Karnataka Assembly Election 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઇને બધા રાજનીતિ દળોએ પોતાની તૈયારીઓ વધારી દીધી છે. બધા દળો મતદારોને આકર્ષવા માટે તમામ વાયદા કરી રહ્યા છે. આ અંતર્ગત સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક રેલી દરમિયાન બીજેપી-આરએસએસ પર પ્રહાર કર્યો હતો. રાહુલે બીજેપી અને આરએસએસ પર લોકતંત્ર પર હુમલો કરવાનો અને દેશમાં નફરત અને હિંસા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.
રાહુલ ગાંધીએ કહ્યું કે તમે (બીજેપી) ઓબીસીની વાત કરો છે, તેમના ભાગીદારીની વાત કરો છો, ઓબીસીને પાવર આપવાની વાત કરો છો, ભારતની પ્રગતિમાં સામેલ કરવાની વાત કરો છો તો પહેલા ઓબીસી જનગણનાને પબ્લિક કરો. હું તમને ગેરન્ટી આપું છું કે હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી તે નહીં કરે, કારણકે તે ઓબીસીનું ભલુ ઇચ્છતા નથી.
આ પહેલા રવિવારે કોલારમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એસસી-એસટી માટે અનામત તેમની વસ્તી પ્રમાણે હોવી જોઇતી હતી. મોદી ઉપનામ વાળી ટિપ્પણીથી ઓબીસી સમુદાયનું અપમાન કરવાના બીજેપીના આરોપોના જવાબમાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે કેન્દ્ર સરકારમાં ઓબીસી અને દલિતોનું પ્રતિનિધિત્વ તેમની વસ્તી પ્રમાણે નથી. સરકારના સચિવોમાં ફક્ત 7 ટકા લોકો ઓબીસી, દલિત અને આદિવાસી સમુદાયમાંથી આવે છે. મોદીજી તમે ઓબીસીના કલ્યાણ વિશે વાત કરો છો. અમને જણાવો કે તેમનો જનસંખ્યામાં કેટલો ભાગ છે. જો તમે આવું નથી કરતા તો આ ઓબીસી સમુદાયનું અપમાન છે.
આ પણ વાંચો – યેદિયુરપ્પાએ જગદીશ શેટ્ટારના રાજીનામાને અક્ષમ્ય અપરાધ ગણાવ્યો, શેટ્ટારે કર્યો વળતો પ્રહાર
રાહુલ ગાંધીએ કહ્યું કે આ બીદર બસવન્ના (12મી સદીની સમાજ સુધારક)ની કર્મ ભૂમિ છે. જો કોઇએ લોકતંત્ર વિશે પ્રથમ વખત વાત કરી અને લોકતંત્રનો રસ્તો બતાવ્યો તો તે બસવન્ના હતા. એ દુખની વાત છે કે આજે આખા દેશમાં આરએસએસ અને બીજેપીના લોકો લોકતંત્ર પર હુમલો કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે કોન્ટ્રાક્ટર એસોસિયેશન પ્રધાનમંત્રીને પત્ર લખે છે અને કહે છે કે કર્ણાટકમાં 40 ટકા કમિશન લેવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદી જી એ ચિઠ્ઠીનો જવાબ પણ આપ્યો નથી. એમએલએનો પુત્ર 8 કરોડ રૂપિયા સાથે પકડાય છે, જોબ સ્કેમ થાય અને પ્રધાનમંત્રી એક શબ્દ કહેતા નથી. આ 40 ટકા કમિશન લે છે ને? તો તમે તેમને 40 સીટ આપજો, 41 સીટ ના આપતા.