કાશ્મીરમાં ફરી એકવાર કાશ્મીર પીડિતની આંતકીઓએ ગોળી મારી હત્યા કરી છે. દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અચન વિસ્તારમાં રવિવારે (26 ફેબ્રુઆરી)ના રોજ આતંકવાદીઓ દ્વારા બેંકના સિક્યોરિટી ગાર્ડની હત્યા કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ભારતીય વાયુસેનાએ વર્ષ 2019માં બાલાકોટમાં કરેલી એર સ્ટ્રાઇકની આજે ચોથી વર્ષગાંઠ છે અને આજે જ ફરી એક નિર્દોષ કાશ્મીર પંડિતની નિર્મમ હત્યા કરવામાં આવી છે. નોંધનીય છે કે, ઓક્ટોબર બાદ કાશ્મીરી પંડિત પર જીવલેણ હુમલાની આ પ્રથમ ઘટના છે.
કાશ્મીર પોલીસે જણાવ્યું કે, આતંકવાદીઓએ પુલવામાના સંજય શર્મા નામના નાગરિક પર તે સમયે ગોળીબાર કર્યો જ્યારે તે બજારમાં જઈ રહ્યો હતો. આતંકવાદીઓએ ગોળી માર્યા બાદ ઘાયલ કાશ્મીરી પંડતિને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઇ ચૂક્યું હતું. પોલીસ દ્વારા આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. હાલ વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
કાશ્મીરી પંડિતનું સારવાર દરમિયાન મોત થયું હતું
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓએ આજે સવારે અચનના રહેવાસી સંજય પંડિત નામના વ્યક્તિ પર ગોળીબાર કર્યો હતો. ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. કાશ્મીરના ડીઆઈજી રઈસ અહેમદે કહ્યું કે, “આતંકવાદીએ આજે સવારે 10.30 વાગ્યે હુમલો કર્યો હતો. કાશ્મીરી પંડિત સંજય શર્મા તેમની પત્ની સાથે બજારમાં જઈ રહ્યા હતા ત્યારે તેમના ટાર્ગેટ કરીને હુમલો કરવામાં આવ્યો હતો. અમને અત્યાર સુધી જે પણ પુરાવા મળ્યા છે તેના આધારે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. અમે ટૂંક સમયમાં આતંકવાદીઓને પકડી લઈશું.”
આ ઘટનાઓથી ભાજપને જ ફાયદો – મહેબૂબા મુફ્તી
ઘાટીમાં લઘુમતીઓના ટાર્ગેટ કિલિંગ પર પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ કહ્યું, “આવી ઘટનાઓથી ભાજપને જ ફાયદો થાય છે, પછી તે હરિયાણા હોય કે કાશ્મીર. ભાજપ અહીં લઘુમતીઓના જીવનની રક્ષા કરવામાં નિષ્ફળ ગઈ છે. તેઓ ઘાટીમાં સ્થિતિ સામાન્ય હોવાનો દેખાડવો કરવા માટે માત્ર લઘુમતીઓનો ઉપયોગ કરે છે.”