થાય છે. જોકે આ વર્ષ સદસ્યતાનું છે. કોવિડના કારણે સમય પર સદસ્યતાનું કામ નથી થઇ શક્યું જેથી સંવિધાનના હિસાબથી કાર્ય વિસ્તાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો – ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં એક નવો નારો : ‘સંતૃપ્તિનું શાસન’
9 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી, એક પણ હારવાની નથી : નડ્ડા
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકના પ્રથમ દિવસે સોમવારે NDMC કન્વેન્શન સેન્ટરમાં ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં જીત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં હારનું મનોમંથન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન ભાજપ પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, વર્ષ 2023માં 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, આપણે એક પણ ચૂંટણી હારવાની નથી. આ કાર્યકારિણી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના લગભગ 350 વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
મોદીજીના નેતૃત્વમાં નડ્ડાજી સાથે 2019 કરતા પણ વધારે સીટ જીતીને આવીશું – અમિત શાહ
અમિત શાહે નડ્ડાના કાર્યકાળમાં સંગઠનની સફળતાઓ ગણાવી હતી. તેમણે કહ્યું કે જેપી નડ્ડાના રાષ્ટ્રીય અધ્યક્ષ દરમિયાન અમારી બિહારમાં સૌથી વધારે સ્ટ્રાઇક રેટ રહી, મહારાષ્ટ્રમાં એનડીએએ બહુમત મેળવી. યૂપીમાં ફરી જીતીને આવ્યા, બંગાળમાં અમારા ધારાસભ્યોની સંખ્યા વધી. ગુજરાતમાં પ્રચંડ જીત મેળવી, ઉત્તર પૂર્વમાં પણ શાનદાર કામ કર્યું. મને વિશ્વાસ છે કે મોદીજીના નેતૃત્વમાં નડ્ડાજી સાથે 2019 કરતા પણ વધારે સીટ જીતીને આવીશું.