Jharkhand Politics : ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેનની બુધવારે રાત્રે ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ પહેલા હંમેત સોરેને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. ગુરુવારે ભારે સુરક્ષા વચ્ચે હેમંત સોરેનને લઇને ઇડીની ટીમ પીએમએલએ કોર્ટ પહોંચી હતી. વકીલ મનિષ સિંહે કહ્યું કે હેમંત સોરેનને એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. ઇડીએ 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પણ કોર્ટે ઓર્ડર રિઝર્વ કરી લીધો છે અને હવે કાલે (2 ફેબ્રુઆરી) સુનાવણી થશે.
ઝારખંડમાં રાજનીતિક હલચલ વધી ગઇ છે. ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન સાથે મુલાકાત પછી ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્ય દળના નેતા ચંપઇ સોરેન અને પાર્ટીના અન્ય નેતા રાંચી સ્થિત રાજભવનમાંથી બહાર આવી ગયા છે. આ મુલાકાત પછી ચંપઇ સોરેને કહ્યું કે અમે માંગણી કરી છે કે સરકાર રચવાની પ્રક્રિયા જલ્દી શરુ થવી જોઈએ. રાજ્યપાલે કહ્યું છે કે પ્રક્રિયા જલ્દી શરુ થશે. ગઠબંધનના ધારાસભ્યોને હોર્સ ટ્રેડિંગથી બચાવવા માટે હૈદરાબાદ લઇ જવાના હતા. જોકે ખરાબ વાતાવરણને કારણે પ્લેન ઉડી શક્યું ન હતું. હવે ધારાસભ્યો સર્કિટ હાઉસમાં રોકાશે.
ઝારખંડ કોંગ્રેસના અધ્યક્ષ રાજેશ ઠાકુરે એરપોર્ટ જતા કહ્યું કે અહીં રાંચીમાં નજર રાખવા માટે અમારા 3-4 ધારાસભ્યો રહેશે. અમારી પાસે સરકાર બનાવવા માટે પુરતી સંખ્યા છે. બધા 43 ધારાસભ્યો એકસાથે છીએ.
ઝારખંડ જમીન કૌભાંડનો સંપૂર્ણ કેસ શું છે?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ રાંચીમાં આર્મીના કબજા હેઠળની 4.55 એકર જમીનની ગેરકાયદેસર ખરીદી અને વેચાણનો પર્દાફાશ કર્યો હતો. ઈડીએ આ કેસમાં રાંચીના બડગાઇ ઝોનના રેવન્યુ સબ ઈન્સ્પેક્ટર ભાનુ પ્રતાપ પ્રસાદની ધરપકડ કરી હતી. તેમના નિવાસસ્થાન અને મોબાઇલ ફોનમાંથી મોટી માત્રામાં સત્તાવાર દસ્તાવેજો મળી આવ્યા હતા. આ દસ્તાવેજોની તપાસ અને તેનાથી જોડાયેલા તથ્યોની ચકાસણીને લઇને એજન્સી હેમંત સોરેનની પૂછપરછ કરવામાં આવી છે.
આ પણ વાંચો – ઝારખંડના ‘ટાઇગર’ ચંપઈ સોરેન બનશે રાજ્યના નવા મુખ્યમંત્રી, જાણો રાજનીતિક સફર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઝારખંડ પોલીસ અને પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા નોંધાયેલી અનેક એફઆઈઆરના આધારે પ્રદીપ બાગચી, વિષ્ણુકુમાર અગ્રવાલ, ભાનુ પ્રતાપ પ્રસાદ અને અન્યો સામે મની લોન્ડરિંગ એક્ટની કલમો હેઠળ કેસ નોંધીને ત્રણ જમીન કૌભાંડોની તપાસ શરૂ કરી હતી.





