no confidence motion : ગુરુવારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન ઘણો હંગામો થયો હતો. રાજ્યસભ્યના સભ્ય અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. જ્યોતિરાદિત્ય લાબાં સમય સુધી કોંગ્રેસમાં રહ્યા હતા. ગુરુવારે જ્યારે તે બોલી રહ્યા હતા ત્યારે સોનિયા ગાંધી લોકસભામાં ઉપસ્થિત હતા. ભાષણ દરમિયાન કોંગ્રેસ પાર્ટીના સભ્યોએ રોકટોક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સિંધિયાએ પોતાનો પ્રહાર યથાવત્ રાખ્યા હતા.
સિંધિયાએ કહ્યું કે લોકશાહીના મંદિરમાં આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, લોકશાહીનું મંદિર છે જેમાં આ દેશની સંસ્કૃતિ, આ દેશની સંવાદિતા, આ દેશની વિચારધારાનું નિર્માણ થાય છે, દેશના 140 કરોડ લોકો પોતાની પ્રેરણા લે છે. તે લોકશાહીના મંદિરમાં ના દેશની ચિંતા છે ના પીએમ પદની કોઈ ચિંતા કે ના રાષ્ટ્રપતિ પદની કોઇ ચિંતા, તેમને તો માત્ર પોતાના હેસિયનીની ચિંતા છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે સંસદમાં મને 20 વર્ષ થઈ ગયા છે, પરંતુ મેં આવું દ્રશ્ય ક્યારેય જોયું નથી. પીએમ માટે જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તે માટે દેશની જનતાની માફી માંગવી જોઈએ. તેઓ બોલવા માટે તૈયાર છે પણ સાંભળવા તૈયાર નથી. આજે જે સ્થિતિ સર્જાઈ છે. અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો, આ મણિપુરની આડમાં પોતાની રોટલીઓ શેકવા માટે અહીં આવ્યા છે.
સિંધિયાએ કોંગ્રેસ માટે કહ્યું કે આ વાદળો છે જે ગરજે છે પરંતુ વરસતા નથી, તેઓ ચર્ચામાં રહેવા માંગે છે પરંતુ ચર્ચા સાંભળવા માંગતા નથી. આપણા દેશના વડાપ્રધાને ગૃહની બહાર મણિપુર પર સંવેદનશીલ નિવેદન આપ્યું હતું, પરંતુ તેમની જીદ છે કે ગૃહની અંદર નિવેદન આપે. તેઓએ ગૃહમંત્રીની વાત પણ ન માની અને 17 દિવસ સુધી સદનને મજબૂર કર્યું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 1993માં જ્યારે મણિપુરની જાતિગત હિંસામાં 750 લોકો માર્યા ગયા હતા, તે સમયે તત્કાલીન પીએમ નરસિંહરાવ જી એ ગૃહની અંદર મૌન વ્રત કેમ રાખ્યું હતું. વર્ષ 2011માં મણિપુરમાં 111 દિવસની નાકાબંધી, વંશીય હિંસા થઇ તે સમયે મનમોહન સિંહે સદનની અંદર મૌન કેમ ધારણ કર્યું હતું? આનો જવાબ આપો.
આ પણ વાંચો – અમિત શાહે લોકસભામાં જણાવ્યું – કેમ સળગી રહ્યું છે ઉત્તર પૂર્વી રાજ્ય
ઇન્ડિયા ગઠબંધન પર પ્રહાર
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન સમૂહમાં એક પ્રોફેસર છે, જે સિદ્ધાંતોની વાત કરે છે, મૂલ્યોની વાત કરે છે, પરંતુ એક એવા પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે જેણે ભ્રષ્ટાચારના નવા રેકોર્ડ બનાવ્યા છે. આ ગ્રુપમાં એક પાર્ટીના નેતા છે જે સમજે છે કે કાશ્મીરને ભારત સાથે જોડવું ભૂલ છે. વિપક્ષને પોતાને જ પોતાના અવિશ્વાસ પ્રસ્તાવ પર વિશ્વાસ નથી. આ લોકો સત્તાની લાલચમાં એકબીજાના વિરોધી બનીને એકસાથે આવી રહ્યા છે. તેઓ બંધારણને બચાવવાની વાત કરે છે, તેઓ પોતાનો ઇમાનને બચાવવાનો ઉત્તર લોકોને આપે. આ ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિ છે, જેમનામાં દિલ નથી મળતા તે દળ મળી ચુક્યા છે.
મણિપુરને લોન્ચપેડ બનાવવા માંગે છે કોંગ્રેસ
તેમણે કહ્યું કે તેઓ મણિપુરની ઘટનાનો ઉપયોગ કરીને પોતાનું લોન્ચપેડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મણિપુરની ઘટના અત્યંત નિંદનીય છે. આના પર રાજનીતિ ન થવી જોઈએ. 1964 માં બંગાળના રમખાણો દરમિયાન તેઓ શા માટે મૌન હતા? 1984ના શીખ વિરોધી રમખાણો દરમિયાન શા માટે મૌન હતા? મેરઠમાં 1987 ના રમખાણો દરમિયાન તેઓ કેમ ચૂપ હતા? કાશ્મીરમાં 40 હજાર લોકો મૃત્યુ પામ્યા ત્યારે તેઓ શા માટે ચૂપ હતા? આજે અહીં બેસીને ગૌરવ ગોગોઈએ આસામ સમજૂતીની વાત કરી હતી, તેને કોંગ્રેસે ક્યારેય લાગુ કરી ન હતી. બાંગ્લાદેશ સાથેની સરહદ 68 વર્ષમાં નક્કી કરવામાં આવી ન હતી. પીએમ મોદીએ એક વર્ષમાં આ કામ કર્યું હતું. કોંગ્રેસના તુષ્ટિકરણની રાજનીતિના કારણે પૂર્વોત્તરની સમસ્યા શરૂ થઈ હતી.
રાહુલ ગાંધીનું નામ લઇને સીધો પ્રહાર
પોતાના ભાષણ દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે કાલે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી મણિપુરને ભારતનો ભાગ માનતા નથી. હું બતાવવા માંગીશ કે પ્રધાનમંત્રીએ ઉત્તર-પૂર્વને વિશ્વ સાથે જોડવાનું કામ કર્યું છે. ભારતને અલગ-અલગ ટુકડાઓમાં જોવાની વિચારધારા તમારી છે, અમારી નહીં. તે કહે છે કે નફરતની દુકાનમાં મોહબત્તની દુકાન લાવીશું. તેમની દુકાન ભ્રષ્ટાચાર, જુઠ, તૃષ્ટીકરણ, અહંકારની દુકાન છે. આ ફક્ત દુકાનનું નામ બદલે છે પણ સામાન તે જ રહેશે.