Jharkhand Politics : ઝારખંડમાં રાજકીય સંકટ વધી રહ્યું છે. ઝારખંડમાં વિધાયક દળના નેતા ચંપઈ સોરેને દાવો કર્યો છે કે તેમની પાસે તમામ ધારાસભ્યોનું સમર્થન છે અને તેઓ આસાનીથી સરકાર બનાવી શકે છે. તેમના દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેના આધારે 43 ધારાસભ્યોના સમર્થનની વાત કરવામાં આવી છે.
જે વીડિયો સામે આવ્યો છે તેમાં બધા ધારાસભ્યો પોતે નંબર બોલીને પોતાની હાજરી નોંધાવી રહ્યા છે. વીડિયો જોતા સ્પષ્ટ થાય છે કે હાલ 43 ધારાસભ્યો એકસાથે છે એટલે કે તેમની પાસે બહુમતી છે.
ધારાસભ્યો સર્કિટ હાઉસમાં રોકાશે
રાજ્યપાલ સાથે મુલાકાત પછી ચંપઇ સોરેને કહ્યું કે અમે માંગણી કરી છે કે સરકાર રચવાની પ્રક્રિયા જલ્દી શરુ થવી જોઈએ. રાજ્યપાલે કહ્યું છે કે પ્રક્રિયા જલ્દી શરુ થશે. ગઠબંધનના ધારાસભ્યોને હોર્સ ટ્રેડિંગથી બચાવવા માટે હૈદરાબાદ લઇ જવાના હતા. જોકે ખરાબ વાતાવરણને કારણે પ્લેન ઉડી શક્યું ન હતું. હવે ધારાસભ્યો સર્કિટ હાઉસમાં રોકાશે.
આ પણ વાંચો – ઝારખંડમાં સરકાર પર સસ્પેન્સ, ચંપઇ સોરેને કહ્યું – શપથગ્રહણ માટે સમય ના આપ્યો
પ્રિયંકા ગાંધીએ શું કહ્યું
આ મામલે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનું નિવેદન સામે આવ્યું છે. પ્રિયંકા ગાંધીએ લખ્યું કે બિહારમાં ગઠબંધન સરકારના રાજીનામા બાદ તરત જ રાજ્યપાલે નવી સરકાર બનાવવાનું આમંત્રણ મોકલ્યું હતું. પરંતુ ઝારખંડમાં દાવો રજૂ કર્યાના એક દિવસ બાદ પણ સરકાર બનાવવાનું આમંત્રણ મોકલવામાં આવ્યું ન હતું.
તેમણે આગળ કહ્યું કે પહેલા ઇડી મોકલીને મુખ્યમંત્રીને રાજીનામું આપવાની ફરજ પાડી હતી. તેમની ધરપકડ કરવામાં આવી હતી. હવે નવી સરકારના ગઠનને અટકાવીને ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસો કરવામાં આવી છે. પહેલા બિહાર, પછી ચંદીગઢ અને હવે ઝારખંડ – ભાજપ દરેક રાજ્યમાં પૈસાના જોરે જનાદેશને કચડી રહી છે.
જાણકારી માટે જણાવી દઈએ કે હેમંત સોરેનની ઈડીએ બુધવારે ધરપકડ કરી હતી. જમીન કૌભાંડ કેસમાં તપાસ એજન્સીએ તેમની સામે તે મોટી કાર્યવાહી કરી હતી. ઈડી હાલ સોરેનની કસ્ટડી ઈચ્છે છે, જ્યારે પૂર્વ સીએમે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેમની અરજી પર આવતીકાલે સવારે 10.30 વાગ્યે સુનાવણી થવાની છે, તેમને રાહત મળે કે નહીં, આ વાત સૌની નજર છે.





