Karnataka Assembly Election 2023 : કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી ગમે ત્યારે જાહેર થઇ શકે છે. આ પહેલા ભાજપને મોટો ફટકો પડ્યો છે. વિધાનસભાની ચૂંટણીને હવે એક મહિનો જ બાકી છે ત્યારે પાર્ટીની અંદર મતભેદ જોવા મળી રહ્યા છે. છ વખતના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારે પાર્ટી હાઇકમાન્ડનો નિર્ણય માનવાથી ઇન્કાર કર્યો છે. હાઇકમાન્ડ ઇચ્છે છે કે શેટ્ટાર આ વખતે ચૂંટણી ના લડે. જોકે શેટ્ટારે પક્ષને પુનર્વિચાર કરવા કહ્યું છે અને કહ્યું છે કે તે કોઈપણ કિંમતે ચૂંટણી લડશે.
મંગળવારે જગદીશ શેટ્ટારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જ્યાં તેમણે કહ્યું કે હાઈકમાન્ડે તેમને છેલ્લી ઘડીએ આગામી ચૂંટણી ન લડવા માટે કહ્યું છે. હું તદ્દન નિરાશ છું. મેં 30 વર્ષથી વધુ સમયથી પાર્ટી માટે કામ કર્યું છે અને તેને ઉભી કરી છે. તેઓ મને 2-3 મહિના પહેલા જાણ કરી શક્યા હોત અને મેં તેનો સ્વીકાર કરી લીધો હોત પરંતુ નામાંકન ભરવાના થોડા દિવસો પહેલા મને ચૂંટણી નહીં લડવાની સૂચના આપવામાં આવી છે. મેં પહેલાથી જ મતવિસ્તારમાં પ્રચાર શરૂ કરી દીધો છે.
હું કોઈપણ ભોગે ચૂંટણી લડીશ – જગદીશ શેટ્ટાર
જગદીશ શેટ્ટારે કહ્યું કે તેઓએ મને ચૂંટણી ન લડવાનું કહ્યું તે પછી મેં જણાવ્યું કે હું કોઈપણ ભોગે ચૂંટણી લડીશ અને તેમને પુનર્વિચાર કરવા કહ્યું છે. મેં પૂછ્યું છે કે શું સત્તા વિરોધી લહેર છે કે પછી કોઈ આક્ષેપો છે. મને વિશ્વાસ છે કે તેઓ મારી વિનંતી પર વિચાર કરશે.
આ પણ વાંચો – કુમાર સ્વામીની જાહેરાત, ખેડૂતના પુત્ર સાથે લગ્ન કરનાર યુવતીને 2 લાખ રૂપિયા આપીશું
શેટ્ટારે કહ્યું કે તેમને મંગળવારે હાઈકમાન્ડ તરફથી ફોન આવ્યો હતો. વિધાનસભા મતવિસ્તારના સર્વેમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે ભાજપની જીતની લહેર છે. રાજનીતિમાં મારા પર કોઇ કલંક નથી. હું પક્ષને વફાદાર રહ્યો છું અને મને લાગે છે કે વફાદારી એક સમસ્યામાં ફેરવાઇ ગઇ. 2018માં શેટ્ટારે હુબલી-ધારવાડથી 51.31% મતો મેળવીને ધારાસભ્ય તરીકે જીત મેળવી હતી.
બીએસ યેદિયુરપ્પાના વિશ્વાસુ સહયોગી શેટ્ટાર 2012માં કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા હતા. જ્યારે રાજ્યમાં ભાજપ ખનન વિવાદમાં ફસાઇ હતી. તેમણે ડીવી સદાનંદ ગૌડાનું સ્થાન લીધું હતું. તેઓ કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા પણ હતા.
જનસંઘથી જોડાયેલો છે રહ્યો છે શેટ્ટાર પરિવાર
શેટ્ટારનો પરિવાર પાંચ દાયકાથી જનસંઘ સાથે જોડાયેલો છે, તેઓ પણ આરએસએસ સાથે કામ કરી રહ્યા છે. તેમના ભાઈ પ્રદીપ શેટ્ટાર એમએલસી છે, જ્યારે તેમના કાકા સદાશિવ શેટ્ટાર હુબલી મતવિસ્તારના ધારાસભ્ય હતા. તેમના પિતા એસએસ શેટ્ટાર હુબલી-ધારવાડ શહેર નિગમના મેયર તરીકે ચૂંટાયા હતા. જગદીશ શેટ્ટાર અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીની લગભગ બે દાયકાથી હુબલી-ધારવાડ જિલ્લાના રાજકારણ પર મજબૂત પકડ છે.