Deoghar Accident News : ઝારખંડના દેવધરમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. દેવધરમાં બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતા ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને કહ્યું કે, “મારી લોકસભાના દેવધરમાં શ્રાવણ મહિનામાં કાંવડ યાત્રા દરમિયાન બસ અને ટ્રકના અકસ્માતને કારણે 18 શ્રદ્ધાળુઓના મોત થયા છે, મૃતકોમાં 5 કાંવડિયા પણ સામેલ છે . બાબા વૈદ્યનાથજી તેમના પરિવારને દુ:ખ સહન કરવાની શક્તિ આપે. ”
નિશિકાંત દુબે પહેલા ઝોનલ આઈપી સંથાલ પરગના એસકે સિન્હાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે, એક બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં પાંચ કાંવડિયાઓના મોત થયા છે. આમાં ઘણા લોકો ઘાયલ થયા છે.
વહેલી સવારે અકસ્માત થયો
દેવધરના SDO રવિ કુમારે જણાવ્યું કે, રોડ અકસ્માતની જાણકારી સવારે 4-5 વાગે આસપાસ મળી હતી. દેવધરથી શ્રદ્ધાળુઓને લઇ વાસુકિનાથ જઇ રહેલી એક ખાનગી બસ ટ્રક સાથે અથડાઇ હતી. ત્યારબાદ બસ ડ્રાઇવર બેલેન્સ ગુમાવ્યો અને તે ઇંટના ઢગલા સાથે અથડાઇ હતી. તેમણે ઉમેર્યું કે, આ અકસ્માતમાં બસ ડ્રાઇવરની ઘટના સ્થળે જ મોત થઇ ગઇ છે. આ અકસ્માતમાં 5 કાંવડિયાના પણ મોત થયા છે. ઉપરાંત 23 લોકો ઘાયલ થયા છે.





