કર્ણાટક વિધાનસભા ચૂંટણી : યેદિયુરપ્પાએ જગદીશ શેટ્ટારના રાજીનામાને અક્ષમ્ય અપરાધ ગણાવ્યો, શેટ્ટારે કર્યો વળતો પ્રહાર

Karnataka Assembly Election 2023 : પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર નાખુશ હતા કારણ કે ભાજપ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોની બે યાદીમાં તેમનું નામ ન હતું

Written by Ashish Goyal
April 16, 2023 20:22 IST
કર્ણાટક વિધાનસભા ચૂંટણી : યેદિયુરપ્પાએ જગદીશ શેટ્ટારના રાજીનામાને અક્ષમ્ય અપરાધ ગણાવ્યો, શેટ્ટારે કર્યો વળતો પ્રહાર
બીએસ યેદિયુરપ્પાએ રવિવારે (16 એપ્રિલ) પ્રથમ વખત તેમના લાંબા સમયના સહયોગી જગદીશ શેટ્ટાર પર પ્રહાર કર્યો (તસવીર -Twitter/@BSYBJP)

બીજેપી સંસદીય બોર્ડના સભ્ય બીએસ યેદિયુરપ્પાએ રવિવારે (16 એપ્રિલ) પ્રથમ વખત તેમના લાંબા સમયના સહયોગી જગદીશ શેટ્ટાર પર પ્રહાર કર્યો હતો. પાર્ટીના ધારાસભ્ય તરીકેના તેમના રાજીનામાને અક્ષમ્ય અપરાધ ગણાવ્યો હતો. તો બીજી તરફ શેટ્ટારે યેદિયુરપ્પા પર વળતો પ્રહાર કર્યો હતો અને પૂછ્યું કે શા માટે તેમણે ભાજપ છોડી દીધું અને વર્ષો પહેલા કર્ણાટક જનતા પક્ષ (કેજેપી) બનાવ્યો હતો.

યેદિયુરપ્પાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેણે (શેટ્ટાર) પાર્ટી સાથે દગો કર્યો છે. રાજ્યના લોકો તેમને માફ નહીં કરે. જગદીશ શેટ્ટર લાંબા સમયથી ભાજપના સભ્ય છે અને અનેક પદો પર રહ્યા છે. તેઓ મંત્રી, મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા હતા. પાર્ટીએ તેમને બધું જ આપ્યું છે. હકીકતમાં સ્વર્ગસ્થ અનંત કુમાર (ભાજપના ભૂતપૂર્વ મંત્રી) અને મેં તેમની સુરક્ષા કરી અને તેમને એક નેતા તરીકે ઉભરવામાં મદદ કરી હતી.

શેટ્ટાર નાખુશ હતા કારણ કે ભાજપ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોની બે યાદીમાં તેમનું નામ ન હતું. છ વખતના ધારાસભ્યએ સતત ચોથી ચૂંટણીમાં હુબલી-ધારવાડ સેન્ટ્રલ બેઠક પરથી પાર્ટીની ટિકિટ માંગી હતી. જોકે એસ ઇશ્વરપ્પા અને એસ અંગારા જેવા ઘણા વરિષ્ઠ નેતાઓ સાથે શેટ્ટારને પણ ટિકિટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

યેદિયુરપ્પાએ કહ્યું કે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને ધર્મેન્દ્ર પ્રધાન તેમના ઘરે જઈને તેમની સાથે ચર્ચા કરવા છતાં તેમણે રાજીનામું આપ્યું હતું. મંત્રીઓએ તેમને કેન્દ્રીય પદની ખાતરી પણ આપી હતી પરંતુ તેમણે તેનો ઇનકાર કર્યો હતો. તેઓ કોંગ્રેસમાં જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે વિશ્વાસઘાત અને અક્ષમ્ય અપરાધ છે.

આ પણ વાંચો – યેદિયુરપ્પાનો ઈન્ટરવ્યુઃ ‘મારો પુત્ર વિજયેન્દ્ર કર્ણાટકમાં પ્રચાર માટે ફરે છે… દરેક સીટ પર યુવાનો તેને સમર્થન આપે છે’

યેદિયુરપ્પાએ એમ પણ કહ્યું હતું કે ભાજપ કર્ણાટકમાં સત્તા જાળવી રાખશે અને આગામી લોકસભા ચૂંટણીમાં 25 બેઠકો જીતશે. કોઈ શક્તિ ભાજપને કર્ણાટકમાં સ્પષ્ટ બહુમતી સાથે સત્તા જાળવી રાખવાથી રોકી શકશે નહીં. શેટ્ટારે કહ્યું હતું કે તેમનો નિર્ણય 20-25 વિધાનસભા બેઠકો પર ભાજપને અસર કરશે. યેદિયુરપ્પાએ કહ્યું કે તે 10 મે ની ચૂંટણીમાં પાર્ટીની સંભાવનાઓને અસર કરશે નહીં.

યેદિયુરપ્પાને જવાબ આપતા શેટ્ટારે કહ્યું કે યેદિયુરપ્પા હંમેશા મારા માટે બોલતા હતા પરંતુ હવે તેમણે મને કહ્યું છે કે મેં (પાર્ટી) સાથે દગો કર્યો છે અને હું અક્ષમ્ય ગુનો કરી રહ્યો છું. જો એવું હોય તો તેમણે ભાજપ છોડીને કેજેપી કેમ શરૂ કરી હતી? શું હાઈકમાન્ડે તેમને તમામ હોદ્દા આપ્યા નથી? શેટ્ટાર 2012માં યેદિયુરપ્પાએ સ્થાપેલી પાર્ટીનો ઉલ્લેખ કરી રહ્યા હતા જે બાદમાં ભાજપમાં ભળી ગઈ હતી.

કોંગ્રેસમાં જોડાયેલા કર્ણાટકના પૂર્વ નાયબ મુખ્યમંત્રી લક્ષ્મણ સાવડી પર પ્રહાર કરતા યેદિયુરપ્પાએ કહ્યું કે લક્ષ્મણ સાવડી લાંબા સમયથી પાર્ટી સાથે છે. તેઓ 2018ની વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા હતા પરંતુ પાર્ટીએ તેમને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હતા અને તેમને વિવિધ પદો આપ્યા હતા પરંતુ તેઓ કોંગ્રેસમાં જોડાયા છે જે ગુનો છે.

ભાજપના કર્ણાટક પ્રભારી અરુણ સિંહે શનિવારે કહ્યું કે ચૂંટણી હાર્યા પછી પણ ભાજપે તેમને ડેપ્યુટી સીએમ અને પછી એમએલસી બનાવ્યા તે પછી પણ કોંગ્રેસમાં જઈ રહ્યા છે જ્યાં નેતાઓ બે ભાગમાં વહેંચાયેલા છે. તેમણે મોટી ભૂલ કરી છે અને તેમને પાછળથી પસ્તાવો થશે.

મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ કહ્યું કે શેટ્ટારના નિર્ણયથી તેમને દુઃખ થયું છે. તેમણે દાવો કર્યો હતો કે પાર્ટી નેતૃત્વએ શેટ્ટારને દિલ્હીમાં ટોચના પદની ઓફર કરી હતી અને તેમને હુબલી-ધારવાડ મધ્ય વિધાનસભા મતવિસ્તાર માટે ઉમેદવાર પસંદ કરવા વિનંતી પણ કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ