જમ્મુ કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ગુરુવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. મળતી માહિતી મુજબ IED બ્લાસ્ટમાં પાંચ જવાન શહીદ થયા છે, જ્યારે ચાર જવાન ઘાયલ થયા છે. જેમને હેલિકોપ્ટર દ્વારા સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. તો, ઘણા આતંકવાદીઓ માર્યા ગયાના સમાચાર સામે આવી રહ્યા છે. આ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં આ ત્રીજી ઘટના છે.
આ એન્કાઉન્ટર રાજૌરી જિલ્લાના કાંડી ટોલના કેસરી વિસ્તારમાં થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છૂરપાયા હોવાની આશંકા છે. એક અધિકારીએ જણાવ્યું કે, પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું.
અધિકારીઓને આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. માહિતી બાદ સંયુક્ત ટીમે ઘેરાબંધી કરતી વખતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તરત જ સુરક્ષા દળોની સંયુક્ત ટુકડીઓ સ્થળ તરફ પહોંચી ગઈ હતી. તે સમયે છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સંયુક્ત ટીમ દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી.
બારામુલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા
આ પહેલા ગુરૂવારે બારામુલ્લા જિલ્લામાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આતંકવાદીઓ પાસેથી એકે 47 અને પિસ્તોલ સહિત ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા બે આતંકવાદીઓ સ્થાનિક હતા અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર સાથે જોડાયેલા હતા. તેમની ઓળખ શોપિયાં જિલ્લાના શાકિર મજીદ નઝર અને હનાન અહેમદ શેહ તરીકે થઈ છે. બંને 2023માં આતંકવાદ સાથે જોડાયા હતા. વધુ તપાસ ચાલી રહી છે.
કુપવાડામાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા
બુધવારે, કુપવાડાના પિચનાડ માછિલ સેક્ટર પાસે જમ્મુ અને કાશ્મીર પોલીસ અને ભારતીય સેના દ્વારા બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. તેઓ ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા.
ડિસક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો