અમિતાભ સિન્હા : જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે ઘણા રસ્તાઓ અને મકાનોમાં તિરાડો દેખાવી એ આ પ્રદેશમાં ન તો નવી ઘટના છે – ન તો તેનાથી વિપરીત ઘટના છે. આવી તિરાડો શહેરમાં અને તેની આસપાસ વર્ષોથી જોવા મળી રહી છે, જોકે આ વખતે નિષ્ણાતો કહે છે કે, આ પહેલા કરતા વધુ ઊંડી અને મોટી છે, જે ચિંતામાં વધારો કરે છે.
દેહરાદૂન સ્થિત વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જીઓલોજીના ડિરેક્ટર કાલાચંદ સેને જણાવ્યું હતું કે, “હાલની સ્થિતિ કુદરતી અને માનવસર્જિત બંને કારણોનું પરિણામ છે.” એક તો હિલ સિટી, સાથે અહીંની જમીન નબળી છે, અહીંના ડેવલપમેન્ટમાં મોટાભાગે ભૂસ્ખલન દ્વારા લાવવામાં આવેલ કાટમાળનો સમાવેશ થાય છે, આ વિસ્તાર અત્યંત સિસ્મિક ઝોન પણ છે. બિનઆયોજિત બાંધકામ, વસ્તીનું દબાણ, પ્રવાસીઓનો ઘસારો, પાણીના કુદરતી પ્રવાહમાં વારંવાર અવરોધ, હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ, વિકાસ પ્રવૃત્તિઓ આ તમામે વર્તમાન પરિસ્થિતિ બગાડવામાં ફાળો આપ્યો છે. અને આ બધાનું વર્ષોથી ખૂબ જ સારી રીતે દસ્તાવેજીકરણ સાથે કરવામાં આવ્યું છે. સવાલ એ છે કે, હવે શું કરી શકાય? આ એવી પ્રક્રિયાઓ નથી જેને ઉલટી કરી શકાય.”
સેને જણાવ્યું હતું કે, “પ્રથમ ચેતવણી ચિહ્નો લગભગ 50 વર્ષ પહેલાં MC મિશ્રા સમિતિના અહેવાલમાં આપવામાં આવ્યા હતા, જેમાં આ પ્રદેશમાં બિનઆયોજિત વિકાસના જોખમો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને કુદરતી હોનારત નબળાઈઓને ઓળખવામાં આવી હતી. ત્યારથી અત્યારસુધી ઘણા અભ્યાસો થયા છે, જે બધા સમાન ચિંતાઓને પ્રકાશિત કરે છે. પરંતુ ત્યાર બાદ પણ શહેર અનેક ગણુ વિકસ્યું છે. આ હવે ઓછામાં ઓછા ત્રણ મહત્વપૂર્ણ તીર્થસ્થાનોમાંનું એક છે – બદ્રીનાથ, હેમકુંડ સાહિબ અને શંકરાચાર્ય મંદિર – જેના પરિણામે વધારેમાં વધારે સુવિધાઓનો વિકાસ થયો છે. સમસ્યા એટલી નથી કે, આ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે, પરંતુ તે બિનઆયોજિત અને ઘણીવાર અવૈજ્ઞાનિક રીતે કરવામાં આવી છે”.
જોશીમઠની મુખ્ય સમસ્યા એ છે કે, આ આખુ નગર પ્રમાણમાં ઢીલી જમીન પર બાંધવામાં આવ્યું છે, જે ધરતીકંપને કારણે થતા ભૂસ્ખલન દ્વારા જમા થયેલું છે. અહીં ઘણા બધા છૂટક પોલા ખડકો, મોરાઇન (હિમનદીઓ પાછળ હટવાથી પાછળ રહી ગયેલી સામગ્રી), અને કાંપ છે. ગ્લેશિયોલોજિસ્ટ ડી પી ડોવલે કહ્યું કે, આ પ્રદેશ એક સમયે ગ્લેશિયર હેઠળ હતો. તેથી, અહીંની માટી મોટા બાંધકામ માટે આદર્શ નથી. આમાં એ હકીકત ઉમેરવામાં આવે છે કે, આ પ્રદેશ અત્યંત સિસ્મિક ઝોનમાં આવે છે, અને નિયમિત આંચકા અનુભવે છે, જેના કારણે ટોચની જમીન અસ્થિર બની જાય છે.
ડોવાલે કહ્યું, “ખરેખર, જોશીમઠ એકમાત્ર ટાઉનશિપ નથી જે આ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ઉત્તરાખંડમાં આવા ઘણા સ્થળો છે, મોટાભાગના નગરો સમુદ્ર સપાટીથી 5,000 ફૂટથી ઉપર છે (જોશીમઠ લગભગ 6,000 ફૂટ છે) જે સમાન લક્ષણો ધરાવે છે. વર્ષોથી, લોકો આ વિસ્તારોમાં સ્થાયી થયા કારણ કે અહીં ભૂસ્ખલનના કાટમાળના કારણે પ્રમાણમાં જમીન સપાટ હતી. પરંતુ તેમાંથી ઘણા હવે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે”.
“તિરાડોની હાજરી કંઈ નવી નથી. પરંતુ આ વખતે આપણે જે જોઈ રહ્યા છીએ તે ચોક્કસપણે પહેલા કરતા વધુ ગંભીર અને ખતરનાક લાગે છે.”
ડ્રેનેજ સિસ્ટમના અભાવે સમસ્યા વધુ વકરી છે. અનિયમિત બાંધકામો વારંવાર પાણીના કુદરતી પ્રવાહને અવરોધે છે, જેના કારણે પાણીને વૈકલ્પિક માર્ગો શોધવા પડે છે.
સેને કહ્યું, “સપાટીની નીચે પોલાણવાળા ખડકોમાં ઘણું પાણી વહી જાય છે, જે જમીનને વધુ નરમ બનાવે છે. જ્યારે પાણીને તેના કુદરતી માર્ગમાંથી વહેવા દેવામાં આવતું નથી, ત્યારે તે જમીનની ટોચ પર અથવા નીચે, ઘણું દબાણ કરે છે. અને ટેકટોનિક દળોના રૂપમાં આ જગ્યાએ પહેલાથી જ અન્ય ઘણા સબસર્ફેસ દબાણો છે”.
આ બધી વસ્તુ ભયને જન્મ આપે છે, શહેરનો કેટલોક ભાગ તેના જ પોતાના વજન હેઠળ તૂટી શકે છે. રાજ્યનો હેતુ મુખ્યત્વે એવા વિસ્તારોને ઓળખવાનો છે જે વધુ સંવેદનશીલ છે અને લોકોને આ ખતરનાક સ્થળોએથી બહાર કાઢવાનો છે.
આ પણ વાંચો – જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ શું છે, જેને તાજેતરમાં જ આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું
સાને કહ્યું, “આ સમયે બીજું કઈં કરી શકાય છે. દેખીતી રીતે, પ્રાથમિકતા પહેલા કોઈપણ માનવ દુર્ઘટના ન સર્જાય તે છે. આગામી દિવસોમાં આ પ્રદેશમાં વરસાદ થવાની સંભાવના છે, અને તેના કારણે ભૂસ્ખલન થઈ શકે છે જે આ સમયે ખૂબ જોખમી હોઈ શકે છે.”
ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, આગામી સપ્તાહમાં ઉત્તરાખંડમાં થોડો વરસાદ થવાની અપેક્ષા છે, પરંતુ ભારે વરસાદની કોઈ આગાહી નથી.