Karnataka Assembly Election Results 2023 Live Updates: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. જેમાં કોંગ્રેસ સ્પષ્ટ બહુમત સાથે સરકાર બનાવી રહી છે. 224 વિધાનસભા સીટોમાંથી કોંગ્રેસે 136 સીટો પર જીત મેળવી છે. ભાજપે 65 બેઠકો પર જીત મેળવી છે. જેડીએસે 19 સીટો પર જીત મેળવી છે. કલ્યાણ રાજ્ય પ્રગતિ પક્ષ અને સર્વોદય કર્ણાટકા પક્ષને 1-1 સીટ મળી છે. 2 સીટ પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે.
રાહુલ ગાંધીએ કહ્યું – કર્ણાટકમાં નફરતની બજાર બંધ થઈ અને પ્રેમની દુકાન ખુલી છે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરી હતી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને જનાદેશ આપનાર જનતાને અભિનંદન પાઠવ્યા હતા. મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કર્ણાટકમાં નફરતની બજાર બંધ થઈ અને પ્રેમની દુકાન ખુલી છે. ગરીબ જનતાએ પૂંજીવાદી શક્તિઓને હરાવી છે. કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં ગરીબોની સાથે ઉભી છે. અમે પ્રેમની લડાઈ લડી. કર્ણાટકે દેખાડ્યું કે આ દેશને પ્રેમ સારો લાગે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ જનતાની જીત છે. કર્ણાટકની જનતાની જીત છે. અમે ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટકની જનતાને પાંચ વાયદા કર્યા હતા. અમારા નેતાઓએ વાયદાઓ કર્યા હતા. અમે પહેલી કેબિનેટ મિટિંગમાં આ વચનો પુરા કરીશું.
આ પણ વાંચોઃ- કર્ણાટક વિધાનસભા ચૂંટણીની લાઇવ અપડેટ વાંચવા અહિં ક્લિક કરો
પીએમ નરેન્દ્ર મોદીએ જીત બદલ કોંગ્રેસને અભિનંદન પાઠવ્યા
પીએમ નરેન્દ્ર મોદીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત બદલ કોંગ્રેસ પાર્ટીને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત માટે કોંગ્રેસ પાર્ટીને અભિનંદન. લોકોની આકાંક્ષાઓને પુરી કરવા માટે મારી શુભકામનાઓ. મોદીએ અન્ય એક ટ્વિટમાં કહ્યું કે હું તે બધાનો આભાર માનું છું જેમણે કર્ણાટક ચૂંટણીમાં અમારું સમર્થન કર્યું છે. હું ભાજપા કાર્યકર્તાઓની સખત મહેનતની પ્રશંસા કરું છું. આપણે આવનાર સમયમાં વધારે જોશ સાથે કર્ણાટકની સેવા કરીશું.